Home /News /business /ભારતની સ્થિતિ એક સિક્કાની બે બાજુ જેવી: એક સમસ્યા હેરાન કરનારી, બીજા સમાચાર રાહત આપનારા

ભારતની સ્થિતિ એક સિક્કાની બે બાજુ જેવી: એક સમસ્યા હેરાન કરનારી, બીજા સમાચાર રાહત આપનારા

ભારતીય રૂપિયો સતત નબળો પડતા દેશના અર્થતંત્ર પર ચિંતાના સંકેત

Indian Economy: ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે પણ ભારત માટે નબળો રૂપિયો ચિંતાનો વિષય છે. સોમવારના કારોબારમાં ડૉલરના મુકાબલે રૂપિયો 44 પૈસા ઘટીને 81.53ના સ્તર પર ખુલ્યો હતો. ગત સપ્તાહે ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 81ની સપાટી કુદાવી ગયો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ આર્થિક દ્રષ્ટિએ વર્તમાન સમય સમગ્ર વિશ્વ માટે ખરાબ સાબિત થઈ રહ્યો છે. પહેલા કોરોના મહામારી, ચિપની તંગી અને યુદ્ધ બાદ વિશ્વ આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. ઝડપથી થઈ રહેલા ભૌગોલિક-રાજકીય પરિવર્તનને કારણે રિકવરીના માર્ગમાં અવરોધો ઊભા થયા છે.

ઘણા દેશો આર્થિક મંદીનો ભોગ બન્યા


ચાલુ વર્ષ પુરું થવામાં હજુ 3 મહિનાનો સમય બાકી છે, પરંતુ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા સહિત ઘણા દેશો આર્થિક મંદીનો ભોગ બન્યા છે. આ સાથે દાયકાઓનો રેકોર્ડ ફુગાવો અને ખર્ચાળ વ્યાજ પણ પડકારો ઉભા કરી રહ્યું છે. જો કે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ બે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના દૃષ્ટિકોણથી જોઈએ તો આ સમસ્યાઓમાંથી એક સમસ્યા વધુ હેરાન કરી દેનારી છે, જ્યારે બીજા સમાચાર ભારતને રાહત આપવાના છે.

મોંઘવારીના કારણે અમેરિકાની હાલત ખરાબ


અમેરિકા દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર છે, સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર અમેરિકન બજારની હિલચાલની અસર થાય છે. અમેરિકી શેર બજારમાં આ વર્ષે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વોલ સ્ટ્રીટમાં ચાલુ વર્ષે વેચવાલીનું જોર વધતુ રહ્યું છે. ગયા અઠવાડિયે શુક્રવારે પણ વેચવાલી જોવા મળી હતી.

અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના સતત પ્રયાસો બાદ પણ મોંઘવારી ઓછી થવાનું નામ નથી લેતી. લગભગ 4 દશકના ઉચ્ચ સ્તર પર પહોંચી ચૂકેલી મોંઘવારી સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે. પરિસ્થિતિ એ છે કે મોટાભાગના અમેરિકનો કમાઈને રોજનો નિર્વાહ કરે છે. તેઓ જે કંઈ પણ કમાય છે તે જરૂરિયાતોને પહોંચી વળવા પાછળ ખર્ચાઈ રહ્યું છે અને મહિનાના અંતે તેઓ સંકડામણનો ભોગ બને છે.

આ પણ વાંચોઃ આ વર્ષે 5G બનાવશે સૌથી મોટો રેકોર્ડ, 5G સ્માર્ટફોનના વેચાણમાં જબરો વધારો

વોલ સ્ટ્રીટમાં અફરાતફરીનો માહોલ


ફેડરલ રિઝર્વે ગત સપ્તાહે ફરી વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો. જેના માઠા પરિણામ મળ્યા હતા. અમેરિકાનું અર્થતંત્ર મંદીની ઝપટે ચડી ગયું છે. આવી સ્થિતિમાં બજાર દર ઘટવાની કે સ્થિર રહેવાની અપેક્ષા હોય છે, પરંતુ ફુગાવાને કારણે ફેડરલ રિઝર્વ પણ મજબુર છે. આ સાથે જ ફેડરલ રિઝર્વે પણ આવનારા સમયમાં અમેરિકી અર્થવ્યવસ્થાના ગ્રોથને લઈને નેગેટિવ સંકેત આપ્યા હતા. ત્યારથી વોલ સ્ટ્રીટના ઇન્ડેક્સમાં અફરાતફરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1.62 ટકા ઘટીને 29,590.41 પર બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 1.80 ટકા ઘટીને 10,867.93ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સમાં 1.72 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ રીતે વોલ સ્ટ્રીટ પોતાના 52 સપ્તાહના નવા નીચલા સ્તર પર આવી ગઈ છે.

ભારતીય માર્કેટમાં પણ વેચવાલીનો માહોલ


અમેરિકી બજારના ઘટાડાની અસર ભારતીય શેર બજાર પર પણ પડી રહી છે. આર્થિક મંદી વધુ ઘેરી થવી, ખૂબ ઊંચો ફુગાવો, ડોલરનું વધતું મૂલ્ય, બોન્ડ માર્કેટની વેચવાલી જેવા પરિબળો રોકાણકારોને ડરાવી રહ્યા છે. આ કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ દોડી રહ્યા છે. ઘણા રોકાણકારો હવે ભારત જેવા વિકસતા બજારોમાંથી નાણાં ઉપાડી રહ્યા છે અને ડોલરમાં રોકી રહ્યા છે. જેના ખરાબ પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ભારતીય બજારમાં સતત ચોથા દિવસે ભારે ઘટાડો નોંધાયો છે, નિફ્ટી 17 હજારની નજીક પહોંચી ગઈ છે. શુક્રવારે કારોબાર બંધ થયા બાદ સેન્સેક્સ 1,020.80 અંક (1.73 ટકા) ઘટીને 58,098.92 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 302.45 પોઇન્ટ (1.72 ટકા) ઘટીને 17,327.35 પર બંધ રહ્યો હતો. આ સાથે બપોરના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આંકડા જોઈએ તો, આ વર્ષે ભારતીય બજારો 3 ટકા જેટલા નુકસાનમાં રહ્યા છે.

આ પણ વાંચોઃ મંદી... મંદીની બૂમો પડી રહી છે ત્યારે સામનો કરવા કેવી રીતે તૈયારી રહેવું? અહીં સમજો

 ક્રૂડ ઓઇલના ભાવમાં રાહત


સારા સમાચારની વાત કરીએ તો થોડા મહિના પહેલા ક્રૂડના ભાવમાં જબ્બર ઉછાળો તિજોરીમાં ગાબડું પાડતો હતો. પણ હવે ભાવમાં થયેલો ઘટાડો ભારત માટે રાહતની વાત છે. ભારત પોતાની પેટ્રોલિયમ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર છે. આ કારણે કાચા તેલની કિંમતની સીધી અસર ભારતની તિજોરી પર પડે છે. ક્રૂડ ઓઇલની વેપાર ખાધને ચાલુ ખાતાની ખાધ પર મોટી અસર પડે છે.

આજે બ્રેન્ટ ક્રૂડ લગભગ 0.2 ટકા ઘટીને 84 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ ક્રૂડ શુક્રવારે 6 ટકાથી વધુ ઘટીને 80 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયું છે. જાન્યુઆરી 2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલ 80 ડોલરના સ્તરથી નીચે આવી ગયું છે.

અહીં નોંધનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડ ઓઇલમાં સતત વધારો થઈ રહ્યો હતો. હવે મંદીનો ભય અને 20 વર્ષની ટોચે પહોંચેલા ડોલરે ક્રૂડના ભાવમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં ઝડપથી ઘટી રહેલા વિદેશી મુદ્રા ભંડારને બચાવવામાં ભારત માટે સસ્તુ ક્રૂડ ઓઈલ મદદગાર સાબિત થઈ શકે છે. આ સાથે જો ક્રૂડ ઓઈલ સસ્તું થાય તો ભારતની જનતાને ડીઝલ અને પેટ્રોલ તેમજ સસ્તા સીએનજી-પીએનજીનો લાભ પણ મળી શકે છે.

આ પણ વાંચોઃ Gold Silver Price Today: નવરાત્રી-દીવાળી દરમિયાન સસ્તું સોનું ખરીદવા માટે છે મોકો 

રૂપિયાની નબળાઈ ચિંતાનું કારણ બન્યો


ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે પણ ભારત માટે નબળો રૂપિયો ચિંતાનો વિષય છે. સોમવારના કારોબારમાં ડૉલરના મુકાબલે રૂપિયો 44 પૈસા ઘટીને 81.53ના સ્તર પર ખુલ્યો હતો. ગત સપ્તાહે ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 81ની સપાટી કુદાવી ગયો હતો. આવી સ્થિતિમાં રિઝર્વ બેંકની કવાયત પણ રૂપિયાને બચાવી શકી નથી. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી મળેલી રાહતનો મોટો ભાગ નબળા રૂપિયાના કારણે વપરાઈ શકે છે.

જો કે, સારી વાત એ છે કે અન્ય મોટી કરન્સીની સરખામણીએ રૂપિયો હજુ પણ સારો દેખાવ કરી ચુક્યો છે. ડોલરે આ વર્ષે પ્રથમ વખત યુરોને પછાડ્યો છે અને હવે તે પાઉન્ડના મૂલ્યની બરાબરી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં રૂપિયો કેવો દેખાવ કરે છે તે જોવાનું રહ્યું. જાણકારોનું કહેવું છે કે ડોલર સામે રૂપિયો ઘટીને 82ના સ્તરે આવી શકે છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Indian economy, Petrol Diese price, US Dollar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन