Vehicle Scrappage Policy: વાહનને સ્ક્રેપેજમાં આપતા પહેલા માલિકો આ પાર્ટ્સ કાઢી શકશે, સરકારે જાહેર કરી યાદી

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં સ્ક્રેપેજ પોલિસી (Vehicle Scrappage Policy)ની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે દેશમાં દરેક જિલ્લામાં વાહન ફિટનેસ સેન્ટર (Fitness center) શરૂ કરવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલય (Ministry of Road Transport and Highways) તરફથી તાજેતરમાં સ્ક્રેપેજ પોલિસી (Vehicle Scrappage Policy)ની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે દેશમાં દરેક જિલ્લામાં વાહન ફિટનેસ સેન્ટર (Fitness center) શરૂ કરવામાં આવશે. જેમાં ફિટનેસના આધારે વાહનને સ્ક્રેપ કરવું કે તેને રોડ પર ચાલવાની મંજૂરી આપવી તેનો નિર્ણય કરાશે. વાહન માલિકો સ્ક્રેપેજ માટે તૈયાર થાય તે માટે મંત્રાલય તરફથી કેટલીક પ્રોત્સાહક યોજના પણ જાહેર કરવામાં આવી છે. જોકે, માલિકો વાહનને સ્ક્રેપમાં આપતા પહેલા તેમાં ફરીથી કામમાં આવી શકે તેવી કેટલાક પાર્ટ્સ (Vehicle parts) કાઢી શકે છે. તાજેતરમાં મંત્રાલય તરફથી એક ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

    કેન્દ્ર સરકારે જાહેર કરી યાદી

    રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયના અધિકૃત હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વીટ પ્રમાણે સ્ક્રેપમાં આપતા પહેલા વાહન માલિકો ગાડીના કેટલાક પોર્ટ્સ કાઢી શકે છે.નીચેના પાર્ટ્સનો ફરીથી ઉપયોગ કરવા માટે કાઢી શકાય છે.

    1) સસ્પેન્સન
    2) રેડિએટર
    3) હેડલેમ્પસ
    4) મડ ગાર્ડ
    5) હેન્ડલ્સ
    6) મીરર
    7) સ્પ્રિંગ પ્લેટ્સ
    8) વ્હીલ ડિસ્ક
    9) એક્સલ

    શું છે કેન્દ્રની વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી?

    પશ્ચિમી દેશોમાં આ પ્રકારની પોલિસી અમલી છે. ત્યાં વાહન નોંધણી સમયે જ પોલિસી અમલમાં આવી જાય છે. ભારતમાં પણ હવે આવું જ થશે. સામાન્ય રીતે પેસેન્જર વ્હીકલનું આયુષ્ય 15 વર્ષ અને કોમર્શિયલ વ્હીકલનું આયુષ્ય 10 વર્ષનું ગણવામાં આવે છે. આ સમયગાળા બાદ વાહનો અગાઉ કરતા વધુ ઝડપથી પર્યાવરણને પ્રદૂષિત કરવાનું શરૂ કરે છે. પશ્ચિમી દેશોમાં આવા જૂના વાહનોને સ્ક્રેપયાર્ડ્સમાં મોકલવામાં આવે છે. જ્યાં તેને તોડી નાંખવામાં આવે છે અને બોડી બનાવવા માટે વપરાયેલા સ્ટીલને રિસાયકલ કરવામાં આવે છે. અત્યારસુધી ભારતમાં આવી કોઈ નીતિ નહોતી. જેના કારણે મોટાભાગના વાહનો પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે અથવા રોડની સાઈડમાં નકામા પડ્યા છે.

    શું મર્યાદાથી વધુ સમયના બધા વાહનોને સ્ક્રેપ કરવાના છે?

    આ સ્કીમ સ્વૈચ્છિક છે. જેથી બધા વાહનોને સ્ક્રેપ કરવાના નથી. જોકે, આયુષ્ય પૂરું કરી ચૂકેલા બધા જ વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહેશે, તો રિન્યૂ સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તેને ચલાવી શકાશે નહીં. અલબત્ત, જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરી લે તો રોડ પર ચલાવવા યોગ્ય છે કે નહીં તે સાબિત કરવા દર પાંચ વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે.

    મારું વાહન સ્ક્રેપમાં આપવાથી મને શું ફાયદો થશે?

    1) કોઈ વાહન મલિક પોતાના વાહનને સ્ક્રેપ કરવાનું પસંદ કરે તો વાહનની એક્સ-શોરૂમ કિંમતના 4થી 6 ટકા જેટલી સ્ક્રેપ વેલ્યૂ આપવામાં આવશે.

    2) રોડ ટેક્સ ભરવામાં 25 ટકા સુધી મુક્તિની રાહત મળશે.

    3) સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવનારને નવા વાહન પર 5% ડિસ્કાઉન્ટ આપવાની ભલામણ વાહન ઉત્પાદકને કરાશે.

    4) વાહન નોંધણીની ફી ભરવી પડશે નહીં.



    ફિટનેસ ટેસ્ટ શું છે?

    ફિટનેસ ટેસ્ટ પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ જેવો જ હશે. આ ટેસ્ટ વાહનની યોગ્યતા અને વાહન વાતાવરણને નુકસાન કરી રહ્યું છે કે નહીં તે નક્કી કરે છે. અલબત, આ ચકાસણી ફિટનેસ ટેસ્ટનું માત્ર એક પાસું જ છે. તેમાં બ્રેક ટેસ્ટ, એન્જીન ટેસ્ટ પણ થશે. મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યા અનુસાર આ પ્રકારના ટેસ્ટ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં કરવામાં આવશે. આ કેન્દ્રોની સ્થાપના PPP મોડેલ હેઠળ કરવામાં આવશે. એક અંદાજ મુજબ દરેક ફિટનેસ ટેસ્ટ પાછળ ઓછામાં ઓછા રૂ. 30,000-40,000નો ખર્ચ થઈ શકે છે. આ ઉપરાંત વાહન રજિસ્ટ્રેશનને રિન્યૂ કરતી વખતે ગ્રીન સેસ પણ વસૂલવામાં આવશે.

    મારુ વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકે તો શું થાય?

    વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરે તેવા કિસ્સામાં તમને રિન્યુઅલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તમે વાહન રોડ પર ચલાવી શકશો નહીં. મોટર વ્હીકલ એકટ મુજબ RC વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. અહેવાલો અનુસાર, તમે માત્ર ત્રણ વખત જ ફિટનેસ ટેસ્ટ આપી શકશો. ત્યારબાદ તમારું વાહન કોઈપણ રીતે રોડ પર દોડવા યોગ્ય રહેશે નહીં.

    આ પોલિસી ક્યારથી અમલમાં આવશે?

    વડાપ્રધાન મોદીએ પોલિસીને લોન્ચ કરી દીધી છે, પરંતુ આ પોલિસી ગ્રાઉન્ડ લેવલે અમલમાં આવતા હજુ ઘણો સમય લાગશે. હજી સુધી સ્ક્રેપીગ સેન્ટર તૈયાર થયા નથી. ત્યારે ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટ્રીના સેક્રેટરી ગિરિધર અરમાને કહે છે કે, 2023થી ભારે કોમર્શિયલ વાહનો નિયમો મુજબ ફિટનેસ લેવલને અનુરૂપ નહીં હોય તો તેને સ્ક્રેપ કરવા જરૂરી છે. જયારે પર્સનલ વાહનો માટે જૂન 2024થી પોલિસી લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
    Published by:Vinod Zankhaliya
    First published: