Home /News /business /Registration Renewal of Vehicle: પહેલી એપ્રિલથી આ વાહનોનું Re-Registraton થશે મોંઘું, જાણો કેટલી કિંમત ચૂકવવી પડશે

Registration Renewal of Vehicle: પહેલી એપ્રિલથી આ વાહનોનું Re-Registraton થશે મોંઘું, જાણો કેટલી કિંમત ચૂકવવી પડશે

15 વર્ષ જૂના વાહનોની ફરીથી નોંધણી કરાવવાનો ચાર્જ વધશે.

Re-Registration of Vehicle: ફરીથી રજિસ્ટ્રેશનમાં જો મોડું થશે તો દંડની રકમ પણ ચૂકવવી પડશે. ખાનગી વાહનોના રજિસ્ટ્રેશનમાં મોડું થશે તો દર મહિને 300 રૂપિયા અને કૉમર્શિયલ વાહનો માટે દર મહિને 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

  નવી દિલ્હી. Registration Renewal of Vehicle: કેન્દ્ર સરકાર 15 વર્ષથી જૂના વાહનો (Old vehicles) મામલે કડક પગલાં ભરવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલય (Road Transport and highways ministry)ના આદેશ પ્રમાણે પહેલી એપ્રિલથી 15 વર્ષથી વધારે જૂના વાહનોના ફરીથી રજિસ્ટ્રેશન (Renewal of Registration or Re-Registration of Vehicle) કરાવવા પર આઠ ગણી વધારે કિંમત ચૂકવવી પડશે. આ નિયમ એવી જગ્યાએ લાગૂ પડશે જ્યાં 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને ડિરજિસ્ટર માનવામાં આવે છે.

  પહેલી એપ્રિલથી 15 વર્ષ જૂની કારની ફરીથી નોંધણી માટે 5,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. હાલ આ ચાર્જ ફક્ત 600 રૂપિયા છે. વિદેશની મંગાવેલી કાર પર ચાર્જ 15,000થી વધારીને 40,000 કરવામાં આવશે. ટૂ-વ્હીલર વાહનો માટે રજિસ્ટ્રેશન ચાર્જ 300 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવશે.

  દંડ લાગશે


  આટલું જ નહીં, ફરીથી રજિસ્ટ્રેશનમાં જો મોડું થશે તો દંડની રકમ પણ ચૂકવવી પડશે. ખાનગી વાહનોના રજિસ્ટ્રેશનમાં મોડું થશે તો દર મહિને 300 રૂપિયા અને કૉમર્શિયલ વાહનો માટે દર મહિને 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

  ફિટનેસ ટેસ્ટની કિંમત વધશે


  મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પહેલી એપ્રિલથી જૂના ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટનો ચાર્જ પણ વધશે. કૉમર્શિયલ વાહનો આઠ વર્ષ કે તેનાથી જૂના થાય તો ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરાશે. ટેક્સી માટે ફિટનેસ ટેસ્ટની ફી 1,000 રૂપિયાને બદલે 7,000 રૂપિયા કરવામાં આવશે. બસો અને ટ્રકો માટે ફિટનેસ ચાર્જ 1,500 રૂપિયાથી વધારીને 12,500 રૂપિયા કરવામાં આવશે.

  કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે આ ચાર્જિસમાં એટલા માટે વધારો કરવામાં આવ્યો છે જેનાથી વાહન માલિકો પોતાના જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું પસંદ કરે. આ એવા વાહનો છે જેનાથી વધારે પ્રદૂષણ થાય છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે NCR સાથે ગણતરી કરવામાં આવે તો દેશમાં 1.2 કરોડ વાહનો સ્ક્રિપિંગને યોગ્ય છે. કાર માલિકો જૂના વાહનોનું સ્ક્રેપિંગ કરી શકે તે માટે આખી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.

  વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી શું છે?


  પશ્ચિમી દેશોમાં આ પ્રકારની પોલિસી અમલી છે. ત્યાં વાહન નોંધણી સમયે જ પોલિસી અમલમાં આવી જાય છે. ભારતમાં પણ હવે આવું જ થશે. સામાન્ય રીતે પેસેન્જર વ્હીકલનું આયુષ્ય 15 વર્ષ અને કોમર્શિયલ વ્હીકલનું આયુષ્ય 10 વર્ષનું ગણવામાં આવે છે. આ સમયગાળા બાદ વાહનો અગાઉ કરતા વધુ ઝડપથી પર્યાવરણને પ્રદૂષિત કરવાનું શરૂ કરે છે. પશ્ચિમી દેશોમાં આવા જૂના વાહનોને સ્ક્રેપયાર્ડ્સમાં મોકલવામાં આવે છે. જ્યાં તેને તોડી નાંખવામાં આવે છે અને બોડી બનાવવા માટે વપરાયેલા સ્ટીલને રિસાયકલ કરવામાં આવે છે. અત્યારસુધી ભારતમાં આવી કોઈ નીતિ નહોતી. જેના કારણે મોટાભાગના વાહનો પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે અથવા રોડની સાઈડમાં નકામા પડ્યા છે.

  પોલિસીના કારણે શું પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે?


  વાહનનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે તે પહેલા કરતા વધુ પ્રદુષણ ફેલાવા લાગે છે. આવું પ્રદુષણ રોકવા માટે વાહનને સ્ક્રેપ કરવું જરૂરી છે. આ ઉપરાંત જુના વાહનને સ્ક્રેપ કરવાથી નવા વાહન માટે જગ્યા થશે. જેના પરિણામે અત્યારે ગૂંગળાતી ઓટો ઈન્ડસ્ટ્રીમાં નવા શ્વાસ પુરાશે. આ બાબતે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, એકવાર વાહનોનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયા બાદ ફિટનેસ ટેસ્ટ ફરજિયાત આપવો પડશે. અલબત્ત લોકો સ્ક્રેપિંગનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

  શું મર્યાદાથી વધુ સમયના બધા વાહનોને સ્ક્રેપ કરવાના છે?


  આ સ્કીમ સ્વૈચ્છિક છે. જેથી બધા વાહનોને સ્ક્રેપ કરવાના નથી. જોકે, આયુષ્ય પૂરું કરી ચૂકેલા બધા જ વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહેશે, તો રિન્યૂ સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તેને ચલાવી શકાશે નહીં. અલબત્ત, જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરી લે તો રોડ પર ચલાવવા યોગ્ય છે કે નહીં તે સાબિત કરવા દર પાંચ વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે.

  મારું વાહન સ્ક્રેપમાં આપવાથી મને શું ફાયદો થશે?


  પોલિસી કારણે થતા આર્થિક ફાયદા અંગે મંત્રી નીતિન ગડકરીએ પ્રકાશ પાડ્યો છે. જે આ મુજબ છે.

  1) કોઈ વાહન મલિક પોતાના વાહનને સ્ક્રેપ કરવાનું પસંદ કરે તો વાહનની એક્સ-શોરૂમ કિંમતના 4થી 6 ટકા જેટલી સ્ક્રેપ વેલ્યૂ આપવામાં આવશે.

  2) રોડ ટેક્સ ભરવામાં 25 ટકા સુધી મુક્તિની રાહત મળશે.

  3) સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવનારને નવા વાહન પર 5% ડિસ્કાઉન્ટ આપવાની ભલામણ વાહન ઉત્પાદકને કરાશે.

  4) વાહન નોંધણીની ફી ભરવી પડશે નહીં.

  આ પણ વાંચો: Car loan લેતી વખતે આટલી ભૂલો બિલકૂલ ન કરો, આ બાબતોનું રાખો ધ્યાન

  ફિટનેસ ટેસ્ટ શું છે?


  ફિટનેસ ટેસ્ટ પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ જેવો જ હશે. આ ટેસ્ટ વાહનની યોગ્યતા અને વાહન વાતાવરણને નુકસાન કરી રહ્યું છે કે નહીં તે નક્કી કરે છે. અલબત, આ ચકાસણી ફિટનેસ ટેસ્ટનું માત્ર એક પાસું જ છે. તેમાં બ્રેક ટેસ્ટ, એન્જીન ટેસ્ટ પણ થશે.

  મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યા અનુસાર આ પ્રકારના ટેસ્ટ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં કરવામાં આવશે. આ કેન્દ્રોની સ્થાપના PPP મોડેલ હેઠળ કરવામાં આવશે. એક અંદાજ મુજબ દરેક ફિટનેસ ટેસ્ટ પાછળ ઓછામાં ઓછા રૂ. 30,000-40,000નો ખર્ચ થઈ શકે છે. આ ઉપરાંત વાહન રજિસ્ટ્રેશનને રિન્યૂ કરતી વખતે ગ્રીન સેસ પણ વસૂલવામાં આવશે.

  મારુ વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકે તો શું થાય?


  વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરે તેવા કિસ્સામાં તમને રિન્યુઅલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તમે વાહન રોડ પર ચલાવી શકશો નહીં. મોટર વ્હીકલ એકટ મુજબ RC વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. અહેવાલો અનુસાર, તમે માત્ર ત્રણ વખત જ ફિટનેસ ટેસ્ટ આપી શકશો. ત્યારબાદ તમારું વાહન કોઈપણ રીતે રોડ પર દોડવા યોગ્ય રહેશે નહીં.

  આ પણ વાંચો: Car Loan પર Top Up Loan લેતી વખતે શું ધ્યાનમાં રાખવું? ટોપ અપ લોન લેવાના ફાયદા શું?

  આ પોલિસી ક્યારથી અમલમાં આવશે?


  વડાપ્રધાન મોદીએ પોલિસીને લોન્ચ કરી દીધી છે, પરંતુ આ પોલિસી ગ્રાઉન્ડ લેવલે અમલમાં આવતા હજુ ઘણો સમય લાગશે. હજી સુધી સ્ક્રેપીગ સેન્ટર તૈયાર થયા નથી. ત્યારે ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટ્રીના સેક્રેટરી ગિરિધર અરમાને કહે છે કે, 2023થી ભારે કોમર્શિયલ વાહનો નિયમો મુજબ ફિટનેસ લેવલને અનુરૂપ નહીં હોય તો તેને સ્ક્રેપ કરવા જરૂરી છે. જયારે પર્સનલ વાહનો માટે જૂન 2024થી પોલિસી લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bike, Vehicle, Vehicle Scrappage policy, આરટીઓ, કાર, ટ્રક, બસ

  विज्ञापन
  विज्ञापन