મુંબઇ. US Market: યૂએસ ફેડના વ્યાજદર વધારાની અસર વૈશ્વિક માર્કેટ (Global Market) પર વધારે જોવા મળી નથી. ગુરુવારે અમેરિકાના ત્રણેય મહત્ત્વના ઇન્ડેક્સ (US Market)માં એક ટકાથી વધારેનો ઉછાળો જોવા મળ્યો હતો. આ વાત પરથી એવું કહી શકાય કે યૂએસ ફેડ (US Federal Reserve) તરફથી વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની કોઈ અસર બજાર પર જોવા મળી નથી. કારણ કે બજાર અપેક્ષા પ્રમાણે જ રહ્યું છે.
આ ઉપરાંત રશિયા (Russia) તરફથી ડિફૉલ્ટ થવાની ચિંતા પર ઓછી થઈ છે. કારણ કે ક્રેડિટર્સ તરફથી રશિયાને પેમેન્ટ મળી ગયું છે. જેનાથી રોકાણકારોને હાલ પૂરતી રાહત મળી છે. કારણ કે રશિયા છેલ્લી એક સદીમાં પોતાના એક્સટર્નલ બોન્ડ ડિફૉલ્ટ કરવાથી હાલ પૂરતું તો બચી જ ગયું છે. ક્રેડિટર્સે રશિયન બૉન્ડ કૂપન્સની ચૂકવણી ડૉલરમાં કરી છે.
ગઈકાલે એટલે કે ગુરુવારે S&P 500, Dow Jones અને Nasdaq એમ ત્રણેય ઇન્ડેક્સમાં નવેમ્બર 2020 પછી સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. ગુરુવારના ટ્રેડિંગમાં S&P 500માં સતત ત્રીજા દિવસે એક ટકાથી વધારેનો ઉછાળો જોવા મળ્યો હતો.
વ્યાજદરમાં વધારો
ઉલ્લેખનીય છે કે યૂએસ ફેડરલ બેંક તરફથી બુધવારે વ્યાજદરોમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો અપેક્ષા પ્રમાણે જ રહ્યો હતો. આ ઉપરાંત ફેડ તરફથી આ વર્ષે વ્યાદરોમાં છ વખત વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ કેન્દ્રીય બેંકે આ વર્ષે આર્થિક ગ્રોથનો અંદાજ પણ ઘટાડી દીધો છે.
યૂએસ માર્કેટમાં ઉછાળો
ગઈકાલે એટલે કે ગુરુવારે Dow Jones 417.66 પોઇન્ટ એટલે કે 1.23 ટકા ઉછળીને 34,480.76ના સ્તર પર બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 53.81 પોઇન્ટ એટલે કે 1.23 ટકા વધારા સાથે 4,411.67ના સ્તર પર બંધ રહ્યો હતો. તો Nasdaq Composite 178.23 પોઇન્ટ એટેલ કે 1.33 ટકા વધારા સાથે 13,614.78 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.
S&Pના 11 મહત્ત્વના ઇન્ડસ્ટ્રી સેક્ટર્સમાંથી એનર્જી સેક્ટર 3.5 ટકા ઉછળીનો ટોપ ગેનર રહ્યો હતો. જેને ઓઇલની કિંમતમાં આવેલા ઉછાળાથી ખૂબ ફાયદો થયો હતો. બીજી તરફ ડિફેન્સિવ સેક્ટર્સમાં સુસ્તી જોવા મળી હતી. યૂટિલિટીઝમાં ફક્ત 0.50 ટકા અને કન્ઝ્યૂમર્સ સ્ટેપલ્સમાં 0.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
આ દરમિયાન ગુરુવારે રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે વાતચીતનું કોઈ પરિણામ આવ્યું ન હતું. સાથે જ ગુરુવારે આવેલા રોજગારીના આંકડાઓ પરથી માલુમ પડે છે કે અમેરિકામાં રોજગારીની માંગ મજબૂત બની છે.
ગુરુવારે ઉછાળા સાથે ભારતીય બજાર બંધ
ભારતીય શેર બજાર (Indian stock market)માં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. 17 માર્ચના રોજ સેન્સેક્સ અને નિફ્ટી (Nifty 50) મોટા ઉછાળો સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ (Sensex)માં 1047.28 પોઇન્ટ વધીને 57,863.93 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 311.70 પોઇન્ટ વધીને 17287.05 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. એટલે કે સેન્સેક્સમાં 1.84 ટકા અને નિફ્ટી 1.84 ટકા વધીને બંધ રહ્યો હતો.
નિફ્ટી બેંક (Bank Nifty) 680 પોઇન્ટ વધીને 36,429 પર બંધ રહ્યો હતો. મિડ કેપ ઇન્ડેક્સ (Mid cap index) 393 પોઇન્ટ વધીને 28,978 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30માંથી 28 શેરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીના 50માંથી 45 શેરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી બેંકના 12માંથી 10 શેરમાં તેજી જોવા મળી હતી. ડૉલરની સરખામણીમાં રૂપિયો મજબૂત બન્યો હતો. ડૉલરની સરખામણીમાં રૂપિયો 47 પૈસા મજબૂત થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર