ભારતમાં બેરોજગારી દર ફેબ્રુઆરી મહિનામાં વધીને અઢી વર્ષના શિખર પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) તરફથી જાહેર આંકડાઓ મુજબ, ફેબ્રુઆરી 2019માં બેરોજગારી દર 7.2 ટકા પહોંચી ગયો. તે સપ્ટેમ્બર 2016 બાદથી સૌથો વધુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ આંકડો 5.9 ટકા હતો.
સીએમઆઈએ દ્વારા આ આંકડા મંગળવારે જાહેર કરવામાં આવ્યા. મુંબઈના એક થિંક ટેન્કના પ્રમુખ મહેશ વ્યાસે Reuters સાથેની વાતચીનમાં જણાવ્યું કે બેરોજગારી દરમાં મોટો વધારો એવા સમયે થયો છે જ્યારે જોબ શોધનારા લોકોની સંખ્યા ઓછી થઈ છે. મહેશ વ્યાસે જણાવ્યું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 40.6 કરોડ લોકો કામ કરી રહ્યા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો 40 કરોડ છે.
આ વર્ષે મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં બેરોજગારીની આ સમસ્યા મોદી સરકારની સામે મોટો પડકાર ઊભો કરી શકે છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે સીએમઆઈએના ડેટા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા જોબલેસ ડેટાથી વધુ વિશ્વસનીય છે. આ ડેટા દેશભરના હજારો પરિવારો સાથે હાથ ધરવામાં આવેલા સર્વેના આધારે તૈયાર કરવામાં આવે છે.