મુંબઇ. Uma Exports IPO: ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ ( Uma Exports IPO open date) આગામી 28 માર્ચના રોજ ખુલશે. કંપની તરફથી આ માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ 65-68 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Uma Exports price band) નક્કી કરી છે. કંપનીએ ઇશ્યૂ ખુલવાની તારીખ અંગે પહેલા જ જાણકારી આપી હતી. કંપનીના શેરનું લિસ્ટિંગ (Uma Exports listing date) 7મી એપ્રિલના રોજ થઈ શકે છે.
કંપની કેટલું ભંડોળ એકઠું કરશે?
ઉમા એક્સપોર્ટ્સ આઈપીઓ મારફતે 60 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાંથી 50 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની પોતાની દૈનિક જરૂરિયાતને પૂર્ણ કરવામાં કરશે. ઉમા એક્સપોર્ટ્સ લાલ મરચા, હળદર, જીરૂ, ધાણા જેવા મસાલા, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર જેવા અનાજ, દાળ, ખાંડ, ચા અને સોયાબીન મીલ તેમજ રાઇસ બ્રેન ડી ઓઇલ્ડ કેક જેવા પશુચારાનું ટ્રેડિંગ અને માર્કેટિંગ કરે છે.
કંપની કેનેડા, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમારમાં મુખ્ય રીતે દાળ, ફેબા બીન્સ, કાળા અળદની દાળ અને તુવેરદાળની નિકાસ કરે છે. જ્યારે શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત અને અફઘાનિસ્તાનને ખાંડ અને બાંગ્લાદેશમાં મકાઈની નિકાસ કરે છે.
કંપનીની બેલેન્સ શીટ
નાણાકીય વર્ષ 2021માં ઉમા એક્સપોર્ટ્સની કુલ આવક 752.03 કરોડ રૂપિયા રહી હતી. જે એક વર્ષ પહેલા 810.31 કરોડ રૂપિયા હતી. કંપનીનો નેટ પ્રોફિટ નાણાકીય વર્ષ 2021માં 12.18 કરોડ રૂપિયા હતો, જે ગત વર્ષ 8.33 કરોડ રૂપિયા હતો. કંપનીનો ઑપરેટિંગ નફો 21.25 કરોડ રૂપિયા હતો, જે ગત વર્ષ 19.75 કરોડ રૂપિયા હતો.
ઉમા એક્સપોર્ટ્સના આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત રાખવામાં આવ્યો છે.
મહત્ત્વની તારીખો
ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ 28 માર્ચ, 2022ના રોજ ખુલશે અને 30 માર્ચ, 2022ના રોજ બંધ થશે. આઈપીઓનું લિસ્ટિંગ સાતમી એપ્રિલના રોજ થવાની સંભાવના છે. શેરની ફાળવણી ચોથી એપ્રિલના રોજ થશે. જેમને શેર નથી મળ્યા તેમને પાંચમી તારીખથી રિફંડ મળવાની શરૂઆત થશે.
ઉમા એક્સપોર્ટ્સના આઈપીઓમાં રિટેલ રોકાણકારો 220 શેરના ઓછામાં ઓછા એક લોટ માટે અરજી કરી શકશે. જે પ્રમાણે 14,960 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 13 લોટ માટે બીડ કરી શકાશે. જે માટે 1,94,480 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હાલ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 98.13% છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર