નવી દિલ્હી : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કનું (Elon Musk)ટ્વિટર (Twitter)ખરીદવાનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. ટેસ્લાના સીઇઓ તરફથી અમેરિકાની માઇક્રોબ્લોગિંગ સાઇટને 43 અબજ ડોલરમાં ખરીદવાની ઓફર આપવામાં આવી હતી. ટ્વિટરના બોર્ડે આ ઓફરને મંજૂરી આપી દીધી છે.
એલન મસ્ક ટ્વિટરના મોટા શેરહોલ્ડર્સમાંથી એક છે. તેમની પાસે ટ્વિટરની 9.2 ટકા ભાગીદારી છે. આ મહિને તેમણે ટ્વિટરની મોટી ભાગીદારી ખરીદવાની જાણકારી આપી હતી. તેના થોડાક દિવસો પછી તેમણે ટ્વિટરની ખરીદવાની ઓફર આપીને પુરી દુનિયાને ચોંકાવી દીધા હતા.
એલન મસ્ક અને ટ્વિટરના બોર્ડ વચ્ચે સોમવારે વાતચીત થઇ હતી. આ વાતચીતમાં બોર્ડે મસ્કની ઓફરનો સ્વીકાર કરી લીધો છે. જોકે હાલ આ ડીલ વિશે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. જલ્દી આ વિશે જાહેરાત કરવામાં આવશે.
તેમની આ ઓફર પછી તમામ પ્રકારની અટકળોનું બજાર ગરમ હતું. ન્યૂઝ એજન્સી રોયટર્સે સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા હતા કે ટ્વિટર તેમની ઓફરને સ્વીકારવા રાજી થઇ ગયું છે. સોમવારે આ ડીલ પર સમજુતી થઇ શકે છે. બ્લૂમબર્ગે પણ આ ઘટનાક્રમ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી કહ્યું હતું કે ટ્વિટર લેણ-દેણની શરતોને નિર્ધારિત કરવા પર કામ કરી રહ્યું છે.
100 ટકા ભાગીદારી ખરીદશે એલન મસ્ક
એલન મસ્કે 14 એપ્રિલે રેગુલેટરી ફાઇલિંગમાં ટ્વિટરની પુરી 100 ટકા ભાગીદારી 54.20 ડોલર પ્રતિ શેરના ભાવ પર ખરીદવાની જાણકારી આપી હતી. સાથે કહ્યું હતું કે આ સોશિયલ મીડિયા કંપનીમાં ફેરફારની જરૂર છે.
તેમણે પોતાની ઓફરને સૌથી સારી અને અંતિમ બતાવતા એ પણ કહ્યું હતું કે જો ટ્વિટર તેના ઓફરને સ્વીકાર નહીં કરે તો તેમને શેરહોલ્ડર્સના રૂપમાં પોતાની પોઝિશન વિશે ફરીથી વિચાર કરવો પડશે.
એલન મસ્કે આ પહેલા કહ્યું હતું કે ...હું ટ્વિટરનો 100 ટકા હિસ્સો 54.20 ડોલર પ્રતિ શેર રોકડમાં ખરીદવાની ઓફર કરી રહ્યો છું, જે મેં ટ્વિટરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું તે પહેલાંના દિવસનું 54 ટકા પ્રીમિયમ અને મારા રોકાણની જાહેરમાં જાહેરાત કરવામાં આવી તેના આગલા દિવસે 38 ટકા પ્રીમિયમ છે. "મારી ઓફર મારી શ્રેષ્ઠ અને અંતિમ ઓફર છે અને જો તે સ્વીકારવામાં નહીં આવે, તો મારે શેરહોલ્ડર તરીકેની મારી સ્થિતિ પર પુનર્વિચાર કરવાની જરૂર પડશે."
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર