Apple vs Twitter: એપલ અને ટ્વિટર (Twitter) વચ્ચેનું યુદ્ધ વધુ ઘેરું બની રહ્યું છે. હવે ટ્વિટર આઈફોન (iPhone) યુઝર્સને ઝટકો આપવાની તૈયારીમાં છે. ટ્વિટર આગામી સમયમાં આઈફોન યુઝર્સ માટે ટ્વિટર બ્લૂ (Twitter Blue)ની કિંમત વધારવા અંગે વિચારી રહ્યું છે. આ સબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટની કિંમત હાલમાં 7.99 ડોલર (657.31 રૂપિયા) છે અને હવે ટ્વિટર તેને વધારીને 11 ડોલર (904.94 રૂપિયા) કરવાની યોજના ધરાવે છે.
જો આવું થશે તો ટ્વિટર બ્લૂના સબ્સ્ક્રિપ્શન માટે ટ્વિટરની આઇફોન એપ્લિકેશનની ફી તરીકે 11 ડોલર ચૂકવવા પડશે. જ્યારે વેબસાઇટ પરથી સબ્સ્ક્રિપ્શન ફી 7 ડોલર (575.87 રૂપિયા) રહેશે.
એપલે iOS પર એપ્લિકેશન દ્વારા ચૂકવણી કરવામાં આવે તો 30 ટકા કાપનો નિર્ણય લીધો છે. ઇન-એપ ખરીદી માટે સોફ્ટવેર ડેવલપર્સ પાસેથી 30% લેવાની વાતનો વિરોધ થયો છે. ટ્વિટરના માલિક એલન મસ્કે એપલના આ નિર્ણય સામે શ્રેણીબદ્ધ ટ્વીટ્સ પોસ્ટ કર્યા હતા. તેમણે એક મિમ પણ પોસ્ટ કર્યું હતું, જેનો અર્થ એ હતો કે તેઓ કમિશન ચૂકવવાને બદલે એપલ સાથે યુદ્ધ લડવાનું પસંદ કરશે.
આઇફોન પર ટ્વિટર એપ દ્વારા ટ્વિટર બ્લૂનું સબસ્ક્રિપ્શન 11 ડોલર થઈ શકે છે, પરંતુ જો તમે વેબસાઇટ દ્વારા સબસ્ક્રાઇબ કરો, તો સામાન્ય 7.99 ડોલર જેટલો ચાર્જ લેવામાં આવશે. આનું કારણ એ છે કે કંપની ઇચ્છે છે કે યુઝર્સ આઇફોન પર એપ્લિકેશનને બદલે વેબસાઇટ દ્વારા સાઇન ઇન કરે. જો કે, સૂત્રોએ આઈફોનમાં ફીના વધારા બાબતે રોઇટર્સને માહિતી આપી નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં એલન મસ્કે આરોપ લગાવ્યો હતો કે એપલે ટ્વિટર પર જાહેરાત બંધ કરીને એપ સ્ટોર પરથી ટ્વિટરને હટાવી દેવાની ધમકી આપી છે. એલન મસ્કે ટ્વીટ કર્યું, એપલે મોટાભાગની ટ્વિટર જાહેરાતો બંધ કરી દીધી છે. શું તેમને અમેરિકામાં વાણી સ્વાતંત્ર્ય પસંદ નથી?
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એપલે ટ્વિટર પર પોતાની જાહેરાતોની સંખ્યા અડધી કરી દીધી છે. એપલે 16 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે ટ્વિટરને 220,800 ડોલર આપ્યા હતા, જ્યારે 10 નવેમ્બરથી 16 નવેમ્બરની વચ્ચે આ રકમ ઘટીને 131,600 ડોલર થઈ ગઈ છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એપલ અને ટ્વિટર વચ્ચે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને એપલ હવે ટ્વિટર પર તેની જાહેરાતોની સંખ્યામાં વધારો કરશે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર