નવી દિલ્હી: શિક્ષણમાં કરેલું રોકાણ સૌથી વધુ વળતર (Return) આપે છે. અત્યારે ગળાકાપ સ્પર્ધા (Competition) અને વધતી જતી મોંઘવારી વચ્ચે વિદેશમાં અભ્યાસ (Study in abroad) કરવાનું સ્વપ્ન જોનારા મોટાભાગના વિદ્યાર્થીને એજ્યુકેશન લોન (Education loan) જરૂરિયાત બની ગઈ છે. અત્યારસુધી મોટાભાગના માતાપિતા બાળકોના અભ્યાસ માટે ગોલ્ડ, ફિક્સ્ડ ડિપોઝિટ, જમીન વગેરે જેવી સંપત્તિ કે આજીવન કામ કરીને એકઠી કરેલી મૂડી ખર્ચી નાંખતા હતા. પણ આજકાલ માતાપિતાએ એજ્યુકેશન લોન લઈને તેમના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉપાડવા લાગ્યા છે. વર્તમાન સમયે ખાનગી અને જાહેરક્ષેત્રની બેંકો દ્વારા એજ્યુકેશન લોન ઓફર કરવામાં આવે છે. એજ્યુકેશન લોન માટેના નિયમો (Rules for Education loan) સમાન જ છે, પરંતુ બેંકો મુજબ અમુક ફેરફાર જોવા મળે છે. આ લોન લેવાના ફાયદા અનેક છે. જેથી આજે આપણે એજ્યુકેશન લોનના કર લાભ સહિતના ફાયદા અંગે જાણીશું.
1) ઓછો વ્યાજદર
હોમલોન, કાર લોન કે પર્સનલ લોનની સરખામણીએ એજ્યુકેશન લોનમાં વ્યાજદર ઓછા હોય છે. વિદ્યાર્થીઓને પરવડે તે માટે જ આવી લોનમાં દર ઓછા રાખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ માટે લોનના વ્યાજમાં 0.5 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. બીજી તરફ કેટલીક બેંકો તેના કર્મચારીઓના સંતાનોને કિફાયતી વ્યાજદર પણ ઓફર કરે છે.
2) વધુ રકમ અને સમય
સામાન્ય રીતે એજ્યુકેશન લોનમાં અન્ય લોનની સરખામણીએ વધુ સમય અને રકમ મળે છે. તમે રૂ.1 કરોડ સુધીની એજ્યુકેશન લોન સરળતાથી લઈ શકો છો. આ લોન ચૂકવવા માટેની મુદત 15 વર્ષ સુધીની હોય શકે છે.
3) આર્થિક ફાયદા
એજ્યુકેશન લોન લેવાથી તમારી પારિવારિક બચત પરનું ભારણ ઘટે છે અને ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ અથવા બોન્ડ્સમાં તમારા રોકાણોને કાઢવાની જરૂરિયાત રહેતી નથી. આ ઉપરાંત એજ્યુકેશન લોન પરનું વ્યાજ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80 ઇ હેઠળ ટેક્સ રિબેટ માટે પાત્ર છે.
4) CIBIL સ્કોર સુધારે છે
CIBIL સ્કોર તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર આધારિત રહે છે. CIBIL સ્કોર મોટાભાગે 300થી 900 વચ્ચે હોય છે. જેમાંથી 750થી વધુનો સ્કોર સારો માનવામાં આવે છે. એજ્યુકેશન લોનના હપ્તા રેગ્યુલર ભરવાથી આ સ્કોર વધે છે અને ભવિષ્યમાં અન્ય કોઈ લોન લેવામાં તકલીફ પડતી નથી.
5) શિક્ષણ મેળવ્યા બાદ ચૂકવણી
વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ EMI ચૂકવવાની હોય છે. તેથી તમારે તાત્કાલિક ચૂકવણીની ચિંતા કરવાની જરૂર નથી. એટલું જ નહીં, અમુક બેંકો અભ્યાસ બાદ 1 વર્ષનો મોરેટોરીયમ સમયગાળો પણ આપે છે.
6) વિદેશ અભ્યાસ માટે વિઝા મળ્યા પહેલા લોન
ઘણા વિદ્યાર્થીઓ લોન લઈને વિદેશમાં અભ્યાસ કરવા જાય છે. આવી સ્થિતિમાં અમુક ખર્ચ વિઝા મળે તે પહેલાં જ થઈ જતો હોય છે. જેથી કેટલીક બેંકો દ્વારા વિઝા એપ્લાય કર્યા પહેલા જ લોનની રકમ આપી દેવામાં આવે છે. આ ઉપરાંત અમુક બેંકો ખૂબ સારી સર્વિસ આપતી હોવાથી ડોક્યુમેન્ટ આપવા લેવાની માથાકૂટ પણ કરવી પડતી નથી
7) કર લાભ મળી શકે છે
એજ્યુકેશન લોનમાં વ્યક્તિ 8 વર્ષ સુધીના વ્યાજ પર કર રાહતનો લાભ લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80E હેઠળ તમારી એજ્યુકેશન લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર તમને કર કપાત મળશે. આ લાભ ફક્ત વ્યક્તિગત લોન લેનાર અને ઉચ્ચ શિક્ષણના હેતુ માટે આપવામાં આવે છે. આ કપાતમાં ભારત અને વિદેશમાં અભ્યાસના તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં વ્યવસાયિક તેમજ નિયમિત અભ્યાસક્રમોનો પણ સમાવેશ થાય છે.
અહીં એ બાબતનું ધ્યાન રાખવું કે, કર કપાત ફક્ત EMIના વ્યાજ ભાગ પર લાગુ પડે છે, પ્રિન્સિપાલ પર નહીં. જોકે, આ લાભનો ક્લેઇમ કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. આ લાભનો દાવો કરવા માટે તમારે તમારી બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી તમારા EMIના પ્રિન્સિપાલ અને વ્યાજના ભાગને અલગ પાડતા પ્રમાણપત્રની જરૂર પડશે
8) લોનમાં બહોળા પ્રમાણમાં ખર્ચ આવરી લેવાય છે
વિદેશમાં અભ્યાસ લોનમાં માત્ર ટ્યુશનનો ખર્ચ જ નહીં, પરંતુ જીવન જરૂરિયાત અને મુસાફરીનો ખર્ચ, અભ્યાસ સામગ્રી, લેપટોપ અને ઘણું બધું આવરી લેવામાં આવે છે. આવો ખર્ચ પણ આવરી લેવાતો હોવાથી અભ્યાસની ફી સિવાયના અન્ય ખર્ચનું ભારણ આવતું નથી.
9) વિદ્યાર્થીઓ આપબળે પગભર થાય છે
શિક્ષણ લોન લેવાથી છાત્ર આપબળે જવાબદારી લેતા શિખે છે. તે પોતાના અભ્યાસ માટે લીધેલી લોનની ચુકવણી પોતે કરી શકે છે. તેને પરિવાર પર આધાર રાખવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત, જ્યારે સંતાન લોન ચૂકવે છે, ત્યારે તેઓ તેમનો ક્રેડિટ સ્કોર પણ બનાવવાનું શરૂ કરે છે.
શિક્ષણ લોન લેવાથી માતાપિતાને તમામ નાણાકીય બોજોમાંથી મુક્ત કરી શકાય છે. કારણ કે, અભ્યાસ અને મોરાટોરિયમનો સમયગાળો પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ જ શિક્ષણ લોન ચૂકવવા માટે જવાબદાર ગણાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર