મુંબઈ: ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક દરમિયાન કમાણીમાં વધારો નોંધાવ્યા બાદ ટાટા ગ્રુપની ટાઇટન કંપનીનો શેર (Titan company share price) આજે ઇન્ટ્રા ડે દરમિયાન 52 અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયો હતો. સાતમી જાન્યુઆરીના રોજ શરૂઆતના ટ્રેડિંગમાં શેર 3 ટકા વધીને 2,687.30 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. કંપનીએ પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યુ છે કે ટાઇટન કંપનીએ ગત વર્ષે તહેવારોની સિઝન દરમિયાન બિઝનેસમાં ખૂબ વિકાસ (Titan company Q3 Result) નોંધાવ્યો છે. આ દરમિયાન કમાણીમાં 36%નો વધારો જોવા મળ્યો છે. 1:11 વાગ્યે NSE પર ટાઇટન કંપનીનો શેર 0.50% એટલે કે 13.10 રૂપિયા ઘટીને 2582 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
કયા સેગમેન્ટમાં ગ્રોથ જોવા મળ્યો?
વાર્ષિક આધારે Q3FY22 (ઓક્ટોબરથી ડિસેમ્બર) દરમિયાન કંપનીના જ્વેલરી બિઝનેસની કમાણી 37% વધી છે, જ્યારે Watches & Wearables બિઝનેસ 28% વધ્યો છે. કંપનીની આઈ વિયર સેગમેન્ટની કમાણી 27% વધી છે. જ્યારે અન્ય બિઝનેસમાં 44% વધારો નોંધાયો છે. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન 89 નવા સ્ટોર ખોલ્યા છે. હવે કંપનીના કુલ 1935 સ્ટૉર થઈ ગયા છે.
શેરની કિંમત પર નિષ્ણાતોનો અભિપ્રાય
1) Motilal Oswal: મોતીલાલે ઓસવાલે આ સ્ટૉક પર અભિપ્રાય આપતા કહ્યુ છે કે, જ્વેલરી સેગમેન્ટમાં મજબૂત વેચાણ વૃદ્ધિને પગલે ટાઇટને સારું એવું પ્રદર્શન કર્યું છે. જ્વેલરી બજારમાં વાર્ષિક આધારે ઊચ્ચ યોગદાનને પગલે ઑપરેટિંગ માર્જિન 3QFY22માં સુધારો થવાની સંભાવના રહેલી છે. મજબૂત ટૉપલાઈન ગ્રોથથી EBITDA ગ્રોથ પણ વધશે. ટાઇટન માટે સ્ટ્રક્ચરલ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ મજબૂત છે. આથી આ શેર પર 2,950 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીનું રેટિંગ યથાવત રાખીએ છીએ.
2) Prabhudas Lilladher: પ્રભુદાસ લીલાધરે આ શેર ઉપર અભિપ્રાય આપતા નાણાકીય વર્ષ 22/23/24 માટે ઈપીએસ અંદાજ 10%, 5.8% અને 6.5% વધારીને 25.6/33.4/42.2 રૂપિયા કર્યો છે. ડીસીએફ બેઝ્ડ ટાર્ગેટ પ્રાઇસને વધારીને 2,915 રૂપિયા (પહેલા 2651 રૂપિયા) કર્યો છે. બ્રોકરેજ હાઉસે આ શેરની ખરીદી માટે સલાહ આપી છે.
3) Piper Sericaના અભય અગ્રવાલનું કહેવું છે કે ટાઇટન કંપનીનું ત્રિમાસિક પરિણામ ખૂબ જ સકારાત્મક રહ્યું છે. કંપની ખૂબ ઝડપથી પોતાના સ્ટોર્સની સંખ્યા વધારી રહી છે. આશા રાખીએ કે કંપની ભવિષ્યમાં પણ ગ્રોથના રસ્તે ચાલશે. જેનો ફાયદો રોકાણકારોને મળતો રહેશે.
4) બ્રોકરેજ ફર્મ CREDIT SUISSE તરફથી TITAN કંપનીના શેર અંગે ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીએ પોતાનો ટાર્ગેટ 2,500 રૂપિયાથી વધારીને 2,700 રૂપિયા કરી દીધો છે. બ્રોકરેજ પેઢીનું કહેવું છે કે Q3 દરમિયાન જ્વેલરી બિઝનેસનું પ્રદર્શન અપેક્ષા કરતા વધારે સારું રહ્યું છે. કંપનીની વૉચ અને આઈ વિયરની પણ ખૂબ માંગ રહી છે.
રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી
ઉલ્લેખનીય છે કે ટાઇટન કંપનીમાં બિગ બુલ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની 4.87 ટકા ભાગીદારી છે.
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર