મુંબઈ : રતન ટાટાના રોકાણ અને સપોર્ટથી શરૂ થયેલ મોગલિક્સ આ વર્ષે નવું ભંડોળ એકઠું કરીને ભારતનું 13મું યુનિકોર્ન (અનલિસ્ટેડ કંપની જેની વેલ્યુએશન એક અરબથી વધુ હોય) બની ગયું છે. બિઝનેસ ટુ બિઝનેસ માર્કેટપ્લેસ Moglixએ નવા ફંડિંગ રાઉન્ડમાં 120 મિલિયન ઉભા કર્યા છે. લેટેસ્ટ સિરીઝ-ઇ ફંડિંગ રાઉન્ડ પછી કંપનીનું વેલ્યુએશન એક અબજ ડોલરને પાર કરી ગયું છે.
કંપનીના સ્થાપક IIT કાનપુરના પૂર્વ વિદ્યાર્થી રાહુલ ગર્ગના જણાવ્યા અનુસાર, તેમણે આ કંપનીની શરૂઆત વર્ષ 2015માં કરી હતી. રતન ટાટાએ વર્ષ 2016માં આ કંપનીમાં રોકાણ કર્યું હતું. તેમના ભાગ લેતાની સાથે જ કંપનીને મોટા રોકાણકારો મળવાનું શરૂ થયું હતું. જેના પરિણામે કંપનીને તાજેતરમાં જ બીજુ મોટું ભંડોળ મળ્યું છે.
કંપનીએ અત્યાર સુધીમાં ભેગું કર્યું 220 મિલિયન ડોલરનું ભંડોળ
ફાલ્કન એજ કેપિટલ અને હાર્વર્ડ મેનેજમેન્ટ કંપનીએ આ ફંડિંગનું નેતૃત્વ કર્યું હતું. આ કંપનીમાં રોકાણ કરનારી કંપનીઓમાં ટાઇગર ગ્લોબલ, સિકોઈયા કેપિટલ ઇન્ડિયા અને વેન્ચર હાઈવેનો સમાવેશ થાય છે. 6 વર્ષ જૂના આ સ્ટાર્ટઅપે અત્યાર સુધીમાં 220 મિલિયન ડોલર જેટલું ભંડોળ મેળવી લીધું છે.
Moglix ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેના ગ્રાહકોને સમાન ખરીદવા માટે અને તેના પેકેજીંગ કરવા સુધીની તમામ પ્રકારની આર્થિક સહાય અને સોફ્ટવેર સુવિધા પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ આ કોરોનાકાળ દરમિયાન, દેશના 10 લાખ લોકોને આવરી લેતા ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સ પ્રદાન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ કંપની સાથે હાલમાં ભારત ઉપરાંત સંયુક્ત અરબ અમિરાત અને સિંગાપોરની પાંચ લાખ સ્મોલ, માઇક્રો અને મીડિયમ સ્કેલ(એસએમઈ) કંપનીઓ અને લગભગ 3000 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.
ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100 થઇ
રતન ટાટા છેલ્લા કેટલાક વર્ષોથી નવા નવા સ્ટાર્ટઅપમાં રોકાણ કરી રહ્યા છે. તેમણે રોકાણ કરેલા ઘણા સ્ટાર્ટઅપ યુનિકોર્ન શ્રેણીમાં આવી ચૂક્યા છે. તો બીજી તરફ દેશમાં ઝડપથી યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ક્રેડિટ સુઇસના રિપોર્ટ અનુસાર ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100એ પહોંચી ચૂકી છે. જ્યારે ભારતમાં કોરોના કાળમાં અરબપતિની સંખ્યામાં વધુ 40 નામ જોડાઈ ચુક્યા છે. કોરોનાકાળ પહેલા ભારતમાં 113 અરબપતિ હતા, જે હવે વધીને 153 થઇ ગઈ છે. કોરોનાકાળમાં ઘણા નવા બિઝનેસે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. જેમાં સ્ટાર્ટઅપ મોટી સંખ્યામાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર