આ કંપનીમાં કામ કરતાં પુરુષ કર્મચારીઓને ફાયદો મળશે 3 મહિનાની પેટરનિટી લીવ.
Paternity Leave: દુનિયાની ટોચની ફાર્મા કંપની ફાઈઝરમાં કામ કરતાં પુરુષ કર્મચારીઓ માટે કંપનીએ ખાસ ઇક્વાલિટી પ્રોગ્રામ હેઠળ નવી પોલિસી તૈયાર કરી છે. જે મુજબ હવે પિતા બનવા પર પુરુષ કર્મચારીઓને પણ 15 દિવસની જગ્યાએ 3 મહિનાની પેટરનિટી રજા મળશે.
પિતા બનવું દરેક વ્યક્તિ માટે ખૂબ ખુશીની વાત હોય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખી ફાઈઝર ઈન્ડિયા તરફથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ફાઈઝર ઈન્ડિયા (Pfizer India)એ તેના કર્મચારીઓ માટે 12 અઠવાડિયાની પેટરનિટી લીવ પોલિસીની જાહેરાત કરી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ ડાયવર્સિટી અને ઈન્ક્લુશન સાથે સંબંધિત તેની પહેલના ભાગરૂપે આ પગલું ભર્યું છે. આ નવી પોલિસી 1 જાન્યુઆરી, 2023 થી લાગુ થઈ ગઈ છે. બાયોલોજીકલ પિતાની સાથે બાળક દત્તક લીધું હોય તેવા પિતા પણ આ પોલિસી હેઠળ લગભગ ત્રણ મહિનાની પેટરનિટી લીવ લઈ શકે છે. જણાવી દઈએ કે ભારતમાં ફાઈઝર કંપનીના કર્મચારીઓની સંખ્યા 5,500 છે.
આ પોલિસી હેઠળ પિતા બનેલા કર્મચારીઓ બે વર્ષમાં આ રજાઓનો લાભ લઈ શકશે. પેટરનિટી લીવ લેનાર કર્મચારીએ એક સમયે ઓછામાં ઓછા બે અઠવાડિયા અને વધુમાં વધુ છ અઠવાડિયાની રજા લેવી પડશે. અન્ય કોઈ ગુંચવણના કિસ્સામાં કર્મચારીઓ કંપનીની લીવ પોલિસીમાં સામેલ થતી અન્ય રજાઓ પણ લઈ શકશે, જેમાં કેઝ્યુઅલ લીવ, ઈલેક્ટિવ લીવ અને વેલનેસ લીવનો સમાવેશ થાય છે.
પુરુષો પણ બાળક સાથે વધુ સમય વિતાવે તે માટે નવી પહેલ
શિલ્પી સિંઘ, ડાયરેક્ટર- પીપલ્સ એક્સપિરિયન્સ, ફાઈઝર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે પ્રગતિશીલ કાર્યસ્થળ એવી પ્રથાઓ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે લોકોને પ્રથમ અપ્રોચ આપે છે. 12-અઠવાડિયાની પેટરનિટી લીવ પોલિસી અમારા પુરૂષ કર્મચારીઓને આ ખુશીની ક્ષણોનો આનંદ માણવા અને તેમના બાળક સાથે વધુ સમય વિતાવવામાં ચોક્કસપણે મદદ કરશે. પિતૃત્વની સૌથી સુંદર ક્ષણોનો આનંદ માણવા માટે આ પોલિસી તેમની મદદ કરશે. આ પ્રગતિશીલ પોલિસી કાર્યસ્થળ પર પાવર ઓફ ઈક્વિટીનો ઉપયોગ કરવાનો અમારો પ્રયાસ છે અને સ્ત્રી અને પુરુષ બંનેને માતા-પિતા તરીકે સમાન સમયનું રોકાણ કરવા સક્ષમ બનાવવાનો છે."
સામાન્ય રીતે વાત કરવામાં આવે તો ભારતમાં મોટાભાગની કંપનીઓમાં પુરુષોને પિતા બનવા પર માત્ર 15 દિવસની પેટરનિટી લીવ આપવામાં આવે છે અને સાથે જ એવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે કે પુરુષ પોતાની નોકરી દરમ્યાન માત્ર બે વખત પેટરનિટી લીવ લઈ શકે છે. આ સ્થિતીમાં ફાઈઝર ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલી આ નવી પોલિસીની જાહેરાતના ચોતરફ વખાણ કરવામાં આવી રહ્યાં છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર