7 ગુજરાતી મહિલાએ શરું કરેલો બિઝનેસ આજે 50000 મહિલાઓના ઘર ચલાવે છે.
જો તમને એમ થતું હોય કે તમારી પાસે બિઝનેસ કરવા માટે લાખો રુપિયા નથી તો આ સફળતાની કહાની તમને ચોક્ક પ્રેરણા આપશે. જે જણાવે છે કે બિઝનેસમાં સફળતા માટે લાખોનું રોકાણ નહીં પણ ખંત અને ધગશ વધુ મહત્વના છે. નાનો છે પણ મારો બિઝનેસ છે માનીને જો મહેનત કરવામાં આવે તો કોઈપણ બિઝનેસને મોટો થતા વાર નથી લાગતી.
નવી દિલ્હીઃ નાનકડા બિઝનેસના સહારે આ મહિલાઓએ અનેક એવોર્ડ જીત્યા છે. વર્ષ 2003માં અનેક કુટીર ઉદ્યોગ અને વર્ષ 2005માં બ્રાન્ડ ઈક્વિટી એવોર્ડ જીત્યા છે. જે તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હાથે મળ્યા હતા. આપણે વાત કરી રહ્યા છે એવી બ્રાન્ડની જેનું નામ તમે સાંભળ્યું જ હશે અને મહિનામાં અનેકવાર તેની પ્રોડક્ટ તમે જમવામાં ખાતા હશો. આ બ્રાન્ડ એટલે લિજ્જત પાપડ (Lijjat Papad), આ નામ માટે આજે કોઈ વિશેષ ઓળખાણની જરુરિયાત નથી. આજે દરેક ઘરનામાં આ બ્રાન્ડના પાપડ મળી જશે. જોકે તમણે બિઝનેસની શરુઆત નામ કમાવા કે ખૂબ રુપિયા કમાવવા માટે નહોતી કરી. ગામડાની જમીન સાથે સંબંધ ધરાવતી કેટલીક મહિલાઓએ પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે મળીને એક સહિયારો પ્રયાસ આરંભ્યો હતો. માત્ર 80 રુપિયાના રોકાણથી શરુ થયેલો આ પાપડ બિઝનેસ આજે કરોડોનું ટર્નઓવર કરે છે. શરુઆતમાં જ્યારે 4 પેકેટ વેંચાયા ત્યારે ખુશ થયેલી મહિલાઓને એ ખબર નહોતી કે આ તો હજુ કંઈ નથી આગળ જતા તેમનો આ નાનકડો પ્રયાસ મોટું વટવૃક્ષ બની જશે અને તેમના પાપડ દેશ વિદેશમાં ખૂબ જ માંગમાં રહેશે.
વર્ષ 1959ની વાત છે, મંબઈમાં રહેતા જસવંતી બેન નામના ગુજરાતી મહિલાએ પોતાની 6 બહેનપમીઓ સાથે મળીને પાપડ બનાવવાનું શરું કર્યું. તેઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરુપ થવા માગતી હતી. તેમની ઈચ્છા કરોડપતિ બનવાની કે કંપની શરું કરવાની તો બિલકુલ નહોતી. આ તમામ મહિલાઓ ગુજરાતી હતી એટલે પાપડ બનાવવામાં તેમની હથરોટી હતી. 15 માર્ચ 1959ના આ બહેનપણીઓએ મળીને એક નાના વ્યવસાયની શરુઆત કરી. જેમાં 6 મહિલા પાપડ બનાવતી હતી અને એક વેચવા માટે જતી હતી. તેમજ વેપાર માટે આ મહિલાઓએ 80 રુપિયા ઉધાર લીધા હતા.
ચાર પેકેટ વેચવાથી થઈ શરુઆત
ઉધારન 80 રુપિયાથી આ ગુજરાતી મહિલાઓએ ચાર પેકેટ બનાવ્યા અને એક મોટા વેપારી છગનલાલને વેચી દીધા. કેટલાક સમય પછી વેપારીએ મહિલાઓને વધુ પાપડ બનાવવાનો ઓર્ડર દીધો અને પછી ધીરે ધીરે 4થી 40, 40થી 4000 અને 4000થી 400000 પાપડ વેચવાનો વ્યવસાય શરુ થઈ ગયો.
તે જ વેપારીએ જસવંતી બેન અને તેમની બહેનપણીઓને શીખામણ આપતા કહ્યું કે જો તેઓ પોતાના પાપડની ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ નહીં કરે તો આગળ જતા તેમના પાપડની માંગ ખૂબ જ વધી જશે, અને થયું પણ તેવું જ. આજે લિજ્જત પાપડની માંગ ખૂબ જ વધારે છે. બજારમાં ભલે અનેક પાપડ કંપનીઓ આવી ગઈ હોય પરંતુ આજે પણ લોકોના હોઠો પર પાપડ એટલે લિજ્જત પાપડ નામ જડાઈ ગયું છે.
પાપડ સાથે અન્ય પ્રોડક્ટ
હવે મહિલાઓને તે વેપારીએ માર્કેટિંગ, હિસાબ કિતામ સંભાળવા અંગે સમજાવ્યા અને ધીરે ધીરે વેપાર વધવા લાગ્યો તેમ તેમ વધુને વધુ મહિલાઓ જોડાતી ગઈ. અત્યાર સુધીમાં લગભગ 50000 મહિલાઓ આ વેપાર સાથે જોડાઈ ચૂકી છે અને સમગ્ર ભારતમાં લિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગની 60થી વધુ બ્રાન્ચ પણ ખૂલી ચૂકી છે. આજે શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડનો કારોબાર કરોડોનો છે. જેમાં હવે ફક્ત પાપડ જ નથી બનતા પરંતુ ખાખરા, બેકરી પ્રોડક્ટ્સ અને બીજા પણ અનેક પ્રકારના મસાલા બને છે.
અનેક એવોર્ડ મેળવ્યા
આ નાનકડા વેપારથી મહિલાઓએ અનેક એવોર્ડ મેળવ્યા અને નામના મેળવી. વર્ષ 2003માં આ ગૃહ ઉદ્યોગને અનેક કુટીર ઉદ્યોગ એવોર્ડ મળ્યા, તેમજ 2005માં બ્રાન્ડ ઇક્વિટી એવોર્ડ પણ મળ્યો, જે તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામ દ્વારા મળ્યો હતો.
જો તમે પણ ઘર બેઠા પાપડ બિઝનેસ કરવા માગો છો તો ખૂબ જ નાના રોકાણમાં તમને આ બિઝનેસ કરી શકો છો. જો તમારા પાપડનો સ્વાદ ખાસ રહ્યો અને ગ્રાહકને પસંદ આવ્યો તો તેનાથી મોટી કમાણી કરવી ખૂબ જ સહેલી છે. મહિલાઓ દરરોજ 2-3 કલાકનો સમય કાઢીને પણ આ વ્યવસાય કરી શકે છે. જો તમે નાના સ્તરે કરવા માગો છો તો ઘરેથી જ કામની શરુઆત કરો તો વધુ સારું રહેશે. પહેલા લિમિટેડ માત્રામાં પ્રોડક્ટ તૈયાર કરો. ફક્ત દાળ અને મસાલા માટે તમારે ખર્ચ કરવો પડશે બાકી ઘરમાં જ પાપડ ખૂબ સહેલાથી બની જશે.
મોટા સ્તરે મોટો ફાયદો
જો તમે મોટા સ્તરે કામકાજ શરું કરવા માગો છો તો તમારું રોકાણ પણ વધી જશે, જોકે આ સાથે તમારો નફો પણ વધી જશે. તમે પણ કંપની ખોલી શકો છો અને દેશ વિદેશમાં તમારા પાપડ વેચી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે FSSAI પાસેથી લાઈસન્સ લેવું પડશે. તેમજ મોટા સ્તરે ઉત્પાદન માટે ગ્રાઈન્ડર, પાપડ બનાવવા અને સુકાવવા માટે મશીનો ખરીદવા પઢશે. આ કામ માટે તમને સરકાર તરફથી પણ કેટલીક સબ્સિડી મળી શકે છે અને બેંક તરફથી પણ લોન મળશે. પરંતુ સારું એ રહેશે કે તમે નાના સ્તરે કામની શરુઆત કરો. એકવાર તમારી પ્રોડક્ટની માંગ વધે પછી તમે મોટા સ્તરે કારોબાર કરી શકો છો.
કોઈપણ વેપાર શરું કરતા પહેલા તેના માર્કેટ અને માર્કેટિંગની માહિતી પણ તમારે એકઠી કરવી જોઈએ. લોકલ કરિયાણાની દુકાનથી લઈને મોલ અને ઓનલાઈન વેચાણ માટેની તમામ માહિતી તમે જાણી લેશો તો વધુ ફાયદો રહેશે. બાકી કોઈપણ વ્યવસાયને સફળ બનાવવા માટે યોગ્ય દિશામાં મહેનત અને લગન સાથે કામ કરવાની જરુર છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર