નવી દિલ્હીઃ એમડીએચ મસાલા (MDH Masala)ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી (Mahashay Dharmpal Gulati)નું ગુરૂવાર સવારે નિધન થયું છે. સવારે લગભગ 5.38 વાગ્યે મહાશય ધર્મપાલ ગુલાટીએ અંતિમ શ્વાસ લીધા. મહાશય ધર્મપાલ ગુલાટી 98 વર્ષના હતા. થોડા દિવસો પહેલા તેઓ કોરોના સંક્રમિત (Coronavirus Positive) થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા પરંતુ બાદમાં તેઓ સંક્રમણ મુક્ત થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, મહાશય ધર્મપાલ ગુલાટીને ગુરૂવાર સવારે હાર્ટ અટેક આવ્યો, ત્યારબાદ તેમનું નિધન થયું. ગયા વર્ષે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહાશય ધર્મપાલ ગુલાટી વર્ષોથી એમડીએચ મસાલાની જાહેરાતોમાં જોવા મળતા હતા. ધર્મપાલ ગુલાટીના પિતાએ પાકિસ્તાનના સિયાલકોટમાં વર્ષ 1922માં એક નાની દુકાનથી આ સફરની શરૂઆત કરી હતી. દેશના ભાગલા બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો. એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે દિલ્હી આવ્યા બાદ સંઘર્ષના સમયમાં ધર્મપાલ ગુલાટીએ ઘોડાગાડી પણ ખરીદી હતી. જેનાથી તેઓ સવારીને લાવવા અને લઈ જવાનું કામ કરતા હતા.
જોકે આ કામમાં ન તો ધર્મપાલ ગુલાટીનું મન લાગતું હતું અને ન તો તેમને એટલી આવક થતી હતી. ત્યારબાદ વર્ષ 1953માં તેઓએ ચાંદની ચોકમાં એક દુકાન લીધી, જેનું નમ ‘મહાશયાં દી હટ્ટી’ (Mahashian Di Hatti) રાખ્યું. ત્યારથી આ દુકાન MDHના નામથી જાણીતી બની. ધીમે ધીમે ધર્મપાલ ગુલાટીના મસાલા લોકોને એટલા પસંદ આવવા લાગ્યા કે તેમના મસાલાની નિકાસ દુનિયાભરમાં થવા લાગી. વર્ષ 2017માં તેઓએ ભારતમાં કોઈ પણ FMCG કંપનીના સૌથી વધુ ચૂકવનારા CEO પણ જાહેર કરવામાં આવ્યા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર