TCS buyback offer open: સેબીના નિયમ પ્રમાણે કંપનીએ બાયબેકની કુલ સાઈઝનો 15% હિસ્સો નાના રોકાણકારો માટે અનામત રાખવો પડે છે. નાના રોકાણકારો એટલે એવા રોકાણકારો જેની પાસે બે લાખથી ઓછી કિંમતના શેર છે.
નવી દિલ્હી: ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services- TCS)ની બાયબેક ઑફર આજે ખુલી રહી છે. ટીસીએસના બોર્ડે જાન્યુઆરી મહિનામાં 4,500 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 18,000 કરોડ રૂપિયાથી રકમ માટે 4,00,00,000 શેરના બાયબેક (TCS buyback Offer)ને મંજૂરી આપી હતી. TCSના શેર્સ માટે બાયબેક ઑફર આજે એટલે કે 9 માર્ચના રોજ ખુલી છે અને 23 માર્ચના રોજ બંધ થશે. ટીસીએસ (TCS) તરફથી કહેવામાં આવ્યું છે કે નાના રોકાણકારો માટે અનામત કેટેગરી (Reserve category for Small Investors)માં બાયબેકનો રેશિયો (Entitlement ratio) પ્રતિ સાત શેર દીઠ એક હશે. જ્યારે જનરલ કેટેગરીમાં આ પ્રમાણે પ્રત્યેક 108 ઇક્વિટી શેર દીઠ એક શેર હશે. સેબીના નિયમ પ્રમાણે ઑફર સાઇઝનો 15 ટકા હિસ્સો (આશરે 2700 કરોડ રૂપિયા) નાના રોકાણકારો માટે અનામત છે. જેમાં એવા રોકાણકારો સામેલ છે જેમની પાસે રેકોર્ડ ડેટ સુધી બે લાખથી ઓછી કિંમતના શેર છે.
બાયબેક માટે પાત્રતા ધરાવતા શેર ધારકોના નામ નક્કી કરવા માટે કંપનીએ 23 ફેબ્રુઆરી, 2022ને રેકોર્ડ તારીખ જાહેર કરી હતી. એટલે કે 23 તારીખ સુધી જેમના ડીમેટ ખાતામાં ટીસીએસના શેર્સ હશે તેઓ આ ઑફર માટે લાયક ગણાશે.
એન્ટાઇટલમેન્ટ રેશિયોનો મતલબ શું?
અહીં આપણે એન્ટાઇટલમેન્ટ રેશિયો (Entitlement Ratio) અને એક્સેપ્ટન્સ રેશિયો (Acceptance Ratio) વચ્ચેનો તફાવત સમજી લેવો જરૂરી છે. ટીસીએસ કંપનીએ જણાવ્યું છે કે રિટેલ રોકાણકારો માટે તેનો એન્ટાઇટલમેન્ટ રેશિયો 14.3 ટકા છે. અથવા સાત શેરની સામે 1 શેર છે. એટલે કે જો તમારા ડીમેટ ખાતામાં સાત શેર છે તો કંપની ઓછોમાં ઓછો એક શેર તો બાયબેક કરશે જ. પરંતુ તેનો મતલબ એવો નથી કે કંપની ફક્ત એક જ શેરની ખરીદી કરશે. ગત બાયબેકમાં કંપનીએ રિટેલ રોકાણકારો પાસેથી તમામ શેર બાયબેક કરી લીધા હતા. જ્યારે જે તે સમયે પણ એન્ટાઇટલમેન્ટ રેશિયો 40થી 45 ટકા વચ્ચે જ હતો. દા.ત. 2017માં એન્ટાઇટલમેન્ટ રેશિયો 45%, 2018માં 44.8%, 2020માં 40% હતો. પરંતુ આ દરમિયાન એક્સેપ્ટન્સ રેશિયો 100 ટકા હતો. એટલે કે કંપનીએ રિટેલ રોકાણકારોના તમામ શેર ખરીદી લીધા હતા.
કેટલા શેર ટેન્ડર કરવા?
અહીં એ નોંધવું રહ્યું કે કંપનીએ ભલે એન્ટાઇટલમેન્ટ રેશિયો સાત ઇક્વિટી શેરની સામે 1 શેર રાખ્યો હતો પરંતુ રિટેલ રોકાણકારોએ તમામ શેર ટેન્ડર કરવા જોઈએ. ઉદારણ તરીકે જો તમારા ડીમેટ ખાતામાં સાત શેર છે, તો કંપની તમારો એક શેર બાયબેક કરશે તે નક્કી છે. પરંતુ આનો મતલબ એવો નથી કે તમારે ફક્ત એક જ શેર ટેન્ડર કરવો. તમારે તમામ સાત શેર ટેન્ડર કરવા જરૂરી છે.
16.6 ટકા પ્રીમિયમ પર બાયબેક
12 જાન્યુઆરી, 2022ના રોજ ટીસીએસનો શેર 3857 પર બંધ થયો હતો. એનો મતલબ એવો થયો કે કંપની અંતિમ બંધ ભાવથી 16.6 ટકા પ્રીમિયમ પર શેરનું બાયબેક કરી રહી છે. કંપનીએ 20 જાન્યુઆરીએ રેકોર્ડ તારીખ સાથે 7 રૂપિયા ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી. ટીસીએસના શેર્સ ટેન્ડર કરવાની અંતિમ તારીખ 23 માર્ચ છે. સ્ટૉક એક્સચેન્જો પર બીડ્સ પૂર્ણ કરવાની અંતિમ તારીખ 1 એપ્રિલ, 2022 છે.
પાંચ વર્ષમાં ચોથું સૌથી મોટું બાયબેક
છેલ્લા પાંચ વર્ષમાં ટીસીએસનું આ ચોથું બાયબેક છે. છેલ્લા ત્રણ બાયબેકમાં ટાટા સન્સ સૌથી મોટી લાભ મેળવનારી કંપની રહી છે. આ બાયબેક ઑફરમાં ટીસીએસની પ્રમોટર ટાટા સન્સ (Tata Sons) કંપની અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લી. (Tata Investment Corporation Ltd) તરફથી આશરે 2.88 કરોડ શેર ટેન્ડર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
2021માં ટીસીએસએ 3000 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 5.3 કરોડ શેર ખરીદ્યા હતા. ઑફર અંતર્ગત કંપનીએ 3.333 કરોડ શેરનો સ્વીકાર કર્યો હતો. 2017 અને 2018માં પણ કંપની બાયબેક લાવી હતી. બંને રાઉન્ડમાં રાઉન્ડની સાઇઝ 16-16 હજાર કરોડ રૂપિયા હતી. સપ્ટેમ્બર, 2021ના અંતમાં ટીસીએસ પાસે આશરે 51,950 કરોડ રૂપિયાની કેશ અથવા કેશ ઇક્વિવેલેન્ટ હતી.
ટાટા સન્સે સરકાર પાસેથી 18,000 કરોડ રૂપિયામાં એર ઇન્ડિયા (Air India) ખરીદ્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. કંપની સરકારને 2,700 કરોડ રૂપિયાનૂ ચૂકવણી કરશે. બાકીની રકમનું દેવું ચૂકવવામાં આવશે. ટાટા સન્સ પાસે હાલમાં ટીસીએસમાં 27 ટકા ભાગીદારી છે.
બીજી કંપનીઓની બાયબેક ઑફર
સપ્ટેમ્બર, 2021માં ઇન્ફોસિસ (Infosys) તરફથી 9,200 કરોડ રૂપિયાની બાયબેકની જાહેરાત કરવામાં આવી હતી. વિપ્રો (Wipro) તરફથી 9,500 કરોડ રૂપિયાની બાયબેકની ઑફર જાહેર કરવામાં આવી હતી. 2018 દરમિયાન એચસીએલ ટેક (HCL Tech) તરફથી 4,000 કરોડ રૂપિયાની બાયબેક ઑફર લાવવામાં આવી હતી.
બજાર નિષ્ણાતોના મતે શેરના બાયબેકથી સામાન્ય રીતે પ્રતિ શેર અર્નિંગલમાં સુધારો થાય છે. આ ઉપરાંત શેરધારકોને સરપ્લસ કેશ મળે છે, જેના પગલે સુસ્તીન સમયમાં શેરને સપોર્ટ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર