દિગ્ગજ વાહન કંપની ટાટા મોટર્સ (Tata Motors)એ તાજેતરમાં જ લોન્ચ કરેલી પોતાની ઇલેક્ટ્રિક એસયૂવી Nexon EVનું બુકિંગ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. આ સાથે જ નેક્સન ઇવી ભારતની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર બની ગઇ છે. આ કારને મળેલો જબરો પ્રતિસાદ ધ્યાનમાં રાખી કંપનીએ પોતાની અન્ય ઇલેક્ટ્રિક કાર 2021 Tigor EV(2021 ટિગોર ઇવી) પણ લોન્ચ કરી દીધી છે. ટાટા મોટર્સ હવે 70 ટકા ભાગીદારી સાથે ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પ્રભુત્વ મેળવી ચૂકી છે.
ઇલેક્ટ્રિક Nexonની માંગ વધી
કંપનીનું માનવું છે કે, 5 વર્ષમાં તેની કુલ કારોના વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોની ભાગીદારી 25 ટકા હશે. જાન્યુઆરી, 2020માં લોન્ચ થયા બાદથી કંપનીએ 6000થી વધુ Nexon EVનું વેચાણ કર્યુ છે. ટાટા મોટર્સનો દાવો છે કે, ઇલેક્ટ્રિક નેક્સોનની માંગ અત્યાર સુધીના ઉચ્ચ સ્તર પર છે. અને Tata Nexon EVની માંગ ડીઝલથી ચાલતી નેક્સોન એસયૂવી સમકક્ષ પહોંચી ગઇ છે.
દર મહીને થઇ રહ્યું છે 2000થી વધુનું બુકિંગ
દેશમાં લોકોમાં હવે ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનોમાં રૂચી વધી રહી હોય તેનું સૌથી મોટું ઉદાહરણ Tata Nexon EV ગણાવી શકાય. દર મહીને આ કારના 2000થી વધુ બુકિંગ થઇ રહ્યા હોવાનું ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યૂનિટ શૈલેશ ચંદ્રએ જણાવ્યું હતું. લોન્ચિંગ સમયે 2020માં દર મહીને 300 આસપાસ કારનું બુકિંગ થતું હતું. બુકિંગમાં થયેલ વધારાનું કારણ રાજ્ય સરકારો દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર અપાતી સબસીડિ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને બેટરીની કિંમતમાં થયેલ ઘટાડો કારણભૂત છે.
ટાટા નેક્સન ઇલેક્ટ્રિક 5 વેરિએન્ટ્સ – XM,XZ+ LUX, Dark, XZ+ LUX DARKમાં ઉપલબ્ધ છે. XM વેરિએન્ટની કિંમત 13.99 લાખ રૂપિયા, XZ+ની કિંમત 15.65 લાખ રૂપિયા, XZ+ LUXની કિંમત 16.65 લાખ રૂપિયા, Darkની કિંમત 15.99 લાખ રૂપિયા અને XZ+ LUX Darkની કિંમત 16.85 લાખ રૂપિયા છે. આ તમામ કિંમતો એક્સ-શો રૂમની છે.
સિંગલ ચાર્જમાં 312 કિમી ચાલશે
Tata Nexon EVમાં 30.2kWhની Lithium-ion બેટરી છે, જે 125bhpનો પાવર અને 245Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ટાટા મોટર્સનો દાવો છે કે નેક્સોન ઇલેક્ટ્રિકને સિંગલ ચાર્જમાં 312km સુધી ચલાવી શકાય છે. આ કારને સ્ટાન્ડર્ડ એસી ચાર્જર દ્વારા 8-9 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. તો ડીસી ફાસ્ટ ચાર્જીંગ પોઇન્ટ પર માત્ર એક કલાકમાં 80 ટકાથી વધુ ચાર્જ કરી શકાય છે. ટાટા નેક્સોન ઇવીની ટોપ સ્પીડ 120kmph છે.
2021 Tigor EVના વેરિએન્ટ્સ અને કિંમતો
ટાટા મોટર્સે હાલમાં જ નવી ટીગોર ઇવીને ત્રણ વેરિએન્ટ્સ – XE, XM અને XZ+માં લોન્ચ કરી છે. કારના એન્ટ્રી લેવલ XE વેરિએન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે XM વેરિએન્ટની કિંમત 12.49 લાખ રૂપિયા અને XZ+ વેરિએન્ટની કિંમત 12.99 લાખ રૂપિયા અને ડ્યુઅલ ટોન પેન્ટ સ્કીમ સાથે આવનાર ટોપ વેરિએન્ટ XZ+(DT)ની કિંમત 13.14 લાખ રૂપિયા છે. આ કાર બે કલર સિગ્નેચર ટીલ અને ડેટોના ગ્રે કલરમાં લોન્ચ કરાઇ છે.
નવી 2021 ઇવીમાં IP67 26 kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે. કારનો ઇલેક્ટ્રિક પાવર ટ્રેન 75 hp પાવર અને 170 NMનો ટોર્ક જનરેટ કરે છે. નવી ટીગોર ઇવી કાર 5.7 સેકન્ડમાં 0થી60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. કારની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે. Tigor EV હવે ગ્લોબલ NCAP દ્વારા સેફ્ટી ક્રેશ ટેસ્ટ કરનારી પહેલી કાર બની ગઇ છે. કારની બેટરીને 15A હોમ સોકેટનો ઉપયોગ કરી 0થી80 ટકા ચાર્જ થતા લગભગ 8.5 કલાક થાય છે. જ્યારે ફાસ્ટ ચાર્જર દ્વારા એક કલાકમાં 80 ટકા બેટરી ચાર્જ કરી શકાય છે. બેટરી પેક IP67 વોટર અને વેધ પ્રૂફ છે. સાથે જ કંપની 8 વર્ષ અને 160,000 કિમી સુધીની વોરંટી આપે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર