દરેક માતાપિતાને દીકરીઓના ભવિષ્ય (Future)ની ચિંતા સતાવતી હોય છે. તેમના કરિયર (Career)થી લઈને તેમના લગ્ન સુધી ઘણી જવાબદારીઓ સમય પર નિભાવવી પડે છે. પરંતુ માત્ર ચિંતા કરવાથી જ તમારી સમસ્યાનું નિવારણ નહીં આવે. દીકરીના ભવિષ્ય (Future of Daughter)નું આયોજન જન્મથી જ થાય અને રોકાણ સમયસર શરૂ કરી દેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જેથી દીકરી મોટી થાય ત્યાં સુધીમાં એના માટે સારી એવી રકમ બચાવી શકાય.
જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ કે તેનાથી ઓછી છે તો તેના નામ પર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana- SSY Scheme)માં રોકાણ શરૂ કરી શકો છો. આ યોજનામાં કોઈ જોખમ નથી. હાલમાં વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ મળે છે. આ યોજના 21 વર્ષે મેચ્યોર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે સમયસર રોકાણ કરવાનું શરૂ કરો છો, તો બાદમાં તમે આ યોજના દ્વારા પુત્રી માટે મોટું ભંડોળ જમા કરાવી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે –
કેટલા પૈસાનું કરી શકો છો રોકાણ?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે તેના માટે જેટલા વધારે પૈસાનું રોકાણ કરી શકશો, તેટલો વધુ નફો થશે. આ સ્કીમ 21 વર્ષે મેચ્યોર થાય છે, પરંતુ સારી વાત એ છે કે તેમાં તમારે માત્ર 15 વર્ષ માટે જ રોકાણ કરવાનું છે. જો તમે દીકરીના નામે વર્ષ 2023માં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ શરૂ કરો છો, તો 21 વર્ષ પછી તમને મેચ્યોરિટીની રકમ મળશે.
જો તમારી દીકરીની ઉંમર માત્ર 1 વર્ષની છે અને તમે આ વર્ષમાં તેના માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમારે એક વર્ષમાં કુલ 60,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રોકાણ માટે 5000 રૂપિયા કાઢવા એ આજના સમયમાં કોઈ મોટી વાત નથી. હવે જો તમે SSY કેલ્ક્યુલેટર પર નજર નાખો તો 15 વર્ષમાં કુલ 9,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 15થી 21 વર્ષની વચ્ચે તમે કોઈ રોકાણ નહીં કરો, પરંતુ તમારી રકમ પર 7.6 ટકા વ્યાજ મળતું રહેશે.
9,00,000 રૂપિયાના રોકાણ પર તમને 16,46,062 રૂપિયા વ્યાજ તરીકે મળશે. વર્ષ 2044માં તમારી પોલિસી મેચ્યોર થઈ જશે અને ત્યારબાદ તમને કુલ 25,46,062 રૂપિયા મળશે, જેમાં રોકાણ કરેલી કુલ રકમ અને વ્યાજનો પણ સમાવેશ થાય છે. આજે જો તમારી દીકરી 1 વર્ષની છે તો 2044માં તેની ઉંમર 22 વર્ષની હશે. આ રીતે તમારી દીકરી 22 વર્ષની ઉંમરે 25,46,062 રૂપિયાની માલિક બની જશે. રોકાણની રકમ વધારશો તો દીકરી માટે વધુ પૈસા બચાવી શકશો.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજની સમીક્ષા ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. રોકાણ કરેલી રકમ પર કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે. એટલે કે તમને મુદ્દલ ઉપરાંત વ્યાજ પર પણ વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં તમારા પૈસા ઝડપથી વધે છે. જેમાં આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ કર મુક્તિનો લાભ પણ મળે છે. વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા પર ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. આ સિવાય બીજી એક સારી વાત એ છે કે, તમે આ ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યું હોય કે પછી બેંકમાં, તમે તેને સરળતાથી દેશના અન્ય ભાગોમાં ટ્રાન્સફર કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર