Just Dial આવી રીતે બન્યું Indian Google, ફિલ્મની સ્ટોરીની ટક્કર મારે તેવી છે સફળતાની ગાથા

વીએસએસ મણિ અને જસ્ટ ડાયલની સફળતાની કથા નવો બિઝનેસ (Business)કરવાનું વિચારતા લોકો માટે ખૂબ સારું ઉદાહરણ છે

Success Story Of JustDial VSS Mani- જસ્ટ ડાયલ (Just Dial) અજાણ્યું નામ નથી. જસ્ટ ડાયલનો ઉપયોગ ઘણા લોકો દેશી ગૂગલની (Google)જેમ કરે છે

  • Share this:
જસ્ટ ડાયલ (Just Dial) અજાણ્યું નામ નથી. જસ્ટ ડાયલનો ઉપયોગ ઘણા લોકો દેશી ગૂગલની (Google)જેમ કરે છે. વીએસએસ મણિ (VSS Mani)એ જસ્ટ ડાયલની સ્થાપના કરી હતી. માત્ર રૂ.50,000ના રોકાણ સાથે શરૂ થયેલી આ કંપનીનું વર્તમાન માર્કેટ કેપ 6000 કરોડ રૂપિયાનું છે. જોકે, અહીં સુધી પહોંચવા તેમને સખત મહેનત અને આત્મવિશ્વાસની જરૂર પડી છે. જસ્ટ ડાયલના વિચારથી માંડીને હજારો કરોડ કંપનીના વર્તમાન સ્વરૂપ સુધી વીએસએસ મણિએ ઘણું બધું જોયું છે. વીએસએસ મણિ અને જસ્ટ ડાયલની સફળતાની કથા નવો બિઝનેસ (Business)કરવાનું વિચારતા લોકો માટે ખૂબ સારું ઉદાહરણ છે.

તમિલનાડુના મધ્યમવર્ગીય પરિવારમાં મણિનો ઉછેર થયો હતો. તેઓ પ્રારંભિક અભ્યાસ બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (Chartered Accountancy)નો કોર્સ કરી રહ્યા હતા. પરંતુ આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાના કારણે અભ્યાસ પડતો મૂકી તેઓ 1987માં સેલ્સની નોકરીમાં લાગી ગયા હતા. જ્યાં તેમણે બે વર્ષ નોકરી કરી હતી.

દિવાસ્વપ્નોને સાકાર કર્યા

મણિનું આખું નામ વેંકટાચલમ સ્તાનૂ સુબ્રમણી (Venkatachalam Sthanu Subramani)છે. તેઓ લાખો લોકો સુધી પહોંચવા અને મદદ કરવાનું સ્વપ્ન જોતા હતા. પરંતુ તે કેવી રીતે પૂરું કરવું તે તેમને પ્રથમ નોકરી પછી સમજાયું હતું. તેઓ જે જગ્યાએ નોકરી કરતા હતા તે કંપની યલો પેજિસ (yellow pages) અને ટેલિફોન ડિરેક્ટરી (telephone directory) પર કામ કરતી હતી. આ કામ કરતી વખતે તેમને વિચાર આવ્યો કે, ફોન પર ડાયરેક્ટરી સર્વિસ શરૂ કરવામાં ઘણી તક છે. આ કામ ગ્રાહકને વેપારી સુધી અને વેપારીને ગ્રાહક સુધી પહોંચાડવાનું હતું.

AskMe શરૂ કર્યું પણ..

ફોન પર ડાયરેક્ટરીના વિચાર સાથે તેમણે અને બે ભાગીદારોએ મળીને 1989માં AskMe શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટની શરૂઆત 25 લાખ રૂપિયાના રોકાણથી થઈ હતી. પ્રોજેક્ટમાં વિકાસની ઘણી તક સાથે જોખમ (Risk) પણ હતું. તે સમયે 1989માં ભારતમાં ખૂબ ઓછા લોકો ટેલિફોન વિશે જાણતા હતા. તે સમયે મોબાઇલ ફોન ન હતા. આ બધી અડચણો છતાં આ પ્રોજેક્ટ પાંચ શહેરોમાં ફેલાઈ ગયો હતો. પરંતુ આર્થિક પડકારોના કારણે પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો હતો. આ ઉપરાંત ત્રણેય ભાગીદાર વચ્ચે સમજણ અને સંકલનનો અભાવ હોવાથી ત્રણેયે છુટા પડવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ ફ્રી વેડિંગ પ્લાનરનું કામ કર્યું

1992 પછી મણિએ ફ્રી વેડિંગ પ્લાનર (Free Wedding Planner) મેગેઝિનનું કામ કરવાનું શરૂ કર્યું હતું. મેગેઝિનમાં લગ્ન માટે બેન્ડ, કેટરર્સ, ફેશન ડિઝાઇનર્સ અને ગાર્મેન્ટ રિટેલર્સ સહિતની માહિતી અપાવમાં આવતી હતી. તે સારું ચાલી રહ્યું હતું, ત્યાં મણિને તેના કો-પ્રમોટરો સાથે મનમેળ ના થયો અને બંને અલગ થઈ ગયા હતા.

આ પણ વાંચો - OMG: કાફેની નોકરી છોડી કચરો વીણવા લાગી 4 બાળકોની માતા, હવે મહિનામાં કમાય છે 3 લાખ રૂપિયા

મેગેઝિન સાથે છેડો ફાડ્યા બાદ મણિએ એકલા જ વેડિંગ પ્લાનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ દિલ્હીના ટોચના અખબારો મારફતે લોકો સુધી પહોંચ્યા હતા. આ કામ યોગ્ય ચાલતું હોવાથી તેમણે રૂ.80,000ની બચત કરી હતી. આ બચત તેમણે પોતાના ડાયલ ઇન (Dial-in) સર્વિસ સ્થાપવાના કોન્સેપ્ટ માટે કરી હતી.

બધી જગ્યાએથી મદદ મળી ગઈ

મણિને બધી જગ્યાએથી મદદ મળી હતી. મણિએ તેના 80,000 રૂપિયામાંથી 30,000 રૂપિયા એફડીમાં મૂક્યા હતા અને 50,000 સાથે પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ પૂરો કરવા માટે મુંબઈ જવા રવાના થયા હતા. મુંબઈમાં જ્યારે તે કોઈ પ્રોગ્રામમાં પહોંચે ત્યારે લોકોને પોતાની સર્વિસ બાબતે જાણકારી આપતા હતા. લોકો સર્વિસના વખાણ કરતા હતા અને આ સર્વિસ ક્યાં મળશે તેના સંપર્ક નંબર માંગતા હતા. જેથી મણિ સમજી ગયા કે વ્યવસાયના નામ કરતાં વધુ મહત્વપૂર્ણ અને સરળ હોય તેવા એક એવા નંબરની જરૂર પડશે.

આ દરમિયાન મણિની નજર 888-8888 નંબર પર પડી હતી. આ નંબર મુંબઈના કાંદિવલી એક્સચેન્જનો હતો. એક્સચેન્જે 888થી શરૂ થતી નવી સિરીઝ શરૂ કરી હતી. મણિના મનમાં આ નંબર વસી ગયો હતો. જેથી મણિ એક્સચેન્જના જનરલ મેનેજર પાસે ગયા અને પોતાનો આઈડિયા સમજાવ્યો હતો. જનરલ મેનેજરને આ વિચાર ગમ્યો અને નંબર મણિને આપવામાં આવ્યો હતો. તે સમયે મણિને કોઈ ઓળખતું ન હતું અને તેની કોઈ મોટી વ્યક્તિ સુધી પહોંચ ન હતી.

પોતાને મળેલી સફળતાઓ અંગે ઇન્ટરવ્યૂમાં મણિએ કહ્યું હતું કે, જ્યારે તમે સ્વપ્ન જુઓ છો અને નિશ્ચય સાથે તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે તે સ્વપ્ન પૂર્ણ કરો છો.

જસ્ટ ડાયલનું લોન્ચિંગ

તે સમયે ફોન લાઇન મેળવવા માટે 1-1 વર્ષ જેટલી રાહ જોવી પડતી હતી. અધૂરામાં પૂરું એક લાઇન લેવા 15000 જેટલી માતબર રકમનો ખર્ચ થતો હતો. ત્યારે મણિ પાસે રહેલા 50,000માંથી જ બધુ કરવાનું હતું. તમામ મુશ્કેલીઓ બાદ અંતે મણિએ 888-8888 સાથે જસ્ટ ડાયલની શરૂઆત કરી હતી. તેની શરૂઆત ગેરેજ (Garage)થી થઈ હતી. જેમાં ઉછીના લીધેલા ફર્નિચર અને ભાડાના કમ્પ્યુટર્સ મુકાયા હતા. એક ઇન્ટરવ્યુમાં મણિએ આ જ કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જુસ્સો (passion) વ્યક્તિની સફળતાના દરવાજા ખોલતી ચાવી છે. જુસ્સો હોય તો પૈસા અને સંસાધનોના અભાવમાં પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

1996 બાદ ગાડી પાટે ચડી

1996 બાદ દેશમાં લેન્ડલાઈન ફોન કનેક્શન લેવાનું સરળ બનાવતી ટેલિફોન લિબ્રેલાઇઝેશન પોલિસી (Telecom Liberalization Policy) આવી હતી. જેના કારણે લેન્ડલાઈન ફોનની સંખ્યા વધી હતી અને જસ્ટ ડાયલ (Just Dial)નો પણ વિકાસ થયો હતો. તેના થોડા સમય બાદ જ ભારતમાં મોબાઇલ ફોન આવી ગયા હતા. તે સમયે ઇન્ટરનેટ એકદમ ધીમું હતું અને ફોન પર ચાલતું ન હતું. મોબાઇલ આવ્યા પછીની જસ્ટ ડાયલે હરણફાળ ભરી હતી.

રોકાણકારોને કહ્યું, પૈસા આપો ને ભાગ લઈ જાવ

આ કિસ્સો 1999નો છે. તે સમયે ભારતીય ઉદ્યોગપતિએ તેમનો સંપર્ક કર્યો હતો. આ ઉદ્યોગપતિની કંપની યુએસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતી. ઉદ્યોગપતિએ મણિ સમક્ષ જસ્ટ ડાયલમાં હિસ્સો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને બદલામાં તેઓ તેની કંપનીમાં હિસ્સો આપવા તૈયાર હતા. પણ મણિએ સ્પષ્ટ પણે ના પાડી હતી. તેણે સ્પષ્ટ કહ્યું કે, મારે રોકડ જોઈએ છે. તમે રોકડ આપો તો હું તમને મારી કંપનીમાં થોડો હિસ્સો આપીશ. રોકાણકાર તેમની આ વાત સાથે સહમત થઈ ગયા હતા. પણ હવે વધુ મોટો પ્રશ્ન આવ્યો કે, કેટલી રોકડ? મણિએ તેની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપનીનું વેલ્યુએશન માગ્યું હતું અને તેણે વેલ્યુએશન 15-20 લાખ રૂપિયા હોવાનું કહ્યું હતું. મણિએ વિચાર્યું કે, કંપનીનું કુલ મૂલ્યાંકન 20 લાખ હોવાનું રોકાણકારને કહેવામાં આવે તો મામલો બગડી જાય. એટલે મણિએ પોતાનું મગજ વાપરી રોકાણકારને કહ્યું કે, તમે કેટલા પૈસા ચૂકવવા તૈયાર છો? જેના જવાબમાં રોકાણકારે 2.5 મિલિયન ડોલર રોકવાની તૈયારી દર્શાવી હતી. પૈસા બેંકમાં આવ્યા અને મણિ ત્રણ વર્ષમાં જ કરોડપતિ બની ગયા હતા.

યોગી બનવા નીકળી પડ્યા હતા મણિ!

કંપની માટે રોકાણકાર મળી ગયા બાદ તેમણે એક વર્ષની રજા લેવાનું નક્કી કર્યું હતું. મણિએ રજા લઈ પરિવાર સાથે વિશ્વભરમાં પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન યોગ-ધ્યાન બધું જ કર્યું હતું. એક વર્ષની રજા પુરી થવા આવી ત્યાં વેકેશન 6 મહિના વધુ લંબાવી દીધુ હતું. ત્યારબાદ તેમને લાગ્યું કે માત્ર મોજમસ્તી કરવું જ જીવન નથી. તેથી દોઢ વર્ષ બાદ તેઓ કામે પરત ફર્યા હતા.

લોકોની જીવનશૈલી સાથે સંકળાઈ ગયું Just Dial

મોબાઈલ ફોન આવ્યા બાદ જસ્ટ ડાયલ લોકોની લાઈફલાઈન બની ગઈ હતી. તે લોકલ સર્ચમાં લીડર હતું. ડોક્ટર, રેસ્ટોરેન્ટ, બાઇક સર્વિસ જેવી અનેક જાણકારી મેળવવા લોકો Just Dialનો સંપર્ક કરતા હતા.
First published: