School Dropout to CEO: કેરળના (Kerala) એક છેવાડાના ગામમાં દૈનિક વેતન પર કામ કરતા કામદારના પુત્ર મુસ્તફા પીસીએ (Mustafa PC) છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા બાદ, પિતા સાથે ખેતરમાં જોડાવા માટે શાળા છોડવાનું નક્કી કર્યું. જોકે, તેના શિક્ષકે હસ્તક્ષેપ કરતા આજે વર્ષો બાદ મુસ્તફા iD ફ્રેશ ફૂડના (iD Fresh Food) CEO છે.
મુસ્તફાએ (Mustafa PC) ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ (Humans of Bombay) સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “મારા શિક્ષકે મને શાળામાં પાછા આવવા માટે મનાવ્યો હતો. તેમણે મને મફતમાં શિક્ષણ પણ આપ્યું. જેના કારણે મેં મારા વર્ગમાં ગણિતમાં (Mathematics) ટોપ કર્યું! ત્યારબાદ હું શાળામાં ટોપર બન્યો. જે બાદ મારા શિક્ષકોએ ભેગા થઇને મારી કોલેજની ફી ચૂકવી હતી."
મુસ્તફાએ ભારતમાં કામ કરવાનું શરૂ કર્યું અને છેવટે નોકરી માટે વિદેશ ગયા. ત્યાં તેણે માત્ર બે મહિનામાં તેના પિતાની 2 લાખ રૂપિયાની લોન ચૂકવવા માટે પૂરતી કમાણી કરી. તેમના જણાવ્યા અનુસાર, સારી વેતનવાળી નોકરી હોવા છતાં તેઓ વ્યવસાય શરૂ કરવા માંગતા હતા. તેના એક પિતરાઈ ભાઇએ જ્યારે એક ગ્રાહકને ઈડલી-ઢોંસાની ખરાબ ગુણવત્તાની ફરિયાદ કરતા જોયા, તો તેને એક સારી ગુણવત્તાની ઇડલી-ઢોંસા બેટર કંપની શરૂ કરવાનો આઈડિયા આપ્યો. તેણે કંપનીમાં રૂ. 50,000નું રોકાણ કર્યું અને તેના પિતરાઈ ભાઈઓને તેને ચલાવવા આપી.
જોકે, ત્રણ વર્ષ પછી તેને સમજાયું કે તેણે પોતાનો સંપૂર્ણ સમય કંપનીમાં આપવાની જરૂર છે. જેથી તેણે નોકરી છોડી દીધી અને ભારત પરત આવીને માતા-પિતાને ખાતરી આપી કે જો બિઝનેસ સારો ન થયો, તો તેને નોકરી મળી શકે છે. પરંતુ આ બધું સરળ ન હતું અને તેને અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો.
મુસ્તફાએ કહ્યું કે, આ એવા દિવસો હતા, જ્યારે તે પોતાના કર્મચારીઓને પગાર પણ નહોતો આપી શકતો. પરંતુ તેણે તમામ 25 કર્મચારીઓને વચન આપ્યું હતું કે, કંપની સફળ થયા બાદ તે તેમને કરોડપતિ બનાવી દેશે અને તેમને શેર આપશે. મુસ્તાફાએ પોતાનું વચન પાળ્યું, કારણ કે આઠ વર્ષના સંઘર્ષ બાદ તેમને એક રોકાણકાર મળ્યો અને iD ફ્રેશ ફૂડ 2000 કરોડની કંપની બની.
મુસ્તફા આ તમામ શ્રેય તેના શિક્ષકને આપે છે, જેમણે તેને વર્ષો પહેલા ક્યારેય હાર ન માનવાની પ્રેરણા આપી હતી. તેણે હ્યુમન્સ ઓફ બોમ્બેને કહ્યું, “હું મારી સફળતા મારા શિક્ષક સાથે શેર કરવા માંગતો હતો, પરંતુ જ્યારે હું ઘરે પાછો ફર્યો, ત્યારે મને ખબર પડી કે તેઓ ગુજરી ગયા છે. હું તૂટી ગયો અને વિચાર્યું કે 'કદાચ સર જોઈ શક્યા હોત કે એક મજૂરે તેમના કારણે શું હાંસલ કર્યું છે!’ હું તેમના વારસાનું સન્માન કરવા માટે તક મળતાં જરૂરથી તેમના વિશે વાત કરું છું. ઉલ્લેખનીય છે કે, 2018માં જયારે તેમને હાર્વર્ડમાં સ્પીચ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે તેમણે તેમના પિતા અને શિક્ષક બંનેનો આભાર માન્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર