Home /News /business /

શેર બજારમાં 2000ના વર્ષ જેવો ધબડકો શક્ય, આ દિગ્ગજ રોકાણકારે વ્યક્ત કરી ચિંતા

શેર બજારમાં 2000ના વર્ષ જેવો ધબડકો શક્ય, આ દિગ્ગજ રોકાણકારે વ્યક્ત કરી ચિંતા

ક્રિસ્ટોફર વુડ

Stock Market: ક્રિસ્ટોફર વુડ (Christopher Wood)નું કહેવું છે કે બજારમાં તાજેતરમાં આવેલો ઘટાડો તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.

    મુંબઈ. જેફરીઝ (Jefferies)ના વૈશ્વિક ઇક્વિટી હેડ, ક્રિસ્ટોફર વુડ (Christopher Wood)નું કહેવું છે કે બજારમાં તાજેતરમાં આવેલો ઘટાડો તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં મોટો ઘટાડો (Stock Market crash) જોવા મળી શકે છે. હાલ સૌથી મોટો ઘટાડો ટેક શેર્સમાં જોવા મળ્યો છે. ક્રિસ્ટોફર વુડે ટેક શેરોમાં આવેલા આ ઘટાડાને વર્ષ 2000માં વૈશ્વિક સ્તરે આવેલા ઘટાડા સાથે જોડાતા કહ્યુ કે, એ વખતે પણ આવી જ રીતે પહેલા ડોટકોમ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, બાદમાં આખું બજાર બેસી ગયું હતું.

    ક્રિસ્ટોફર વુડે વીકલી ન્યૂઝલેટરમાં કહ્યુ કે, "આજની સ્થિતિને વર્ષ 2000માં ન્યૂયોર્ક એક્સચેન્જ સહિત દુનિયાભરના શેર બજારમાં આવેલા મોટા ઘટાડા સાથે જોડીને જોઈ શકાય છે. એ વખતે સૌથી પહેલા ડોટકોમ કંપનીઓના શેર તૂટ્યા હતા. અન્ય શેર થોડી અસ્થિરતા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. બાદમાં આપણે બધાયે જોયું કે આગામી છ મહિનામાં S&P500 ઇન્ડેક્સ ધરાશાયી થઈ ગયો હતો."

    ટેક કંપનીઓના શેરમાં વેચવાલી

    અમેરિકા અને ભારત સહિત આખી દુનિયામાં ટેક કંપનીઓ અથવા નવા જમાનાની કંપનીઓના શેરમાં છેલ્લા એક-બે મહિનાથી વેચવાલી ચાલી રહી છે. અમેરિકામાં લગભગ તમામ પ્રમુખ ટેક કંપનીઓને સમાવતો ઇન્ડેક્સ Nasdaq 100 છેલ્લા થોડા મહિનાઓમાં 16 ટકાથી વધારે તૂટી ગયો છે.

    પેટીએમ સહિતની કંપનીઓના શેર ધડામ

    ભારતમાં પેટીએમ, ઝોમાટો, કાર ટ્રેડ અને પીબી ફિનટેક સહિત નવા જમાનાની કંપનીઓના શેર સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયા છે અથવા તેની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. અનેક કંપનીઓના શેર તો આઈપીઓની ઑફર કિંમતથી પણ નીચે સરકી ગયા છે.

    આ પણ વાંચો: ભારતીય શેર બજારમાં LICની ભાગીદારી કેટલી? કેટલી કંપનીઓમાં એલઆઈસીએ કર્યું છે રોકાણ? 

    ફેસબુકના શેર તૂટ્યા

    અમેરિકામાં સૌથી વધારે ઘટાડો ફેસબુકના શેરમાં આવ્યો છે. ફેસબુક અમુક અઠવાડિયા પહેલા 1 લાખ કરોડ ડૉલરથી વધારે માર્કેટ વેલ્યૂ સાથે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી કંપની હતી. ગુરુવારે ફેસબુકના શેર ઘટીને 565 અબજ ડૉલરની માર્કેટ વેલ્યૂ સાથે બંધ થયો હતો. જે બાદમાં તે દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં 11મા નંબર પર સરકી ગઈ છે. આ રીતે ફેસબુકના શેરધારકોની સંપત્તિ થોડા અઠવાડિયામાં ઘટીને અડધી થઈ ગઈ છે.

    આ પણ વાંચો: સતત બીજા અઠવાડિયે શેર બજારમાં ઘટાડો: તમામ ઇન્ડેક્સમાં કેટલો કડાકો બોલ્યો? કયા શેર ઘટાડામાં પણ વધ્યા?

    ઘટાડો રોકાશે નહીં

    ક્રિસ્ટોફર વુડનું માનવું છે કે હવે આ ઘટાડો રોકાવાનું નામ નહીં લે. તેમણે કહ્યુ, "મને આજની સ્થિતિ વર્ષ 2000ની યાદ અપાવે છે. મારું માનવું છે કે હવે આ ઘટાડો રોકાશે નહીં. હવે ધીમે ધીમે તેની અસર બીજા સેક્ટર પર પણ જોવા મળશે." બીજી તરફ બજાર નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોએ હાલ આવકમાં સારા ગ્રોથ સાથેની માર્કેટ લીડર કંપનીઓમાં રોકાણ જાળવી રાખવું જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Share market, Stock market, US, સેન્સેક્સ

    આગામી સમાચાર