Home /News /business /

Stamp duty: મિલકતની ખરીદીમાં સ્ટેમ્પ ડ્યુટીનો ચાર્જ કઈ રીતે ગણાય છે? કઈ બાબતોને ધ્યાનમાં લેવાય છે?

Stamp duty: મિલકતની ખરીદીમાં સ્ટેમ્પ ડ્યુટીનો ચાર્જ કઈ રીતે ગણાય છે? કઈ બાબતોને ધ્યાનમાં લેવાય છે?

સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી (ફાઇલ તસવીર)

Stamp duty calculation: અહીં યાદ રાખવું કે, મિલકતની ખરીદી- નોંધણી વખતે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ચાર્જ, સેસ અને સરચાર્જ લેવામાં આવે છે. આ તમામ ચાર્જ પ્રોપર્ટીના કુલ બજાર મૂલ્યના 7%થી 10% સુધી અથવા તેનાથી વધુ હોય શકે છે.

    મુંબઈ: ભારતમાં કર માળખું (Tax Structure) ખૂબ જ વ્યાપક છે. અલગ અલગ ઉત્પાદનની લે-વેચ કે રજિસ્ટ્રેશનમાં કર (Duty) ભરવો પડે છે. આવો જ એક કર મકાનની ખરીદી સમયે ભરવો પડે છે. જેને સ્ટેમ્પ ડ્યુટી (Stamp duty) તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેમ્પ ડ્યુટીના કારણે મકાન લેવા પાછળ થતા ખર્ચમાં વધારો થાય છે. આ ડ્યુટી મકાનના રજિસ્ટ્રેશન (Registration) માટે લેવામાં આવે છે. વર્તમાન સમયે અલગ અલગ રાજ્યોમાં 5 ટકાથી 7 ટકા સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવી રહી છે.

    અહીં યાદ રાખવું કે, મિલકતની ખરીદી- નોંધણી વખતે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ચાર્જ, સેસ અને સરચાર્જ લેવામાં આવે છે. આ તમામ ચાર્જ પ્રોપર્ટીના કુલ બજાર મૂલ્યના 7%થી 10% સુધી અથવા તેનાથી વધુ હોય શકે છે. આવી સ્થિતિમાં સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કઈ રીતે થાય છે? (How is Stamp Duty Charges Calculated?) તે પ્રશ્ન મિલકત ખરીદનાર લોકોમાં ઉઠતો હોય છે. આ વાત સમજવા માટે સ્ટેમ્પ ડ્યુટીનો મતલબ સમાજવો જરૂરી છે.

    મિલકતનું માલિકીનું ટાઇટલ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરતી વખતે તમારી પાસેથી પ્રોપર્ટી સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. આ એક પ્રકારની ફી છે. જે રાજ્ય સરકાર દ્વારા તમારી સંપત્તિની નોંધણી કરવા માટે જરૂરી દસ્તાવેજો પર વસૂલવામાં આવે છે. ભારતીય સ્ટેમ્પ એક્ટ, 1899ની કલમ 3 હેઠળ આ ફી ફરજિયાત છે. આ ફી ચૂકવ્યા પછી મિલકતના દસ્તાવેજો માન્ય બની જાય છે.

    સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કઈ રીતે થાય છે?


    સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી મિલકતની કિંમત પર આધાર રાખે છે. તેના કેલ્ક્યુલેશન માટે દરેક રાજ્યનો પોતાનો માપદંડ છે. તે સામાન્ય રીતે સર્કલ રેટ પર ચૂકવવામાં આવે છે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.

    • મિલકત કેટલી જૂની છે તે મુજબ


    મિલકતની ઉંમર સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના ચાર્જની ગણતરી મિલકતના સમગ્ર બજાર ભાવની ટકાવારી તરીકે કરવામાં આવે છે. જૂની ઇમારતોમાં સામાન્ય રીતે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ લાગે છે. જ્યારે નવી ઇમારતો પર વધુ ચાર્જ લાગે છે. આવું થવા પાછળનું કારણ જૂની ઇમારતોના બજાર ભાવનું થતું અવમૂલ્યન છે.

    • મિલકતની બજાર કિંમત


    મિલકતની કુલ બજાર કિંમતને ધ્યાનમાં રાખીને પણ સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી થાય છે. જો તમારી મિલકતનું બજાર મૂલ્ય ઊંચું હોય તો તમારે ઊંચો ચાર્જ ચૂકવવો પડશે અને ઓછી હશે તો ઓછો ચાર્જ ચૂકવવો પડશે. મિલકતની બજાર મૂલ્ય અને મિલકતની એગ્રીમેન્ટ વેલ્યુ વધુ હોય તો પણ વધુ ચાર્જ લેવામાં આવશે.

    • માલિકની ઉંમર


    લગભગ તમામ રાજ્ય સરકારો વરિષ્ઠ નાગરિકો માટે સ્ટેમ્પ ડ્યુટી ચાર્જમાં સબસિડી આપે છે. તેથી માલિકની ઉંમર સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

    • માલિકની જાતિ


    વરિષ્ઠ નાગરિકોની જેમ દેશમાં મહિલાઓને પણ સ્ટેમ્પ ડ્યુટી ચાર્જમાં રાહત મળે છે. સંપત્તિ મહિલાના નામે નોંધાયેલી હોય તો ચાર્જ ઓછો વસુલવામાં આવે છે. પુરુષો કરતા મહિલાઓને મિલકત નોંધણી દસ્તાવેજો પર લગભગ 2% ઓછી ચૂકવણી કરવાની હોય છે.

    આ પણ વાંચો: ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરનું પ્રીમિયમ ઝીરોથી નીચે ગયું!

    • મિલકતનો હેતુ


    કોમર્શિયલ ઇમારતો માટે રહેણાંક ઇમારતોની તુલનામાં ઊંચી સ્ટેમ્પ ડ્યુટી ફી આપવી પડે છે. કોમર્શિયલ ઇમારતોમાં ફ્લોર સ્પેસ અને સુરક્ષા પગલાંની જરૂર હોવાથી ઊંચી સ્ટેમ્પ ડ્યુટી વસુલવામાં આવે છે.

    • રેડી રેકનરનો ઉપયોગ


    સામાન્ય રીતે સ્ટેમ્પ ડ્યુટીના અધિકારીઓઓ મિલકતનું મૂલ્ય નક્કી કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી રેડી રેકનરનો ઉપયોગ કરે છે. સ્ટેમ્પ ડ્યુટી રેડી રેકનર દર વર્ષે 01 જાન્યુઆરીએ રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.

    • મિલકતનું શહેર/ સ્થાન


    મિલકત પોશ શહેરી વિસ્તારમાં હોય તો તેમાં વધુ સ્ટેમ્પ ડ્યુટી ચુકવવી પડે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં મિલકત પર વધુ સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ લેવામાં આવતો નથી.

    • સુવિધાઓ


    આ વાતથી ઘણા લોકોને આશ્ચર્ય થશે. સંપત્તિની નોંધણી કરતી વખતે તમારા પરિસરમાં તમને મળેલી દરેક વધારાની સુવિધાઓ (Amenities) માટે પણ સરકાર તમારી પાસેથી ચાર્જ લઈ શકે છે. સરકાર પાસે 20થી વધુ સુવિધાઓની યાદી છે. તમારી મિલકતમાં તે પૈકીને સુવિધાઓ હોય તો તમારે વધારાની ચૂકવણી કરવાની જરૂર પડશે.

    આ પણ વાંચો:  મિલકત ખરીદવા જઈ રહ્યા છો? સ્ટેમ્પ ડ્યૂટીને અસર કરતા પરિબળો વિશે જાણો

    અહીં ઉલ્લેખનીય છે કે, મિલકત પરની સ્ટેમ્પ ડ્યુટીનો તાગ મેળવવા માટે સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે. અત્યારે ઈન્ટરનેટ પર ઘણા સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેટર ઉપલબ્ધ છે. જેમાં તમે થોડી જ સેકન્ડમાં તમારી મિલકતની નોંધણી કરાવવા માટે તમારે કેટલી રકમની જરૂર પડશે તેનો ખ્યાલ મેળવી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Home, Personal finance, Property

    આગામી સમાચાર