નવી દિલ્હી : રિટેલ વેપારીઓને ત્યાં કામ કરતા દેશના લગભગ 7 કરોડ કર્મચારીઓની એપ્રિલની સેલરી મુશ્કેલીમાં ફસાઈ છે. વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કેન્દ્રીત નાણામંત્રી નિર્મલા સીતારમનને પત્ર લખી કહ્યું કે, તે એપ્રિલનો પગાર આપવાની સ્થિતિમાં નથી. જેથી સરકાર વ્યાપારિક સમુદાય માટે આર્થિક પેકેજની જાહેરાત કરે. સંગઠનનું કહેવું છે કે, આવક વગર કર્મચારીનો પગાર કરવો મુશ્કેલ, જેથી વેપારી સંગઠને સરકાર પાસે કેટલીક માંગો કરી છે.
દુકાનદારો પાસે હવે પગાર આપવા માટે પૈસા નથી
CAITએ સીતારમનને લખેલા પત્રમાં કહ્યું કે, કેન્દ્ર સરકારની સલાહ અનુસાર, દેશભરના વ્યાપારીઓએ માર્ચ, 2020ના સમયગાળા માટે પોતાના કર્મચારીઓને પૂર્ણ વેતન આપ્યું. તે સમયે પણ વ્યાપારી આર્થિક તંગીમાં હતા, ત્યારે પણ આવું કર્યું. હવે એપ્રિલ મહિનાના વેતનની ચૂકવણી કરવી ખૂબ જ મુશ્કેલ છે, અને જો વ્યાપારીઓએ ચૂકવણી કરી તો, તેમના વ્યાપારને નાણાકીય સંકટનો સામનો કરવો પડશે.
માત્ર 30 ટકા પગાર આપવા તૈયાર
કેટે નાણામંત્રીને આગ્રહ કર્યો કે, સરકારના પૂરા વેતન આપવાના પૂર્વ નિર્ણય પર પુનર્વિચાર કરતા સારૂ એ રહેશે કે, સરકાર વ્યાપારીઓને પોતાના કર્મચારીઓની સાથે વેતનના આપસી કરાર અનુસાર વેતન ચૂકવણી કરવાનું અથવા વ્યાપારીઓને 30 ટકા વેતન ચૂકવવાની મંજૂરી આપે. તેમનું કહેવું છે કે, 30 ટકા પગાર કર્મચારીઓની આજીવિકા માટે પર્યાપ્ત છે.
મુદ્રા યોજનાનો વિસ્તાર વધારવાની કરી માંગ
ખંડેલવાલે કહ્યું કે, મુદ્રા યોજનાને સંશોધિત કરી વ્યાપારી બેન્કો પાસેથી સામાન્ય દરે લોન લઈ શકે, એવી જોગવાઈ કરવી જોઈએ. સાથે જ મુદ્રા યોજના હેઠળ મેક્ષિમમ રકમ વધારી 25 લાખ રૂપિયા કરવી જોઈએ.