Safe Investment : કોરોનાકાળમાં તરલતા જાળવવા માટે RBIએ લીધેલા પગલાના કારણે બેંકોમાં ફિક્સ ડિપોઝીટના વ્યાજદરમાં જોરદાર કડાકો બોલી ગયો છે. આવી સ્થિતિમાં નિયમિત આવક મેળવવા માટે ટેક્સ ફ્રી (Tex Free Bond) બોન્ડ સારો વિકલ્પ છે. વ્યાજની આવક કરમુક્ત હોવાથી ટેક્સ ફ્રી બોન્ડ્સ આવકવેરાના ઊંચા સ્લેબમાં આવતા લોકો માટે વધુ અનુકૂળ હોય છે. તેમજ સરકાર સમર્થિત સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવતા હોવાથી આવા બોન્ડ્સમાં જોખમ નહિવત હોય છે.
સેકન્ડરી માર્કેટમાંથી ટેક્સ ફ્રી બોન્ડ ખરીદતી વખતે ઊંચી તરલતા અને YTM માપદંડનો ખ્યાલ રાખવો જોઈએ. અહીં વધુ YTM અને યોગ્ય તરલતા ધરાવતા 6 ટેક્સ ફ્રી બોન્ડની યાદી આપવામાં આવી છે.
NHAI- સરકાર દ્વારા NHAIને અલગ અલગ પ્રોજેકટમાં અપાતા સહકારના કારણે તેની ફાઇનાન્સિયલ ફલેક્સિબિલિટી મજબૂત છે. Crisil, CARE અને Brickwork જેવી રેટિંગ એજન્સીઓએ તેને ટોચનું AAA રેટિંગ આપ્યું છે.
NABARD- સરકાર સાથે નાબાર્ડ મજબૂત જોડાણ ધરાવે છે. નાબાર્ડ દેશમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ટોચની પોલિસી ઇન્સ્ટિટ્યૂટ અને નોડલ એજન્સી છે. નાબાર્ડનો ચોખ્ખો નોન-પર્ફોર્મિંગ લોન રેશિયો 0.15 ટકા હતો. આ બોન્ડને AAA રેટિંગ મળ્યું છે.
NHAI-NA- સરકાર દ્વારા NHAIને અલગ અલગ પ્રોજેકટમાં અપાતા સહકારના કારણે NHAIની ફાઇનાન્સિયલ ફલેક્સિબિલિટી મજબૂત છે. રેટિંગ એજન્સીઓએ તેને ટોચનું AAA રેટિંગ આપ્યું છે.
PFC- દેશના ઉર્જા ક્ષેત્રને ભંડોળ પૂરું પાડવા અને વિકાસ કરાવવા માટે 1986માં કેન્દ્ર સરકારે PFCની સ્થાપના કરી હતી. 2020ની 30 સપ્ટેમ્બર સુધીમાં PFCનું નેટ NPA 3.3 ટકા હતું. CRISIL દ્વારા આ બોન્ડને AAA રેટિંગ આપવામાં આવ્યું છે.
IIFCL- IIFCL સંપૂર્ણપણે સરકાર હસ્તકની છે. NBFC તરીકે IIFCL સરકાર માટે ફન્ડિંગ માટેનું સારું સાધન રહ્યું છે. તેના માધ્યમથી સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે સસ્તા દરે ફન્ડિંગ મેળવ્યું છે. નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ તબક્કામાં IIFCLની નેટ નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) 8.16 ટકા હતી. ઇન્ડિયા રેટિંગ્સે AAA રેટિંગ આપ્યું છે.
HUDCO- ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (HUDCO)નું સંચાલન થાય છે. તેનો NPA રેશિયો 0.5 ટકાની સપાટીએ સ્ટેબલ છે. ઇન્ડિયા રેટિંગ્સ અને ICRA દ્વારા તેને AAA રેટિંગ અપાયા છે.
ઉલ્લેખનીય છે કે, ટેક્સ ફ્રી બોન્ડ દ્વારા ચૂકવવામાં આવતા વ્યાજને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. પણ સેકન્ડરી માર્કેટમાં ટેક્સ-ફ્રી બોન્ડ વેચવાથી કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. જો તમે બોન્ડને ખરીદીની તારીખથી 12 મહિનાની અંદર વેચી નાખો તો તમારે તમારા સ્લેબ મુજબના ફાયદા પર ટેક્સ ચૂકવવો પડશે. જો તમે બોન્ડ 12 મહિના બાદ વેચો તો 10 ટકાના ફ્લેટ દરે ફાયદા પર ટેક્સ ચૂકવવો પડશે. રોકાણનો નિર્ણય લેતી વખતે તમારા ટેક્સ કન્સલ્ટન્ટનો સંપર્ક કરવો જોઈએ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર