નવી દિલ્હીઃ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે 30 શેરોવાળા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેકસ (Sensex) પહેલી વાર રેકોર્ડ 50 હજાર પોઇન્ટને પાર ખુલવામાં સફળ રહ્યો. પ્રી-ટ્રેડ સેશનમાં સારા વધારા બાદ આજે Sensex 50 હજારના સ્તરથી ઉપર ખુલ્યો. ઈતિહાસમાં આવું પહેલી વાર થયું છે જ્યારે BSE Sensex 50 હજાર પોઇન્ટને પાર પહોંચ્યો છે. સેન્સેક્સે 6 વર્ષ 8 મહિના 5 દિવસમાં 25 હજારથી 50 હજાર સુધીની સફર કરી છે. સેન્સેક્સ ઉપરાંત આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર નિફ્ટી 50 (Nifty 50) પણ 14,700 પોઇન્ટને પાર ખુલવામાં સફળ રહ્યો છે. આ પહેલા અમેરિકામાં નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden)ના શપથ ગ્રહણ બાદ વૉલ સ્ટ્રીટ (Wall Street)માં પણ રેકોર્ડ તેજી જોવા મળી. તેની અસર આજે એશિયન સ્ટોક માર્કેટોમાં પણ જોવા મળી રહી છે.
બે વર્ષમાં 10 હજાર પોઇન્ટ ઉછળ્યો સેન્સેકસ
વર્ષ 1999માં પહેલીવાર સેન્સેક્સ 5,000 પોઇન્ટને પાર પહોંચ્યો હતો. તેના 8 વર્ષ બાદ તે 20,000 પોઇન્ટ પર પહોંચ્યો અને 12 વર્ષ બાદ 40,000 પોઇન્ટને પાર પહોંચ્યો. પરંતુ હવે તે લગભગ બે વર્ષથી ઓછા સમયમાં 10,000 પોઇન્ટ વધીને 50,000ને પાર પહોંચ્યો છે.
ગયા વર્ષે જ કોરોના વાયરસના સમાચારોની વચ્ચે શેર બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. 25 માર્ચે સેન્સેક્સ 25,639ના સ્તર પર ગબડી ગયો હતો. જોકે બીજા જ દિવસે બજારમાં રિકવરી જોવા મળી અને તે 30 હજારના સ્તર પર પહોંચવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ 22 જૂન 2020ના રોજ 35,000 અને 31 ઓગસ્ટે 40,000ને પાર પહોંચ્યો. 4 ડિસેમ્બરે સેન્સેક્સ લગભગ 67 સેશનમાં 45,000 પોઇન્ટ્સને પાર પહોંચી ગયો.
રોકાણકારોએ થોડીક જ મિનિટોમાં કમાઈ લીધા 1 લાખ કરોડ રૂપિયા
રોકાણકારોને આજે બજાર ખુલવાની થોડીક જ મિનિટોમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. મૂળે, બુધવારે કારોબાર બંધ થયા બાદ BSEનું માર્કેટ કેપ 1,97,70,572.57 પર હતું. પરંતુ ગુરૂવારે બજાર ખુલ્યાની થોડીક મિનિટો બાદ જ તે વધીને 1,98,67,265 પોઇન્ટ પર પહોંચી ગયું. આ રીતે રોકાણકારોને આજે 96,690.11 કરોડ રૂપિયાનો ફાયદો થયો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર