નવી દિલ્હી: જો તમે પણ નવી કારની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો બની શકે કે કારની ડિલિવરી માટે તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડે. હાલ દેશમાં સાત લાખ લોકો કારની ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સાત લાખ લોકોએ કાર ખરીદવા માટે બુકિંગ કરાવી દીધું છે પરંતુ તેમને કારની ડિલિવરી નથી મળી રહી. તમામ મોટી ગાડીઓના ગ્રાહકો હાલ ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે. મારુતિ, ટાટા અને મહિન્દ્રાની કાર માટે એક-એક લાખ લોકો વેઇટિંગમાં છે. Kia Motorsના 75 હજાર ગ્રાહકો હાલ બુકિંગ બાદ ડિલિવરી માટે રાહ જોઈ રહ્યા છે. બુકિંગ છતાં આ કંપનીઓ ડિલિવરી નથી કરી શકતી.
સેમીકન્ડક્ટર ચિપની અછત બની વિલન
આખી દુનિયામાં હાલ સેમીકન્ડક્ટર ચિપ (Semiconductor Chip)ની અછત ચાલી રહી છે. જેના કારણે 170 ઇન્ડસ્ટ્રી પરેશાન છે. આ ઇન્ડસ્ટ્રીમાં ઓટો સેક્ટરનો પણ સમાવેશ થાય છે.
ઓટો સેક્ટરને 150 લાખ કરોડનું નુકસાન
સેમીકન્ડક્ટર ચિપ (Semiconductor Chips)ની અછતને પગલે આ વર્ષે ઓટો ઉદ્યોગને આશરે 150 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અનેક દેશની અર્થવ્યવસ્થાને પણ ચિપની અછતને પગલે અસર પહોંચી છે. જાપાનની કંપની ટોયોટાએ પણ ચિપની અછતને પગલે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
એક ગાડીમાં કેટલી ચિપ લાગે?
કોઈ એક ગાડીમાં તેના પાવર સ્ટિયરિંગ, બ્રેક સેન્સર, એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ, એર બેગ અને પાર્કિંગ કેમેરામાં સેમિ કન્ડક્ટર ચિપ્સ લાગે છે. એક ગાડીમાં એકથી વધારે સેમીકન્ડક્ટર ચિપ લાગેલી હોય છે.
ભારત સરકારની સેમીકન્ડક્ટર યોજના
દેશમા સેમીકન્ડક્ટર ચિપની અછત વચ્ચે કેન્દ્રીય કેબિનેટ (Cabinet Meeting)ની બેઠકમાં સેમીકન્ડક્ટર એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગને (Semiconductor & Display Manufacturing) પ્રોત્સાહન આપવા માટે 76,000 કરોડ રૂપિયાની પોલિસીને મંજૂરી મળી છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠક બાદ કોમ્યુનિકેશન અને આઇટી મિનિસ્ટર અશ્વિન વૈષ્નવે જાહેરાત કરી કે, આ પગલું ચીન, તાઇવાન, દક્ષિણ કોરિયા અને મલેશિયા જેવા ટોપ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક દેશોની લીગમાં ભારતને સ્થાન અપાવશે.
હાલ સ્થાનિક બજારમાં ભારત સેમીકન્ડક્ટર્સનું ઉત્પાદન કરી રહ્યું નથી. જરૂરિયાતને પહોંચી વળવા માટે તેની આયાત કરે છે. જે હાલની આયાત $24 બિલિયનથી વધીને વર્ષ 2025 સુધીમાં $100 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. સ્માર્ટફોન, લેપટોપ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને IoT ડિવાઇસના ઝડપથી વધી રહેલા ઉપયોગના કારણે વિદેશી હૂંડિયામણ ભયજનક સ્તરે પહોંચી છે.
કોવિડ-19ના કારણે ઉદ્દભવી ચિપ અછત
વૈશ્વિક મહામારી કોરોનાવાયરસના કારણે લોકડાઉનની સ્થિતિએ સ્થાનિક ઉત્પાદનની આવશ્યકતા ઉજાગર કરી હતી. કારણ કે ઇલેક્ટ્રોનિક્સની માંગમાં ઝડપી વધારો થવાના કારણે વૈશ્વિક સ્તરે ચિપ્સની અછત ઊભી થઇ હતી. ભારત સરકારે પણ આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે વિશ્વ હજુ આ તંગી સામે ઝઝૂમી રહ્યું છે.
ભારત સરકાર હાલ તાઇવાન સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની, ઇન્ટેલ, એએમડી, યુનાઇટેડ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ કોર્પ અને ફુજીત્સુ જેવી ટોચની કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. ભારતમાં ટાટા ગ્રુપ અને અનિલ અગ્રવાલની વેદાંતાએ સેમીકન્ડક્ટરમાં તેમની રૂચિ વિશે વાત કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર