Home /News /business /

IPO ભરવા માંગતા તમામ રોકાણકારો માટે ગુડ ન્યૂઝ! સેબીએ રજૂ કર્યો નવો પ્રસ્તાવ

IPO ભરવા માંગતા તમામ રોકાણકારો માટે ગુડ ન્યૂઝ! સેબીએ રજૂ કર્યો નવો પ્રસ્તાવ

આઈપીઓ

New-age tech firms: સેબીનું કહેવું છે કે ખોટમાં ચાલી રહેલી નવા જમાનાની કંપનીઓએ પોતાના આઈપીઓ દસ્તાવેજમાં પોતાની ઇશ્યૂ કિંમત અંગે વધારે ખુલાસા કરવાની જરૂર છે.

  મુંબઈ: માર્કેટ રેગ્યુલેટર સેબી (Securities and Exchange Board of India) સમયાંતરે રોકાણકારોના હિતમાં નિર્ણય લેતી રહી છે. સેબીનું કહેવું છે કે નુકસાનમાં ચાલી રહેલી નવા જમાનાની (New Age companies) કંપનીઓએ હવે તેમના ઇનીશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ના દસ્તાવેજમાં ઇશ્યૂ પ્રાઇસ (Price Band) અંગે વધારે ખુલાસો કરવાની જરૂરિયાત છે. સેબીએ કહ્યુ કે, આ કંપનીઓએ પોતાના આઈપીઓ દસ્તાવેજોમાં એવું જણાવવું પડશે કે કયા મુખ્ય માપદંડોને આધારે કંપની આ ઇશ્યૂ કિંમત પર પહોંચી છે અથવા નક્કી કરવામાં આવી છે.

  સેબીએ એક કન્સલ્ટેશન પેપરમાં કહ્યું છે કે, એવી કંપનીઓએ પોતાની આંકેલી કિંમત (Valuation) સાથે જોડાયેલા ખુલાસા પણ કરવા જોઈએ, જેણે આઈપીઓમાં જાહેર કરેલા નવા શેર અને છેલ્લા 18 મહિનામાં હસ્તગત કરેલા શેરના આધારે પોતાનું મુલ્યાંકન કર્યું હોય.

  અનેક ટેક કંપનીઓ આઈપીઓ લાવી

  સેબીનું આવું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગત થોડા સમયથી નવા જમાનાની અનેક ટેક કંપનીઓએ ફંડ એકઠું કરવા માટે આઈપીઓ લોંચ કર્યો છે. જેમાંથી અનેક ટેક કંપનીઓ પાસે આઈપીઓ લાવ્યા પહેલાના ત્રણ વર્ષ સુધી નફાનો કોઈ ટ્રેક રેકોર્ડ ન હતો. આવી વધારે કંપનીઓ પણ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે.

  આવી કંપનીઓ લાંબા સમય સુધી નફો કરી શકવાની સ્થિતિ સુધી નથી પહોંચતી. આવું એટલે માટે થાય છે કે, કંપનીઓ શરૂઆતમાં પોતાના પ્રોફિટ પર ધ્યાન આપવાને બદલે પોતાના બિઝનેસના વિસ્તાર પર ધ્યાન આપે છે. કંપની વધારેમાં વધારે માર્કેટ હસ્તગત કરવા પર ભાર આપતી હોય છે.

  વધારે ખુલાસાની જરૂરિયાત

  સેબીએ એક કન્સલ્ટેશન પેપર જાહેર કરીને કહ્યુ છે કે , ખોટમાં ચાલી રહેલા કંપનીઓના આઈપીઓને લઈને વધારે ખુલાસા ફરજિયાત બનાવવાની જરૂરિયાત છે. સેબીએ કહ્યુ કે, આ કન્સલ્ટેશન પેપર પાંચ માર્ચ સુધી સંબંધિત પક્ષો તરફથી ટીપ્પણી અને અભિપ્રાય માટે મોકલવામાં આવી શકે છે.

  કોઈ પણ આઈપીઓ ભરતા પહેલા આ પાંચ વાતોનું રાખો ધ્યાન:

  1) લાંબા ગાળાનો લાભ જોઈએ છે કે લિસ્ટિંગ ગેન?

  કોઈપણ આઇપીઓને સબ્સ્ક્રાઇબ કરતા પહેલા એક રોકાણકાર તરીકે પહેલા જ નક્કી કરી લો કે તમે તેના પર લિસ્ટિંગ ગેઈનનો ફાયદો લેવા માંગો છો કે તેમાં લાંબા સમય માટે રોકાણ કરી રહ્યા છો. ક્યારેક અમુક શેરોના કેસમાં એવું થાય છે કે, લિસ્ટિંગ ગેઈન ખૂબ વધુ મળે છે, પરંતુ જરૂરી નથી કે આગળ જતા પણ તેમાં તેજી જળવાઇ રહે.

  આ પણ વાંચો: IPO ભરવા ઇચ્છતા પોલિસીધારકો માટે LIC તરફથી ખાસ સંદેશ

  2) કંપની નાણાનો ઉપયોગ કઈ રીતે કરશે?

  આઇપીઓ માટે ફાઇલિંગ કરતી સમયે કંપની પ્રોસ્પક્ટમાં તેની જાણકારી પણ આપે છે કે, આઇપીઓ દ્વારા એકઠા કરાયેલા ફંડનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવશે. તે ધ્યાન રાખો કે કંપની પોતાનું દેણું ચૂકવવા માટે ફંડ એકઠું કરી રહી છે કે પોતાની ક્ષમતાને વધારવા માટે. સામાન્ય રીતે જો કંપની પોતાની કેપેસિટી વધારવા માટે ફંડ એકઠું કરી રહી છે, તો તેના ગ્રોથની સંભાવના વધુ હોય છે.

  3) કોઈનાથી પ્રભાવિત થયા વગર કરો નિર્ણય

  જો કોઇ કંપનીનો આઇપીઓ ખુલી રહ્યો છે, તેમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દમાનીની ભાગીદારી છે તો રોકાણકારો તેના પ્રત્ય વધુ આકર્ષિત થાય છે. તેમની ભાગીદારીથી પ્રભાવિત થઈને રોકાણનો નિર્ણય ન લેવો જોઇએ. પરંતુ કંપનીના તમામ પ્રમોટર વિશે પણ જરૂરી જાણકારી મેળવવી જોઇએ.

  4) બીજી કંપની સાથે સરખામણી કરો

  આઇપીઓ માટે કંપનીનું વેલ્યુએશન કેટલું નક્કી થયું છે, તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. તેની ઇન્ડસ્ટ્રીમાં સામેલ અન્ય કંપનીઓની તુલના પણ અવશ્ય કરવી જોઇએ. જે કંપનીની આઇપીઓ સબ્સસ્ક્રીપ્શન ઓફર આવી છે, તેનો P/E(પ્રાઇઝ ટૂ અર્નિંગ્સ) રેશિયો, P/B(પ્રાઇઝ ટૂ બૂક) રેશિયો, D/E(ડેટ ટૂ અર્નિંગ્સ) રેશિયો જરૂર તપાસી લેવો. તે જેટલો ઓછો હશે એટલું સારું રહેશે. જોકે દરેક ઇન્ડસ્ટ્રી માટે તેના માપદંડો અલગ છે કે આ રેશિયો કેટલો હોવો જોઇએ.

  આ પણ વાંચો: LIC સંચાલિત યુલિપના આ સ્ટોક્સ પર રાખો નજર, ચમકાવી શકે છે તમારી કિસ્મત

  5) કંપનીના ફન્ડામેન્ટલ પર આપો ધ્યાન

  ઘણા ટ્રેડર્સ/રોકાણકાર કોઇ પણ આઇપીઓ માટે સબ્સક્રાઇબ કરતા પહેલા ગ્રે માર્કેટના પરીણામ તપાસે છે. તેનાથી તેમને આઇપીઓ સબ્સક્રીપ્શન માટે નક્કી કરાયેલ કિંમત પર કેટલો નફો મળી શકે છે, તેનો અંદાજ લગાવે છે. જોકે આ રણનિતી માત્ર ઓછા સમય માટે કરાયેલા રોકાણ માટે અસરકારક સાબિત થઇ શકે છે, પરંતુ જો લાંબા સમય માટે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો તેનો નિર્ણય કંપનીના ફંડામેન્ટલના આધાર પર લેવો જોઇએ.
  Published by:Vinod Zankhaliya
  First published:

  આગામી સમાચાર