નવી દિલ્હી: NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ચાર ટ્રિલિયન ડોલર છે અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ આ ચાર ટ્રિલિયન ડોલરના સંયુક્ત સ્ટોક એક્સચેન્જ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સેબીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, NSEના ભૂતપૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણનને (Chitra Ramkrishna) NSE સંબંધિત નિર્ણયો એવા યોગીના કહેવા પર લીધા હતા, જે ક્યારેય કોઇને દેખાયા નથી.
અધિકારીએ જણાવ્યુ કે, ચિત્રા રામકૃષ્ણન હિમાલયમાં રહેતા યોગીથી પ્રભાવિત થયા હતા, જેમના હેઠળ તેમણે આનંદ સુબ્રમણ્યમને ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર અને એક્સચેન્જમાં મેનેજિંગ ડિરેક્ટરના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. સેબીએ શુક્રવારે રામકૃષ્ણ અને અન્યો વિરુદ્ધ પસાર કરેલા તેના અંતિમ આદેશમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
નોંધનીય છે કે, ચિત્રા રામકૃષ્ણને એપ્રિલ 2013માં એનએસઇના એમડી અને સીઇઓ બનાવાયા હતા અને તેમને દિલ્હીના એક પાવરફુલ રાજકારણીનો સપોર્ટ હતો એવુ સુત્રોનું કહેવુ છે. જોકે, કો-લોકેશન અને અલ્ગો ટ્રેડિંગ કૌભાંડ અને આનંદ સુબ્રમણ્યમની નિમણૂકમાં સત્તાનો દુરુપયોગ કરવા બદલ રામકૃષ્ણને ડિસેમ્બર 2016માં એનએસઇમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
આનંદ સુબ્રમણ્યમને 2013માં એનએસઇમાં ચીફ સ્ટ્રેટેજીક એડવાઇઝરની ઓફર કરાઇ હતી. તે સમયે તેમને બાલ્મેર લોરીના છેલ્લા રૂ. 15 લાખના વાર્ષિક પગાર સામે એનએસઇએ રૂ. 1.68 કરોડના વાર્ષિક પગારનો પેકેજ આપ્યો હતો. માર્ચ 2014માં રામકૃષ્ણને સુબ્રમણ્યમને 20 ટકાનો પગાર વધારો મંજૂર કરતા તેમની વાર્ષિક સેલેરી પેકેજ રૂ. 2.01 કરોડે પહોંચી ગયો. ત્યારપછીના માત્ર પાંચ જ અઠવાડિયામાં ફરી પગાર 15 ટકા વધારી દીધો હતો. જેના કારણે, તેમનું વાર્ષિક પેકેજ 2.31 કરોડ કરાયો હતો. 2015માં તેમનો પગાર 5 કરોડ થયો હતો.
આ બધું સુબ્રમણ્યમનએ ક્યારેય સામે ન આવેલા યોગીના જણાવ્યા પ્રમાણે કર્યું હતુ. સેબીએ વિશ્લેષ્ણમાં નોંધ્યુ છે કે, 'અજાણ્યા યોગી' સાથે ચિત્રા રામકૃષ્ણનું જોડાણ નાણાં બનાવવાની સ્કીમ હોવાનું સ્પષ્ટ દેખાય છે. ફોરેન્સિક ઓડિટમાં જણાવ્યા મુજબ, ચિત્રા રામકૃષ્ણ અને સુબ્રમણ્યમની જ ઈમેજ/ચેક કરવામાં આવી હતી. જ્યારે તેમને સોંપવામાં આવેલા લેપટોપનો એનએસઇ દ્વારા ઈ-વેસ્ટ તરીકે નિકાલ કરવામાં આવ્યો હતો. તેમના અંગત ઈમેલ પણ ફોરેન્સિક ઓડિટ માટે ઉપલબ્ધ નહોતા.
આ મામલે પગલાં લેતા સેબીએ રામકૃષ્ણ અને સુબ્રમણ્યન તેમજ NSE અને તેના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રવિ નારાયણ અને અન્ય પર દંડ લાદ્યો હતો. રેગ્યુલેટરે રામકૃષ્ણ પર રૂ. 3 કરોડ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), નારાયણ અને સુબ્રમણ્યન પર રૂ. 2 કરોડ અને વી આર નરસિમ્હન પર રૂ. 6 લાખનો દંડ ફટકાર્યો હતો. આ સાથે, નિયમનકારે NSEને છ મહિના માટે કોઈપણ નવી પ્રોડક્ટ રજૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
વધુમાં, રામકૃષ્ણ અને સુબ્રમણ્યનને ત્રણ વર્ષના સમયગાળા માટે કોઈપણ માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા અથવા સેબીમાં નોંધાયેલ કોઈપણ મધ્યસ્થી સાથે સાંકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે નારાયણ માટે આ પ્રતિબંધ બે વર્ષ માટે છે. આ ઉપરાંત, સેબીએ એનએસઈને રૂ. 1.54 કરોડનું વિલંબિત બોનસ અને રામકૃષ્ણને વધારાની રજાના બદલામાં ચૂકવેલ રૂ. 2.83 કરોડ જપ્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર