SBIએ કહ્યું છે કે, ગર્ભવતી મહિલાઓની ભરતી અંગેના જૂના નિયમો જ અસરકારક રહેશે
business news - ડિસેમ્બરમાં જાહેર કરાયેલા એક પરિપત્રમાં SBI એ 3 મહિનાથી વધુની સગર્ભા મહિલાને (pregnant women)નિમણૂક માટે અસ્થાયી રૂપે અયોગ્ય જાહેર કરી હતી
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ (SBI) ને મહિલા શક્તિ અને અધિકારો સામે ઝુકવું પડ્યું છે. ભારે વિરોધ બાદ બેંકે ગર્ભવતી મહિલાઓને નોકરી માટે અયોગ્ય જાહેર કરતો આદેશ પાછો (SBI suspends circular)ખેંચી લીધો છે. ડિસેમ્બરમાં જાહેર કરાયેલા એક પરિપત્રમાં SBI એ 3 મહિનાથી વધુની સગર્ભા મહિલાને (pregnant women)નિમણૂક માટે અસ્થાયી રૂપે અયોગ્ય જાહેર કરી હતી. બેંકે કહ્યું હતું કે આવી મહિલા બાળકના જન્મના 4 મહિના પછી જ એપોઈન્ટમેન્ટ લઈ શકશે. ટ્રેડ યુનિયનો અને દિલ્હી મહિલા આયોગે તેની સામે કડક વલણ અપનાવ્યું હતું. ચારેબાજુ ટીકા બાદ બેંકે શનિવારે આ વિવાદાસ્પદ આદેશને જાણે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો હતો.
SBIએ કહ્યું છે કે, ગર્ભવતી મહિલાઓની ભરતી અંગેના જૂના નિયમો જ અસરકારક રહેશે. આ નિયમોમાં ફેરફાર પાછળનો તેનો હેતુ ઘણા અસ્પષ્ટ મુદ્દાઓને સાફ કરવાનો હતો.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે એસબીઆઈના નવા નિયમોને મહિલાઓ સામે ભેદભાવપૂર્ણ ગણાવતા બેંકને નોટિસ પાઠવી હતી. તેમણે તેને માતૃત્વ અધિકારોનું ઉલ્લંઘન અને કાર્યસ્થળ પર વધતા ભેદભાવ તરીકે ગણાવ્યું હતું. સીપીઆઈ સાંસદ બિનોય વિશ્વમે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને આ કાયદો પાછો ખેંચવાની અપીલ કરી હતી. આ સિવાય ઓલ ઈન્ડિયા એસબીઆઈ એમ્પ્લોઈઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કેએસ કૃષ્ણાએ એસબીઆઈ મેનેજમેન્ટને પત્ર લખીને નિયમ રદ કરવા દબાણ કર્યું હતું.
મહિલા કર્મચારીઓના પ્રમોશન પર પડ્યો હોત પ્રભાવ
નવા નિયમની ટીકા કરતા ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશન (AIDWA) એ કહ્યું કે તેનાથી મહિલા કર્મચારીઓના પ્રમોશન પર પણ અસર પડી શકે છે. નવી નિમણૂંકો લઈને આ નિયમ 21 ડિસેમ્બર, 2021 થી લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ પ્રમોશનના કિસ્સામાં તે 1 એપ્રિલ, 2022 થી લાગુ થવાનો હતો. આવી સ્થિતિમાં અનેક મહિલા કર્મચારીઓના પ્રમોશન પર તેની અસર થવાની સંભાવના હતી.