FD Interest Rate: SBI, HDFC સહિતની બેંકો શા માટે કરી રહી છે વ્યાજદરમાં વધારો?
FD Interest Rate: SBI, HDFC સહિતની બેંકો શા માટે કરી રહી છે વ્યાજદરમાં વધારો?
ભારતીય ચલણી નોટો (પ્રતીકાત્મક તસવીર)
FD Interest Rate: એસબીઆઈએ 2 વર્ષથી વધુના સમય માટે ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. 2-3 વર્ષના કાર્યકાળ માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારીને 5.20 ટકા કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં નાણાકીય નીતિ (monetary policy)ની બેઠક યોજાઈ હતી. જેમાં નીતિગત દરો (policy rates )માં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નહોતા. આ બેઠક બાદ ભારતીય સ્ટેટ બેંક (SBI) અને એચડીએફસી બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં વધારો કર્યો હતો. એસબીઆઈએ 2 વર્ષથી વધુના સમય માટે ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. 2-3 વર્ષના કાર્યકાળ માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારીને 5.20 ટકા કરવામાં આવ્યા છે, જે અગાઉ 5.10 ટકા હતા. આ દરમિયાન 2-5 વર્ષના ફિક્સ્ડ ડિપોઝિટ સમયના દરોમાં 15 બેસિસ પોઇન્ટનો વધારો કરીને 5.45 ટકા કરવામાં આવ્યો છે. 5-10 વર્ષનો સમયગાળો ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટ માટે વ્યાજ દર વધારીને 5.50 ટકા કરવામાં આવ્યા છે. નવા વ્યાજ દર 15 ફેબ્રુઆરીથી લાગુ થયો છે.
એચડીએફસી બેંક
એચડીએફસી બેંકે એક વર્ષના સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 10 બેસિસ પોઇન્ટ વધારીને 5 ટકા કર્યો છે. જ્યારે 3-5 વર્ષના સમયગાળાની ડિપોઝિટ પર દર 5 બેસિસ પોઇન્ટ વધારીને 5.45 ટકા કરવામાં આવ્યા છે. આ નવા વ્યાજદર 14 ફેબ્રુઆરીથી લાગુ થયા છે.
પૉલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં
બીજી તરફ આરબીઆઈ દ્વારા રેપો અને રિવર્સ રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત થયા પછી તરત જ યુકો બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ પણ એફડી પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો. આ સુધારેલા દરો 10 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા હતા.
FD વ્યાજદરમાં વધારા પાછળનું કારણ શું?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાં ફુગાવાનો દર ઊંચા સ્તરે હોવાથી બેન્કોએ એફડીના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
જીસીએલ સિક્યોરિટીઝના રવિ સિંઘલના જણાવ્યા મુજબ ફુગાવો એ વ્યાજના દરના સ્તરને અસર કરતું મુખ્ય કારણ છે. ફુગાવાનો દર જેટલો ઊંચો હશે, વ્યાજના દરમાં તેટલો જ વધારો થવાની શક્યતા છે. આવું એટલા માટે થાય છે કારણ કે બેંકો ભવિષ્યમાં તેમને ચૂકવવામાં આવતા નાણાની ખરીદ શક્તિમાં ઘટાડા માટે વળતર તરીકે ઊંચા વ્યાજ દરની માંગ કરશે. ભારતમાં ફુગાવાનો દર ઊંચા સ્તરે હોવાથી મોટાભાગની બેંકો ભવિષ્યમાં ફુગાવામાં થનાર વધારા સામે ગ્રાહકને બચાવવા માટે એફડી દરોમાં વધારો કરી રહી છે.
રિઝર્વ બેંકની મોનિટરી પૉલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસની બેઠકની આઠમી ફેબ્રુઆરીના રોજ શરૂઆત થઈ હતી. ત્રણ દિવસના અંતે 10મી ફેબ્રુઆરીએ RBIના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) તરફથી પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાની જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર સામે વિકાસ અને મોંઘવારીના દર વચ્ચે બેલેન્સ રાખવાનો પડકાર હતો. શક્તિકાંત દાસે મોંઘવારીને કાબૂમાં રાખવાને પ્રાથમિકતા આપતા રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. મોનિટરી કમિટીના તમામ સભ્યોએ એકમત સાથે રેપો રેટ 4% યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
રિવર્સ રેપો રેટ 2020થી 3.35 ટકા પર સ્થિર છે. 2020 પહેલા એક વર્ષમાં RBI મોનિટરી પૉલિસી કમિટીએ તેમાં 155 બેસિસ પોઈન્ટ એટલે કે 1.55 ટકાનો ઘટાડો કર્યો હતો. MSF રેટ અને બેંક રેટ પહેલાની જેમ 4.25 ટકા થયાવત રાખવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર