રિયાદ : દુનિયાની સૌથી મોટી ઓઇલ ઉત્પાદક (Oil Producer) કંપની સઉદી અરામકો (Saudi Aramco) પર ડ્રોન હુમલા (Drone Attack) બાદ સોમવારે બ્રેંટ ક્રૂડ (Brent Crude)ની કિંમતોમાં 28 વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો. સોમવારે ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેંટ ક્રૂડની કિંમતોમાં 20 ટકાની તેજી આવી. 14 જાન્યુઆરી 1991 બાદ ઇન્ટ્રા-ડે (એક દિવસમાં)માં આ સૌથી મોટો ઉછાળો છે. કાચું તેલ મોંઘું થવાથી ભારત પર મોટી અસર પડશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે તેનાથી દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે. આગામી 15 દિવસમાં પેટ્રોલના ભાવ 5-7 રુપિયા પ્રતિ લિટર સુધી વધી શકે છે. જેથી મોંઘવારી વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, શનિવારે હૂથી વિદ્રોહી સંગઠને સાઉદી અરબની તેલ કંપની અરામકોના અબકેક અને ખુરાઇસમાં સ્થિત ઓઇલ કૂવાઓ પર ડ્રોન હુમલા કર્યા હતા. ત્યારબાદથી સાઉદી અરબની ઓઇલ કંપનીએ ઉત્પાદન લગભગ અડધી કરી દીધું છે. સાઉદી ઓઇલ કંપની અરામકોએ કહ્યું કે તે આગામી થોડાક દિવસો સુધી ઉત્પાદન ઓછું રાખશે જેથી ઓઇલ કૂવાઓનું રિપેરિંગ કરી શકાય, જ્યાં હુમલા થયા છે.
એક દિવસમાં જ 20 ટકા મોંઘું થયું કાચું તેલ - ઓઇલ પ્રાઇઝ ડોટ કોમના એક રિપોર્ટ મુજબ, સોમવારે ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેંટ ક્રૂડ 19.5 ટકાના વધારા સાથે 71.95 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગયું, જે 28 વર્ષમાં એક દિવસની સૌથી મોટી તેજી છે.
સાઉદી અરબ દુનિયાના સૌથી વધુ ઓઇલ એક્સપોર્ટર છે અને સરકારી ઓઇલ પ્રોડ્યુસર સઉદી અરામકો પર હુમલાના કારણે કંપનીએ આપૂર્તિમાં 57 લાખ બેરલ પ્રતિદિનનો કાપ મૂક્યો છે, જે વૈશ્વિક આપૂર્તિનો 6 ટકા છે.
ભારતમાં 7 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે પેટ્રોલ
કેડિયા કોમોડિટીઝના મેનેજિંગ ડાયરેક્ટર અજય કેડિયાએ ન્યૂઝ18ને જણાવ્યું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલાની કિંમતોમાં ઉછાળાની અસર ભારત પર પડશે. ભારતમાં કાચા તેલની આપૂર્તિ માટે સાઉદી અરબ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ભારત માટે સાઉદી અરબ કાચા તેલનું બીજું સૌથી મોટું નિકાસકાર છે. એવામાં ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજીની અસર ભારત ઉપર પણ પડશે.
તેઓએ કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં કાચા તેલની કિંમત 80 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. કાચું તેલ મોંઘું થવાની અસર રૂપિયા પર પડશે અને રૂપિયામાં 5થી 8 ટકા નબળાઈ આવી શકે છે. મોંઘું કાચું તેલ અને નબળા રૂપિયાથી આગામી 10 દિવસોમાં દેશમાં પેટ્રોલની કિંમતોમાં 7 રૂપિયા સુધી વધારો થઈ શકે છે.
રાજકોષીય ખોટ પર અસર પડશે
કિંમતોમાં તેજીથી ભારતના ઓઇલ આયાત બિલની સાથોસાથ રાજકીષીય ખોટ (Fiscal deficit) ઉપર પણ ખરાબ અરસ પડવાની છે. કાચા તેલની કિંમતોમાં પ્રતિ ડોલરના વધારાથી વાર્ષિક આધારે ભારતના આયાત બિલ પર અસર પડશે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન ભારતે પોતાના કાચા તેલના આયાત પર લગભગ 111.9 અબજ ડૉલરનો ખર્ચ કર્યો હતો.