નવી દિલ્હી : કોરોના મહામારીમાં (Corona epidemic)અનેક લોકોની નોકરી (Job) ગઈ છે. નાના મોટા વેપાર ધંધા પર અસર પડી છે. નોકરિયાત વર્ગને પડેલા ફટકા વચ્ચે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે નોકરી શોધનારાઓના પગારમાં (salary)જબરદસ્ત વધારો થવાની આશા છે. આ વધારો કોરોના વાયરસના (Coronavirus)પહેલાના સ્તરે પહોંચી જશે. સર્વેમાં આ વાતનો દાવો કરાયો છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, 2022માં સરેરાશ પગાર વધારો 9.4 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે 2021માં સરેરાશ વધારો 8.4 ટકા હતો. 2019ના કોરોના મહામારી પહેલા દેશમાં સરેરાશ પગાર વધારો 9.25 ટકા હતો.
કોર્ન ફેરી ઈન્ડિયાના વાર્ષિક સર્વે (Korn Ferry India) રિપોર્ટ અનુસાર દેશના મોટાભાગના ઉદ્યોગપતિઓનું માનવું છે કે, આ વર્ષે બિઝનેસમાં કોરોના વાયરસની અસર થવાની સંભાવના ઓછી છે.
આ દરમિયાન કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત નાણાકીય વર્ષ 2020-21 પછી કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષમાં વધુ સારા પરિણામો જાહેર કરી રહી છે. નિષ્ણાતોના મતે, પગારમાં વધારો મોટા પ્રમાણમાં બિઝનેસની કામગીરી, ઇન્ડસ્ટ્રી મેટ્રિક્સ અને બેન્ચમાર્કિંગ ટ્રેન્ડ્સ પર આધારિત રહેશે. કોરોના વાયરસ પહેલાના કરતા પગારમાં વધારાનું બીજું કારણ એ છે કે, પ્રતિભાને જાળવી રાખવા માટે ઘણી કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં કોરોના વાયરસ મહામારી અને ત્યારબાદ લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં લોકો નોકરી છોડી રહ્યા છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, 40 ટકા કર્મચારીઓ સક્રિય રીતે નોકરી શોધી રહ્યા છે
ગત નાણાકીય વર્ષમાં કંપનીઓનું પહેલું લક્ષ્ય એ હતું કે તેમને છટણી કરવી ન પડે તેથી ઘણી કંપનીઓએ પગાર વધારવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. જોકે, આ વખતે કંપનીઓ માત્ર સેલેરીમાં જ વધારો નથી કરી રહી, પરંતુ ટેલેન્ટેડ કર્મચારીઓને પોતાને ત્યાં જ રાખવા માટે જંગી બોનસ અને અન્ય સુવિધાઓ પણ આપી રહી છે
કયા સેક્ટરમાં કેટલો વધી શકે છે પગાર?
ટેક કંપનીઓમાં 10.5 ટકા વધવાની આશા છે. આ પછી, લાઈફ સાયન્સમાં 9.5% તેમજ સર્વિસ, ઓટો અને કેમિકલ કંપનીઓમાં 9% પગાર વધારો થઈ શકે છે. આ દરમિયાન સર્વેમાં સામેલ 786 કંપનીઓમાંથી 60 ટકા કંપનીઓ કર્મચારીઓને વાઇ-ફાઇ કવરેજ ભથ્થું આપી રહી છે. આ સાથે જ આ સર્વેમાં સામેલ માત્ર 10 ટકા કંપનીઓ જ ટ્રાવેલ એલાઉન્સ ઘટાડવા કે રદ કરવાની તૈયારી કરી રહી હોવાનું પણ જાણવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર