નવી દિલ્હી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી સાપ્તાહિક પત્રિકા પાંચજન્યમાં (Panchajanya) હવે ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની અમેઝોન (Amzon) પર પ્રહાર કરવામાં આવ્યા છે. પત્રિકાના અંકમાં આ અમેરિકન કંપનીને ‘ઇસ્ટ ઈન્ડિયા કંપની 2.0’ (East India Company 2.0) ગણવામાં આવી છે. આ પહેલા પાંચજન્યએ દેશની અગ્રણી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસ (Infosys) પર સવાલ ઉઠાવ્યા હતા. પાંચજન્યે પણ અમેઝોન પર અનુકૂળ સરકારી નીતિઓ માટે અધિકારીઓને કરોડો રૂપિયાની લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. પાંચજન્યએ પોતાના તાજા અંકમાં જે 3 ઓક્ટોબરે બજારમાં આવશે, તેમાં અમેઝોનની ટીકા કરતી કવરી સ્ટોરી પ્રકાશિત કરશે.
સંઘ સમર્થિત પત્રિકાની કવર સ્ટોરી 'East India Company 2.0'માં કહેવામાં આવ્યું છેકે, 18મી સદીમાં ભારત પર કબજા માટે ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ જે પણ કર્યું હતું, એવું જ અમેઝોનની ગતિવિધિઓમાં જોવા મળી રહ્યું છે. કવર સ્ટોરીમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેઝોન ભારતીય બજારમાં પોતાનો એકાધિકાર સ્થાપિત કરવા માંગે છે. તેના માટે તે ભારતીય નાગરિકોના આર્થિક, રાજકીય તથા અંગત આઝાદી પર કબજો કરવાની પહેલ શરૂ કરી દીધી છે.
અમેઝોન પ્રાઇમ વીડિયોની પણ કરી આકરી ટીકા
પાંચજન્યમાં પ્રકાશિત કવર સ્ટોરીમાં અમેઝોનના વીડિયો પ્લેટફોર્મની ટીકા કરતાં કહેવામાં આવ્યું છે કે તે એવી મૂવી તથા ટેલીવીઝન સીરિઝ દર્શાવી રહ્યા છે જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. સ્ટોરીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અમેઝોને પોતાની અનેક પ્રોક્સી સંસ્થાન ઊભી કરી દીધી છે અને એવા અહેવાલો છે કે તેણે પોતાના પક્ષમાં નીતિઓ બનાવવા માટે કરોડો રૂપિયાની લાંચ આપી છે.
હાલમાં જ અહેવાલો સામે આવ્યા હતા કે, અમેરિકાની ઇ-કોમર્સ કંપની ભારતમાં પોતાના વકીલો દ્વારા કથિત રીતે અધિકારીઓને લાંચ આપવાના મામલાની તપાસ કરી રહી છે. કંપનીએ વર્ષ 2018થી 2020ની વચ્ચે ભારતમાં પોતાની ઉપસ્થિતિ કાયમ રાખવા માટે 1.2 અબજ ડૉલર અથવા તો 8546 કરોડ રૂપિયાનો કાયદાકિય ખર્ચ કર્યો.
કોંગ્રેસે તપાસની માંગ કરી, સ્વદેશી જાગરણ મંચે કાર્યવાહીની માંગ કરી
અમેઝોન લાંચ મામલામાં કોંગ્રેસે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. સંઘ સમર્થિત સ્વદેશી જાગરણ મંચે પણ અયોગ્ય વ્યાપાર વ્યવહારને લઈ અમેઝોન જેવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર