મુંબઈ: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India)એ વધુ એક બેંક સામે કડક કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રના સોલાપુરની લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ (Laxmi Cooperative Bank Ltd) સામે આરબીઆઈએ આકરું વલણ અપનાવ્યું છે. લક્ષ્મી સહકારી બેંક લિમિટેડની કથળી ગયેલી નાણાકીય સ્થિતિને જોતા આરબીઆઈ (RBI) તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે. આરબીઆઈના આકરા નિર્ણય બાદ હવે લક્ષ્મી સહકારી બેંકના ગ્રાહકો પોતાના ખાતામાંથી ફક્ત 1,000 રૂપિયા જ કાઢી શકશે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ આ પહેલા પણ અનેક બેંકો પર પ્રતિબંધો મૂકી ચૂકી છે.
RBIએ નક્કી કરી મર્યાદા
લક્ષ્મી સહકારી બેંકની કથળી ગયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. જે બાદમાં ગ્રાહકો હવે ખાતામાંથી ફક્ત 1,000 રૂપિયા જ ઉપાડી શકશે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ 12 નવેમ્બર, 2021થી છ મહિના સુધી લાગૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આ નવા નિયમની સમીક્ષા કરવામાં આવશે.
બેંક લોન નહીં આપી શકે
RBIના આદેશ બાદ લક્ષ્મી સહકારી બેંક આરબીઆઈની મંજૂરી વગર કોઈને લોન નહીં આપી શકે. આ ઉપરાંત લોન રિન્યૂ પણ નહીં કરી શકે. આ ઉપરાંત બેંક નવું કોઈ રોકાણ પણ નહીં કરી શકે. બેંક કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ નહીં કરી શકે. બેંક કોઈ ડિમાન્ડ ડ્રાફ્ટ પણ ક્લિયર નહીં કરી શકે.
આ મામલે આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, "ખાતાધારકોના બચત ખાતા, ચાલુ ખાતા કે અન્ય કોઈ પણ પ્રકારના બેંક ખાતામાંથી કુલ જમા રકમની સામે એક હજારની મર્યાદામાં જ રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવી છે." સાથે એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે બેંક પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો અર્થ એવો નથી કે તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.
આરબીઆઈના કહેવા પ્રમાણે બેંક તેના પર મૂકેલા પ્રતિબંધો સાથે બિઝનેસ કરી શકશે, તેમજ તેની નાણાકીય સ્થિતિ સારી કરવાના પ્રયાસો ચાલુ રાખી શકશે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ આ પહેલા પણ અનેક બેંકો પર પ્રતિબંધો મૂકી ચૂકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર