નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનો (Farmers Protest) દરમિયાન પંજાબથી રિલાયન્સ જિયો (Reliance Jio)ના મોબાઇલ ટાવરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે. રિલાયન્સે જિયો ટાવર સાથે થઈ રહેલી તોડફોડને લઈને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટ (Punjab and Haryana High Court)માં એક અરજી દાખલ કરી છે. રિલાયન્સે આ મામલામાં સરકારી અધિકારીઓના હસ્તક્ષેપની માંગ કરી છે જેથી જિયોની સેવા અડચણ વગર ચાલી શકે.
રિલાયન્સે (RIL) પોતાના નિવેદનમાં કહ્યું છે કે પંજાબમાં જિયોના ટાવરને ઉપદ્રવીઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ટાવર તોડીને જિયોના કામમાં નુકસાન અને અડચણ પણ ઊભી કરવામાં આવી રહી છે. સાથોસાથ રિલાયન્સે પોતાના પ્રતિદ્વંદીઓને નિશાન પર લેતા કહ્યું કે કેટલીક કંપનીઓ ટાવરમાં તોડફોડ અને નુકસાન પહોંચાડવા માટે ઉપદ્રવીઓને જાણી જોઈને ઉશ્કેરી રહી છે. તેના કારણે અમારે ત્યાં કામ કરનારા હજારો કર્મચારીઓનું જીવન ખતરામાં પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલન દરમિયાન પંજાબ અને હરિયાણામાં રિલાયન્સ જિયોના લગભગ 1500 ટાવરોને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પંજાબના અલગ અલગ વિસ્તારોથી જિયોના ટાવરો પર ખેડૂત આંદોલનના ઝંડા લગાવ્યા હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ હતી.
કંપનીએ કહ્યું છે કે જો હાલ ઉપદ્રવીઓને રોકવામાં ન આવ્યા તો કંપનીના કર્મચારીઓ અને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રાજ્યમાં ખતરો હોઈ શકે છે. હાઈકોર્ટને અપીલ કરવામાં આવી છે કે બંને રાજ્યોની સરકારોને આદેશ આપવામાં આવે કે ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન પહોંચાડનારા ઉપદ્રવી તત્વો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સાથોસાથ ભવિષ્યમાં આવું ઘટનાઓ ન બને તેના માટે યોગ્ય પગલાં ભરવા નિર્દેશ આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પોલીસને નિર્દેશ આપ્યા હતા કે ટાવરોને નુકસાન પહોંચાડી રહેલા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત રાજ્યપાલ વીપી સિંહ બદનૌરે મુખ્ય સચિવ વિની મહાજન અને ડીજીપી દિનકર ગુપ્તા પાસે રિપોર્ટની માંગ કરી હતી. ગત એક મહિનાથી પણ વધુ સમયથી ખેડૂતો દિલ્હીની સરહદ પર ધરણા પર બેઠેલા છે. આજે ફરી એકવાર ખેડૂતોની કેન્દ્ર સરકાર સાથે બેઠક મળવાની છે.
ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર