Reliance AGM 2021: મુકેશ અંબાણીએ સાઉદી અમારકોના ચેરમેનને રિલાયન્સ બોર્ડમાં શામેલ કર્યા

મુકેશ અંબાણી.

Reliance AGM 2021: વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ રિલાન્યનો બિઝનેસ અને ફાઇનાન્સિયલ રિપોર્ટ રજૂ કર્યો. તેમણે કહ્યુ કે કંપનીએ 5.4 લાખ કરોડ રૂપિયાની કોન્સોલિડેટેડ રેવન્યૂ મેળવી છે. જ્યારે 53,739 કરોડ રૂપિયાનો નફો થયો છે.

  • Share this:
    મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા (RIL 44th AGM) આજે એટલે કે 24 જૂન 2021ના રોજ મળી છે. AGM ગુરુવારે બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) અને બીજા ઓડિયો-વ્યૂઝ્યૂઅલ માધ્યમો (OAVM)થી શરૂ થઈ હતી. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (CMD Mukesh Ambani and Nita Ambani) અને નીતા અંબાણીએ કંપનીના 3 કરોડથી વધુ શેરધારકો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. આ દરમિયાન મુકેશ અંબાણી સહિત આકાશ અંબાણી, ઈશા અંબાણી અને નીતા અંબાણીએ કોરોનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન તેમણે કેટલીક મહત્ત્વની જાહેરાતો પણ કરી હતી.

    મુકેશ અંબાણીએ રિલાયન્સનો બિઝનેસ અને ફાઇનાન્સિયલ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે કહ્યુ કે કંપનીએ 5.4 લાખ કરોડ રૂપિયાની કોન્સોલિડેટેડ રેવન્યૂ મેળવી છે. જ્યારે 53,739 કરોડ રૂપિયાનો નફો થયો છે. જે ગત વર્ષ કરતા આશરે 39% વધારે છે. રિલાયન્સે 107 દેશમાં 1.45 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી હતી, જ્યારે 75 હજાર લોકોને રોજગારી આપી છે.

    આ પણ વાંચો: બિઝનેસની સાથે સાથે સમાજને શક્તિશાળી બનાવવો અમારું મિશન: નીતા અંબાણી

    રાઇટ્સ ઇશ્યૂથી એક વર્ષમાં ચાર ગણું વળતર

    રિલાયન્સે ગત નાણાકીય વર્ષમાં 21,044 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી ચૂકવી છે. આ ઉપરાંત 85,306 કરોડ રૂપિયા જીએસટી તેમજ વેટ તરીકે ચૂકવ્યા છે. 3,216 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ચૂકવ્યો છે. આ દરમિયાન કંપનીએ 3,24,432 કરોડ રૂપિયાની મૂડી મેળવી હતી. રિટેલ ઇન્વેસ્ટર્સને રાઇટ ઇશ્યૂથી વર્ષમાં ચાર ગણું વળતર મળ્યું છે.

    એક વર્ષમાં સૌથી વધારે મૂડી એકઠી કરી

    મુકેશ અંબાણીએ કહ્યુ કે, કોરોના હોવા છતાં અમે એક વર્ષમાં રેકોર્ડ સૌથી વધારે મૂડી મેળવી છે. એક વર્ષમાં અમે 3.24 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. અમે દેશમાં સૌથી સફળ અને મોટો રાઇટ ઇશ્યૂ લઈને આવ્યા હતા.

    બે વર્ષ પહેલા જ દેવા મુક્ત

    રિલાયન્સ રિટેલ સતત સંગઠિત સેક્ટરમાં લીડરશિપની સ્થિતિમાં છે. તે તેના પછીના સ્પર્ધકથી છ ગણી વધારે મોટી છે. અમે ગ્રૉસરી, ઇલેક્ટ્રોનિક્સ અને એપરલમાં લીડર છીએ. અમારું લક્ષ્ય 2021 સુધી કંપનીને દેવા ફ્રી કરવાનું હતું. અમે બે વર્ષ પહેલા જ આ કરી બતાવ્યું છે.

    આ પણ વાંચો: કોરોના વોરિયર્સની ઇશા અને આકાશે કરી પ્રશંસા, કહ્યું- દાદાજી સાથે હોત તો બધા પર ગર્વ કરતા

    સાઉદી અમારકોના ચેરમેનને રિલાયન્સ બોર્ડમાં સ્થાન

    મુકેશ અંબાણીએ એજીએમ દરમિયાન સાઉદી અમારકો કંપનીના ચેરમેન અલ-રુમાયન (Yasir Al-Rumayyan)ને રિલાયન્સના બોર્ડમાં શામેલ કરવાની જાહેરાત કરી હતી. યાસિર સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કંપનીના બોર્ડમાં શામેલ થયા છે. આ અંગે જાહેરાત કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે, "યાસિર અલ-રુમાયન રિલાયન્સ બોર્ડમાં શામેલ થઈ ગયા છે. આ સાથે જ રિલાયન્સનું આંતરરાષ્ટ્રીયકરણ શરૂ થઈ ગયું છે."

    2019ની સામાન્ય સભામાં રિલાયન્સે જાહેરાત કરી હતી કે તે ઓઇલ-ટૂ-કેમિકલ (O2C) બિઝનેસમાં 20 ટકા હિસ્સો સાઉદી અમારકોને વેચશે. આ ડીલમાં ગુજરાતના જામનગર ખાતે બે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ અસેટ્સ શામેલ છે.

    (Disclaimer- નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published: