મુંબઈ: ભારતમાં બચતનું મહત્ત્વ બરકરાર છે. જેથી બચત કરવા ઇચ્છતા લોકો માટે અનેક સ્કીમ ચલણમાં છે. જેમાં સૌથી લોકપ્રિય અને પસંદગીની સ્કીમ રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit) એટલે કે RD છે. માસિક પગારદાર (salaried) લોકો તેમજ વ્યાવસાયિકો (self employed) આ સ્કીમ પસંદ કરી શકે છે. રિકરિંગ ડિપોઝિટ બજારમાં ઉપલબ્ધ સૌથી સરળ અને સૌથી અનુકૂળ રોકાણનો વિકલ્પ છે. તમે તમારું પહેલેથી જ બચત ખાતું હોય તે બેન્કમાં RD એકાઉન્ટ ખોલવા માંગતા હોવ તો તમારે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટની જરૂર પડશે.
RD એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સરળ છે. દર મહિને રિકરિંગ ડિપોઝિટ ખાતામાં બેલેન્સ પર વ્યાજ (interest) મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો, રિકરિંગ ડિપોઝિટ એકથી વધુ ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ્સ ખોલવા જેવું કામ કરે છે. દરેકની મેચ્યોરિટી સમાન હોય છે. રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજનો દર 7%થી 9% વચ્ચે રહે છે. આ વ્યાજ RDની મેચ્યોરિટી પર ચૂકવવામાં આવે છે. પણ શું તમને ખ્યાલ છે કે, રિકરિંગ ડિપોઝિટના વ્યાજદરને પણ અમુક ફેક્ટર અસર કરી શકે છે. આજે અહીં આવા જ કેટલાક ફેક્ટર અંગે ચર્ચા કરવામાં આવી છે.
ઉંમર
RDમાં મળતું વ્યાજ રોકાણકારની ઉંમર પણ પર આધાર રાખે છે. દાખલા તરીકે, વરિષ્ઠ નાગરિકો રેગ્યુલર RD સ્કીમમાં હાલના વ્યાજ દરોની તુલનામાં ઊંચા વ્યાજદરનો લાભ માણી શકે છે. લાગુ વ્યાજ દર મુજબ ત્રિમાસિક ધોરણે વ્યાજમાં વધારો કરવામાં આવે છે. સામાન્ય રીતે સિનિયર સિટીઝનને RD સ્કીમ પર વિવિધ બેન્કો દ્વારા આપવામાં આવતા વધારાના વ્યાજદર નિયમિત ડિપોઝિટ દર કરતાં 0.25 ટકાથી 0.75 ટકાની વચ્ચે હોય છે.
એકાઉન્ટનો પ્રકાર
રિકરિંગ ડિપોઝિટના વ્યાજદર પર તમારા એકાઉન્ટના પ્રકારની અસર થાય છે. સામાન્ય રીતે રેગ્યુલર બચત ખાતામાં NRE/NRO કરતા વધુ વ્યાજ મળે છે. અલબત્ત કેટલીક બેંકો બંને એકાઉન્ટ ધારકોને સમાન વ્યાજ પણ આપે છે.
સમયગાળો
તમારા ડિપોઝિટનો સમયગાળો પણ RDના વ્યાજદરમાં અસરકારક ભૂમિકા ભજવે છે. ટૂંકા ગાળાની ડિપોઝિટમાં વધુ ઊંચા વ્યાજદર મળી શકે છે. જ્યારે અમુક બેંકો 10 વર્ષની લોન્ગ ટર્મ ડિપોઝિટમાં સૌથી ઊંચા વ્યાજ ઓફર કરે છે. કેટલીક બેંકોમાં 1 વર્ષ હોય કે 10 વર્ષ, વ્યાજ સમાન જ મળે છે.
RDમાં પણ વ્યાજ આપવાની પોલિસીમાં અસમાનતા જોવા મળે છે. અમુક બેંકો સારું વ્યાજ આપે છે. જ્યારે અમુક બેંકોનું વ્યાજ નીચું છે. ટોચની બેંકો વાર્ષિક ધોરણે 7 ટકા જેટલું વ્યાજ આપે છે. જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં 8 ટકા સુધીનું વ્યાજ મળી શકે છે.
સ્કીમની પસંદગી
RD માટે અલગ અલગ સ્કીમ અસ્તિત્વમાં છે. વરિષ્ઠ નાગરિકો માટેની રેગ્યુલર સ્કીમમાં સામાન્ય કરતા વધુ વ્યાજ દર મળે છે. આવી જ રીતે 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિઓના નામે પણ RD ખાતાઓ ખોલવામાં આવે છે. જો કે, આ ફક્ત તેમના માતાપિતા અથવા વાલીની દેખરેખમાં જ શક્ય છે. નિયમિત RD ખાતાઓની જેમ ખાતું ખોલતી વખતે નિયત માસિક હપ્તો અને કાર્યકાળ નક્કી કરવામાં આવે છે. જેમાં રેગ્યુલર આરડી ખાતાઓની તુલનામાં રિટર્ન સમાન અથવા થોડું વધારે હોઈ શકે છે.
NRI માટે RD શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું માનવામાં આવે છે. તેઓ NRE અથવા NRO એકાઉન્ટના માધ્યમથી રોકાણ કરી શકે છે. કોર્પોરેશન બેંક મિલિયોનેર સ્કીમ ચલાવે છે. જેમાં તમને સ્કીમના અંતે દસ લાખ રૂપિયા મળશે. આ ડિપોઝિટમાં વાર્ષિક 9.25 ટકાનો ખૂબ ઊંચો વ્યાજ દર છે. આવી જ રીતે અલગ અલગ બેંકો દ્વારા વ્યાજદર ઓફર કરવામાં આવે છે.
RD ખાતાના ફીચર
તમે રૂ.100 જેટલી લઘુતમ રકમથી પણ બચત શરૂ કરી શકો છો. આ ખાતામાં લઘુતમ 6 મહિના અને મહત્તમ 10 વર્ષ સુધીનો સમયગાળો હોય છે. RD એકાઉન્ટમાં સામાન્ય બચત ખાતા કરતા વધુ વ્યાજ મળે છે. આ ખાતા 30 દિવસથી લઈ 3 મહિના સુધીના લોકઈન પિરિયડના હોય શકે છે. એક એકાઉન્ટ હોલ્ડર ગમે તેટલા RD એકાઉન્ટ ખોલી શકે છે. અમુક બેન્ક અને પોસ્ટ ઓફીસ એડવાન્સ ડિપોઝીટનો વિકલ્પ પણ આપે છે. આ સાથે RD એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ ઉપલબ્ધ હોય છે.
- આ પ્રકારના એકાઉન્ટના કારણે બચત કરવાની આદત પડે છે. - મહિને RDનો હપ્તો ચુકાઈ જાય તો પેનલ્ટી લાગતી નથી - સામાન્ય સેવિંગ ખાતા કરતા વ્યાજદર ઊંચો હોય છે. - રૂ.100થી પણ બચત શરૂ થઈ શકે છે. - RD એકાઉન્ટ શરૂ કરવું એકદમ સરળ છે. - ટૂંકા ગાળાના લક્ષ્યો માટે ખૂબ સારો વિકલ્પ છે.
RD એકાઉન્ટના ગેરફાયદા
- લોક ઈન પિરિયડમાં પૈસા ઉપાડવાથી રિટર્ન મળતું નથી - કટકે કટકે કે પછી વહેલા પૈસા ઉપાડવાથી પેનલ્ટી લાગી શકે છે. - હપ્તાની રકમ ફિક્સ હોય છે. - મૂડીરોકાણની અન્ય પ્રોડક્ટ કરતા RDમાં વ્યાજદર ઓછા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર