RBI Monetary Policy 2023: આજે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતા, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક QR આધારિત વેન્ડિંગ મશીનોનો પ્રોજેક્ટ શરૂ કરશે. જે સિક્કાની ઉપલબ્ધતા વધારવા માટે કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં રિઝર્વ બેંક તેને 12 શહેરોમાં શરૂ કરશે. ગવર્નરે કહ્યું છે કે આ મશીનોનો ઉપયોગ UPI દ્વારા કરવામાં આવશે અને અહીં બેંક નોટોને બદલે સિક્કા બહાર નીકળશે.
RBI ગવર્નરે 2023ના તેમના પ્રથમ નાણાકીય ભાષણમાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સતત છઠ્ઠી વખત છે જ્યારે RBI દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવી રહ્યો છે. રેપો રેટ હવે 6.50 ટકા પર પહોંચી ગયો છે. આ કારણે બેંકોની લોન વધુ મોંઘી થવાની આશંકા છે. જેમની પાસે પહેલાથી જ લોન છે તેમના માટે EMI પણ વધી જશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં 6માંથી 4 લોકોએ રેપો રેટ વધારવાની તરફેણમાં મત આપ્યો.
શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, FY23 માટે CPI આધારિત ફુગાવાનો દર અગાઉના નાણાકીય વર્ષમાં 6.7 ટકાની સરખામણીએ 6.5 ટકા રહેવાનો અંદાજ છે. તેમજ આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં તે ઘટીને 5.3 ટકા થવાની ધારણા છે. ગવર્નર દાસના જણાવ્યા અનુસાર, રવિ સિઝનમાં સારી ઉપજને કારણે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઘટશે.
ભારતનો વિકાસ દર
દેશના જીડીપીના વિકાસ અંગે શક્તિકાંત દાસે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો વાસ્તવિક વિકાસ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. દાસના જણાવ્યા અનુસાર, તે એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટરમાં 7.8 ટકા સુધી પહોંચશે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 7.1 ટકા હતો. આ ઉપરાંત, જુલાઈ-સપ્ટેમ્બરમાં 5.9 ટકા, ઓક્ટોબર-ડિસેમ્બરમાં 6 ટકા અને જાન્યુઆરી-માર્ચ 2024માં 5.8 ટકાની સામે 6.2 ટકા વૃદ્ધિનો અંદાજ છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે ભારતીય રૂપિયો અન્ય એશિયન કરન્સી કરતાં વધુ સ્થિર છે. તેમણે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા હવે થોડા મહિના પહેલાની સરખામણીમાં સારી સ્થિતિમાં છે, પરંતુ ઘણા દેશોમાં ફુગાવો હજુ પણ લક્ષ્યાંકની શ્રેણીની બહાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર