નવી દિલ્હી : આરબીઆઈ (ભારતીય મધ્યસ્થ બેંક-Reserve Bank of India)એ ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત પીપલ્સ કો-ઑપરેટિવ બેંક (People's Co-operative Bank)ની નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના પર છ મહિના સુધી નવું કરજ આપવા અને જમા સ્વીકારવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આરબીઆઈએ 11મી જૂનના રોજ આ અંગેની જાણકારી આપી હતી.
ખાતાધારકો પોતાના પૈસા નહીં ઉપાડી શકે :
આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે પીપલ્સ-કો-ઑપરેટિવ (People's Co-operative Bank) સહકારી બેંકમાંથી કોઈ પણ ખાતાધારક હાલમાં પોતાના પૈસા નહીં ઉપાડી શકે.
પીપલ્સ-કો-ઑપરેટિવ પર (People's Co-operative Bank) આ પ્રતિબંધ લાગ્યા :
આરબીઆઈ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 10 જૂન, 2020ના દિવસનું બેંકનું કામકાજ પૂર્ણ થયા બાદ પીપલ્સ કો-ઑપરેટિવ બેંક ભારતીય રિઝર્વ બેંકની લેખિતમાં મંજૂરી વગર કોઈ પણ નવું કરજ આપી કે જૂન કરજને રિન્યૂ નહીં કરી શકે. આ ઉપરાંત બેંક કોઈ નવું રોકાણ નહીં કરી શકે અને ન તો નવી રકમ જમા લઇ શકશે.
આ પણ વાંચો : સુરતના નામચીન બુટલેગર કાલુની હત્યા મામલે મોટો ખુલાસો, આ કારણે પતાવી દીધો
મધ્યસ્થ બેંકે કહ્યુ કે, ખાસ કરીને તમામ બચત કે ચાલુ ખાતા ધારકોને કોઈ પણ અન્ય ખાતામાંથી કુલ બાકી રકમ ઉપાડવાની મંજૂરી નથી આપવામાં આવી.
આ પ્રતિબંધ 10 જૂનના રોજ બેંક બંધ થયાના છ મહિના સુધી લાગૂ રહેશે. જોકે, રિઝર્વ બેંક તરફથી એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ આદેશને સહકારી બેંકનું લાઇસન્સ રદ કરવા તરીકે ન જોવો જોઈએ. બેંક પોતાની નાણાકીય સ્થિતિ સારી થાય ત્યાં સુધી પ્રતિબંધ સાથે પોતાનો બેન્કિંગ વેપાર શરૂ રાખી શકે છે.
મે મહિનામાં પણ બેંકનું લાઇસન્સ રદ થયું હતું :
નોંધનીય છે કે મે મહિનામાં RBIએ મહારાષ્ટ્રની સીકેપી કો-ઑપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું હતું. મહારાષ્ટ્રની સહકારી બેંક પર નાણાકીય અસ્થિરતાને કારણે આરબીઆઈએ પ્રતિબંધ મૂક્યો હતો. 30 એપ્રિલથી જ આરબીઆઈએ તમામ ઑપરેશન રોકી દીધા હતા. આરબીઆઈ તરફથી નાણાકીય અસ્થિરતાના આધારે લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : 'ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત,' ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના ટ્વીટથી વિવાદ, CM રૂપાણીએ આપ્યો જવાબ