Rainbow Children IPO : દેશના સૌથી મોટા આઈપીઓ LIC IPOમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિલંબ થઈ રહ્યો છે, પરંતુ નાની-મધ્યમ કદની કંપનીઓ બજારમાંથી પૈસા એકત્ર કરવા માટે IPO બહાર પાડવા ફરી હિમંત દર્શાવી રહી છે. મલ્ટિસ્પેશિયાલિટી પીડિયાટ્રિક હોસ્પિટલ ચેઇન, રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર લિમિટેડ પણ રૂ. 2000 કરોડ એકઠા કરવા માટે આ આગામી સપ્તાહે આઈપીઓ બહાર પાડવા જઈ રહી છે.
રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર લિમિટેડનો IPO આગામી સપ્તાહે 27 એપ્રિલે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 29 એપ્રિલે બંધ થશે. કંપનીએ સેબી પાસે જમા કરાવેલ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર એન્કર રોકાણકારો 26 એપ્રિલે શેર માટે બિડ કરી શકશે. તો ચાલો એપ્રિલના અંતે ખુલનાર આ આઈપીઓ વિશેની તમામ માહિતી અને ઈન્વેસ્ટરોએ તેમાં રોકાણ કરવું જોઇએ કે કેમ? તે અંગે જાણીએ.
IPOની સાઈઝ ?
રિપોર્ટ અનુસાર રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર આઈપીઓનું કદ રૂ. 2000 કરોડથી સામાન્ય વધુ હોવાની અપેક્ષા છે. કંપની આઈપીઓમાં રૂ. 280 કરોડ સુધીના નવા શેર આપશે અને ઓફર ફોર સેલ થકી વર્તમાન શેરધારકો 2.4 કરોડ સુધીના ઇક્વિટી શેર વેચશે.
IPOમાં પ્રમોટરોનું OFS
ઓફર ફોર સેલ (OFS)માં શેર વેચનારા પ્રમોટરોમાં રમેશ કંચર્લા, દિનેશ કુમાર ચિરલા અને આદર્શ કંચર્લા, પ્રમોટર ગ્રૂપ કંપની પદ્મા કંચર્લા અને રોકાણકાર બ્રિટિશ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ પીએલસી (અગાઉ સીડીસી ગ્રુપ પીએલસી તરીકે ઓળખાતા) અને સીડીસી ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
કોઈ રિઝર્વેશન ?
રેઈનબો ચિલ્ડ્રન્સના પબ્લિક ઓફરિંગમાં એલિજિબલ કર્મચારીઓને 3 લાખ શેર સબસ્ક્રિપ્શન સુધીનું રિઝર્વેશન ઓફર કરવામાં આવ્યું છે.
IPOના પૈસાનું શું કરશે કંપની ?
ડ્રાફ્ટ પેપરમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેઓ નવા શેર ઈશ્યુ કરીને એકત્ર થતા ભંડોળમાંથી નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs)ની આગોતરી ચૂકવણી કરીને રિડેમ્પશન કરશે. આ સિવાય નવી હોસ્પિટલો સ્થાપવા અને નવી હોસ્પિટલો માટે તબીબી સાધનોની ખરીદી માટે મૂડી ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ અન્ય ભંડોળનો ઉપયોગ થશે.
ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ અને લિસ્ટિંગ
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, જેપી મોર્ગન ઈન્ડિયા અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ ઈશ્યુના લીડ મેનેજર છે. કંપનીના ઇક્વિટી શેરને BSE અને NSE પર લિસ્ટેડ કરવાની દરખાસ્ત છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ આ તેના ઇક્વિટી શેરની પ્રથમ પબ્લિક ઓફર હોવાથી કંપનીના ઇક્વિટી શેર માટે કોઈ ઔપચારિક બજાર નથી. ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે.
કંપનીના કારોબાર પર એક નજર
રેઈનબો દેશના છ શહેરોમાં 14 હોસ્પિટલો અને ત્રણ ક્લિનિક્સનું સંચાલન કરે છે, જેમાં કંપની પાસે 20 ડિસેમ્બર, 2021 સુધીના આધિકારીક આંકડા અનુસાર કુલ 1500 બેડની ક્ષમતા છે. કંપનીને યુકે સ્થિત ડેવલપમેન્ટ ફાઇનાન્સ સંસ્થા, CDC ગ્રુપનું સમર્થન છે. તેણે હૈદરાબાદમાં 1999માં તેની પ્રથમ 50 બેડની બાળરોગ વિશેષ હોસ્પિટલ (Pediatric Speciality Hospital)ની સ્થાપના કરી. ઉત્તરોતર કંપનીએ જટિલ રોગોમાં મજબૂત ક્લિનિકલ સ્કિલ સાથે મલ્ટી સ્પેશ્યાલિટી પીડિયાટ્રિક હોસ્પિટલ તરીકે નામના મેળવી છે.
રેઈનબો ચિલ્ડ્રન્સ હોસ્પિટલની મુખ્ય વિશેષતાઓ બાળરોગ ચિકિત્સા છે, જેમાં નવજાત અને બાળ ચિકિત્સકની સઘન સંભાળ, બાળરોગની મલ્ટી સ્પેશ્યાલિટી સર્વિસ, બાળરોગની ક્વાટર્નરી કેર (મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ્સ સહિત) અને સામાન્ય અને જટિલ પ્રસૂતિ સંભાળ, જટિલ ગર્ભ સંભાળ, પેરીનેટલ જિનેટીક અને પ્રજનન સંભાળ (Fertility Care) સહિતના ઓબસ્ટેટ્રિસ્ક અને ગાયનેકોલોજીનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર