RailTel IPO: ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલૉજી (ICT) પૂરી પાડનારી કંપની રેલટેલ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (RailTel corporation of India)નો આઈપીઓ 18મી ફેબ્રુઆરીના રોજ બંધ થયો હતો. આ આઈપીઓ (Initial Public Offer) 16મી ફેબ્રુઆરીના રોજ ખુલ્યો હતો. ત્રણ દિવસ બાદ RailTelનો આઈપીઓ 42.39 ગણો ભરાયો છે. કંપનીએ 6.11 કરોડ શેર માટે IPO બહાર પાડ્યો હતો. રોકાણકારોએ 259.4 કરોડ ઇક્વિટી શેર માટે બોલી લગાવી છે.
વિગતે વાત કરીએ તો QIB (ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ) માટે અનામત હિસ્સો 65.4 ગણો ભરાયો છે. જ્યારે NIB (Non-institutional bidders)નો હિસ્સો 73.25 ગણો ભરાયો છે. રિટેલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 16.9 ગણો ભરાયો છે. જ્યારે કર્મચારીઓ માટે અનામત હિસ્સો 3.36 ગણો ભરાયો છે.
આઈપીઓમાં એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી એકઠી કરવામાં આવેલો રકમ શામેલ નથી. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી પહેલા જ 244 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ 93-94 રૂપિયા છે. સરકાર આ કંપનીમાં પોતાનો 27 ટકા હિસ્સો વેચી રહી છે. આ આઈપીઓ દ્વારા એકઠી કરવામાં આવેલા તમામ રકમ સરકારને મળશે. કંપનીના ખાતામાં કંઈ નહીં આવે.
રેલટેલનો આઈપીઓ બંધ થઈ ગયો છે તેની સાથે એક માઠા સમાચાર એ પણ આવ્યા છે કે થોડા દિવસ પહેલા કંપનીનો શેર ગ્રે માર્કેટમાં જેટલા પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જે ભાવ ગગડી ગયો છે. જોકે, નિષ્ણાતો આ આઈપીઓના લિસ્ટિંગને લઈને ખૂબ જ પોઝિટિવ છે, કારણ કે કંપની પર કોઈ જ દેવું નથી. સાથે જ કંપની સતત ડિવિડન્ટ પણ ચૂકવતી આવી છે.