રઘુરામ રાજન થયા 58 વર્ષના, જાણો તેઓ કેવી રીતે બન્યા હતા આરબીઆઈના ગવર્નર

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની ફાઇલ તસવીર

આરબીઆઈના ગવર્નર તરીકેના કાર્યકાળ દરમિયાન રઘુરામ રાજને ફુગાવાને અંકુશમાં લાવવા માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો

 • Share this:
  ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Raghuram Rajan)નો આજે (3 ફેબ્રુઆરી) જન્મ દિવસ છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ભોપાલ (Bhopal)માં વર્ષ 1963માં જન્મેલા રાજન આરબીઆઈના 23મા ગવર્નર હતા. તેમણે વર્ષ 2010થી 2013 સુધી આરબીઆઈના ગવર્નર તરીકેના કાર્યકાળ દરમિયાન લક્ષ્યાંક પ્રણાલી રજૂ કર્યા પછી, ફુગાવાને અંકુશમાં લાવવા માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. હાલ તેઓ યુનિવર્સિટી ઓફ શિકાગોની બૂથ સ્કૂલ ઑફ બિઝનેસમાં ફાઇનાન્સ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. અહીં જાણીએ પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજન વિશેના કેટલાક તથ્યો.

  તેમનું ભણતર

  રઘુરામ રાજને નવી દિલ્હીના આર કે પુરમ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. જે બાદ તેમણે આઈઆઈટી(IIT), દિલ્હીથી ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે આઈઆઈએમ (IIM) અમદાવાદથી બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું. આ ઉપરાંત તેમણે યુનાઇટેડ સ્ટેટ્સના કેમ્બ્રિજ સ્થિત એમઆઈટી સ્લોન સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી નાણાકીય નિર્ણયના સિદ્ધાંતમાં પીએચડી પણ કર્યું છે.

  જાણો, તેઓ કેવી રીતે આરબીઆઈ ગવર્નર બન્યા

  વર્ષ 2008માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે રઘુરામ રાજનને માનદ આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યાંથી રાજન ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર બન્યા. તેમની નીતિઓની ભલામણો માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને પરિણામે વર્ષ 2013માં આરબીઆઈ ગવર્નર તરીકે તેમની નિયુક્ત કરાઈ હતી. તેમની નીતિઓ ફુગાવાને ઘટાડવા અને નાણાકીય બજારોને વધુ તેજીમાં લાવવા પર કેન્દ્રિત હતી. ઉલ્લેખનીય છે કે તેમણે 3 વર્ષ સુધી આરબીઆઈના ગવર્નર તરીકે સેવા આપી હતી.

  ટાઇમ 100થી બુક એવોર્ડ સુધી તેમની ઉપલબ્ધીઓ

  ટાઇમ મેગેઝિન દ્વારા રઘુરામ રાજનને વર્ષ 2016માં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં રાખવામાં આવ્યા હતા. તેણે ‘ધ થર્ડ પિલર’ અને ‘ફોલ્ટ લાઇન્સ: હાઉ હિડન ફ્રેક્ચર્સ સ્ટિલ થ્રિટન ધ વર્લ્ડ ઈકોનોમી’ જેવા પુસ્તકો લખ્યા. જે બદલ તેમણે ફાઇનાન્સિયલ ટાઇમ્સ અને મકિંસી (McKinsey) બિઝનેસ બુક ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. રાજનને વર્ષ 2003માં 40 વર્ષથી ઓછી વયના અર્થશાસ્ત્રી દ્વારા વિત્ત સિદ્ધાંત અને નાણાં વ્યવહારમાં ફાળો આપવા બદલ અમેરિકન ફાઇનાન્સ એસોસિએશન દ્વારા ઇનોગ્રલ ફિશર બ્લેક પ્રાઈઝ એનાયત થયું. નાસ્કોમે (NASSCOM) 2010માં તેના વૈશ્વિક નેતૃત્વ પુરસ્કારો દરમિયાન તેમને 'ગ્લોબલ ભારતીય' નામ આપ્યું હતું. યુરોમની (Euromoney) મેગેઝિન અને સેન્ટ્રલ બેંકિંગ ફાઇનાન્સિયલ જર્નલે તેમને 2014માં બેસ્ટ સેન્ટ્રલ બેંક ગવર્નરનો એવોર્ડ આપ્યો હતો.

  આ પણ વાંચો, બે દિવસ બાદ સોનાના ભાવમાં ફરી આવી તેજી, ચાંદીમાં પણ ઉછાળો, જાણો આજના Rates

  અન્ય રસપ્રદ તથ્યો

  >> વર્ષ 1991માં રાજને બૂથ સ્કૂલ ઑફ બિઝિનેસમાં સહાયક ફાઇનાન્સ પ્રોફેસર તરીકે કામ કર્યું અને 1995માં ફુલ-ટાઇમ પ્રોફેસર બન્યા. તેઓ સ્ટોકહોમ સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ, ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ અને એમઆઈટી સ્લોન સ્કૂલ ઑફ મેનેજમેન્ટની વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપી ચુક્યા છે.

  >> વર્ષ 2013માં માં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે રાજનને આરબીઆઈ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમને વર્ષ 2016માં પણ બીજા કાર્યકાળની માંગ કરી હતી, પરંતુ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે તેમને મંજૂરી ન આપી.

  >> રાજને વર્ષ 2003થી 2006 વચ્ચે ત્રણ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કામ કર્યું હતું. વર્ષ 2005માં તેમણે સંભવિત વૈશ્વિક નાણાંકીય જોખમોની આગાહી કર્યાના ત્રણ વર્ષ પછી યુ.એસ.માં મંદીની શરૂઆત થઈ હતી. આ સચોટ આગાહી બદલ તેમને ઘણી પ્રસિદ્ધિ મળી હતી.

  આ પણ વાંચો, SBI YONOના 3.45 કરોડ યૂઝર્સને શોપિંગ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે લાભ

  અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં રાજ્યસભાની બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા રઘુરામ રાજનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેનો તેમણે ઇન્કાર કર્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: