નવી દિલ્હી: કોરોના મહામારી (Corona pandemic)ની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel), રાંધણગેસ, ખાધતેલ અને શાકભાજી (Vegetables) સહિતની વસ્તુઓમાં થયેલા ભાવ વધારાએ સામાન્ય લોકોના બજેટ બગાડી નાખ્યા છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે. આગામી સમયમાં દવાઓના ભાવ પણ વધી શકે છે.
દવા ઉત્પાદકોને વાર્ષિક હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષમાં 0.5 ટકાનો વધારો કરવાની પરવાનગી સરકારે આપી હોવાનું દવાના ભાવ નક્કી કરતી નેશનલ ફાર્માસ્યુટિકલ્સ ઑથોરિટીનું કહેવું છે. જેના પરિણામે દુ:ખાવામાં રાહત આપતી દવા, કાર્ડિયાક અને એન્ટિબાયોટિક સહિતની મહત્ત્વની દવાઓની કિંમત આગામી એપ્રિલ મહિનાથી વધી શકે છે
20 ટકા સુધી વધી શકે
સરકારે ડ્રગ ઉત્પાદકોને વાર્ષિક હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (ડબલ્યુપીઆઈ)ના આધારે ભાવમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટીનું કહેવું છે કે, વર્ષે 0.5% વધારાને મંજૂરી અપાઇ ચૂકી છે. બીજી તરફ ફાર્મા ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે, ઉત્પાદન માટેનો ખર્ચ 20 ટકા સુધી વધી ગયો છે. પરિણામે કંપનીઓ પણ કિંમતમાં 20 ટકાનો વધારો કરવાની તૈયારીમાં છે.
ડાયાબિટીસ, કાર્ડિયો વેસ્ક્યુલર, એન્ટી ઇન્ફેકટિવ અને વિટામિન સહિતની દવાઓ માટે મોટાભાગનો કાચોમાલ ચીનથી આયાત કરવામાં આવે છે. ચીન ઉપર 90 ટકા જેટલી નિર્ભરતા છે. કોરોના મહામારીના કારણે ગયા વર્ષે જ ચીનથી આવતો માલ ઉપર ઓછો થઈ ગયો હતો. સપ્લાયમાં તકલીફ ઊભી થતાં ઉત્પાદકો માટે ખર્ચ વધી ગયો હતો. આ ઉપરાંત ચીન દ્વારા પણ 2020ના મધ્ય ભાગમાં 20 ટકા સુધી કિંમત વધારવામાં આવી હતી.
દવા ઉદ્યોગ ક્ષેત્રે ભારત વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ ભારતમાં જે દવાઓ બને છે તેનો મોટાભાગનો માલ ચીનથી આયાત થાય છે. કોરોના મહામારીમાં ચીનથી ઓછો માલ આવતો હતો. આમ તો ચીન સિવાય જર્મની અને સિંગાપોરથી પણ માલ મંગાવી શકાય છે, પરંતુ તે ખૂબ જ મોંઘો હોય છે. માટે મોટાભાગની કંપનીઓ ચીન પાસેથી માલ ખરીદીને છે. એન્ટિબાયોટીક દવાનો પણ મોટાભાગનો માલ ચીનથી આવે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતા હેપરીનના ઇન્જેક્શનની કિંમતમાં પણ તાજેતરમાં વધારો કરવામાં આવ્યો હતો. ચીનથી આયાત થતા એપીઆઈ પાછળનો ખર્ચ સતત વધી રહ્યો હોવાથી કંપનીઓ દ્વારા સરકાર પાસે ભાવ વધારાની દરખાસ્ત કરવામાં આવી હતી. પરિણામે, સરકારે પણ 50 ટકા સુધી ભાવ વધારાને મંજૂરી આપી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર