નવી દિલ્હી: નવા નાણાકીય વર્ષ (New Financial year) 2021-22માં એક બાજુ અનેક નિયમો બદલાયા છે તો બીજી બાજું અનેક વસ્તુઓની કિંમતમાં વધારો થયો છે. એટલે કે હવે તમારે અમુક વસ્તુઓ માટે પહેલા કરતા વધારે કિંમત ચૂકવવી પડશે. આની સીધી જ અસર લોકોના ખિસ્સા પર પડશે. તમને જણાવી દઈએ કે નવું નાણાકીય વર્ષ શરૂ થતા જ ટીવી (TV), એસી (AC), રેફ્રિજરેટર, કાર (Car) અને બાઇક (Bike) સહિતની વસ્તુઓ મોંઘી બની છે. નવા ભાવ પહેલી એપ્રિલ, 2021થી લાગૂ થયા છે.
વિમાનની મુસાફરી આજથી મોંઘી બની છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ અને ઑટો કંપનીઓએ પણ પોતાની પ્રૉડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. તો જાણીએ હવે તમારે કઈ વસ્તુ માટે કેટલી વધારે કિંમત ચૂકવવી પડશે.
પહેલી એપ્રિલથી વિમાનની મુસાફરી મોંઘી બની છે. હકીકતમાં DGCA (Directorate General of Civil Aviation) તરફથી એર ટિકિટમાં એરપોર્ટ સિક્યોરિટી ફી (ASF)માં વધારો કર્યો છે. હવેથી ઘરેલૂ ઉડાન માટે ટિકિટ દીઠ 160ને બદલે 200 રૂપિયા એએસએફ ચૂકવવી પડશે. જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 5.2 ડૉલરને બદલે હવેથી 12 ડૉલર એએસએફ ચૂકવવી પડશે. નવા ભાવ પહેલી એપ્રિલથી લાગૂ થયા છે.
જો તમે હવે એસી ખરીદવા માંગો છો તો તમારે પહેલાની સરખામણીમાં વધારે કિંમત ચૂકવવી પડશે. કંપનીઓએ ભાવ વધારાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. કંપનીઓ એ ભાવમાં પાંચથી 10 ટકાનો વધારો કર્યો છે. મેટર અને કમ્પ્રેસરની કિંમતમાં વધારો થતાં એસી અને ફ્રીજ બંનેની કિંમતમાં વધારો થયો છે.
આ ઉપરાંત કાર અને બાઇકની ખરીદી પણ પહેલા કરતા વધારે મોંઘી બનશે. ઑટો કંપનીઓએ પહેલા જ આ અંગેની જાણકારી આપી દીધી હતી. મારુતિ સુઝુકી સહિત કંપનીઓએ પોતાની કારની કિંતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીઓએ ઇનપુટ કૉસ્ટ વધવાને કારણે ભાવમાં વધારો કર્યો છે. આ ઉપરાંત એપ્રિલથી દરેક કારમાં બે એર બેગ્સ ફરજિયાત કરાતા ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, આ ખર્ચ કંપનીઓ ગ્રાહકો પર નાંખશે. ટીવીના ભાવ વધ્યા:
આ ઉપરાંત ટીવીના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. એટલે કે હવે તમારે ટીવી ખરીદવા પર પહેલા કરતા વધારે પૈસા ચૂકવવા પડશે. પેનાસોનિક (Panasonic), હેયર (Haier), થૉમસન (Thomson) સહિતના બ્રાન્ડના ટીવી મોંઘા થઈ ગયા છે. કિંમતમાં ઓછામાં ઓછો બેથી ત્રણ હજારનો વધારો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર