Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ, જાણો વધુ વિગત
Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ, જાણો વધુ વિગત
પોસ્ટ ઓફિસ (પ્રતીકાત્મક તસવીર)
Post Office Time Deposit Account: આ સ્કીમ હેઠળ તમે ફક્ત 1,000 રૂપિયા સાથે ખાતું શરૂ કરી શકો છો. શરૂઆતની ચૂકવણી ચેક અથવા રોકડથી કરી શકો છો. આ સ્કીમમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
નવી દિલ્હી: જો તમે સુરક્ષિત રોકાણ (Secure investment) ક્યાં કરવું તેની શોધમાં છો તો પોસ્ટ ઓફિસ (Post office) તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસને સરકારનું સમર્થન હોવાથી તેમાં કરેલું રોકાણ ક્યારેય ડૂબવાનું જોખમ રહેતું નથી. અહીં તમને નિશ્ચિત વળતરની ખાતરી પણ મળે છે. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ (Post Office Time Deposit scheme) રોકાણ માટે એક સારી યોજના છે. પોસ્ટ ઓફિસમાં રોકાણ માટે 1, 2, 3 કે 5 વર્ષ માટે ખાતું ખોલાવી શકાય છે. સમયગાળો પૂરો થયા બાદ જો તમે આ સ્કીમમાં ચાલુ રહેવા માંગો છો તો તમારે ફક્ત એક અરજી જ આપવાની રહેશે.
મિનિમમ રોકાણ (Minimum deposit)
આ સ્કીમ હેઠળ તમે ફક્ત 1,000 રૂપિયા સાથે ખાતું શરૂ કરી શકો છો. શરૂઆતની ચૂકવણી ચેક અથવા રોકડથી કરી શકો છો. આ સ્કીમમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
પાકતી મુદત પહેલા ઉપાડ (Premature withdrawal)
આ સ્કીમમાં શરૂઆતના છ મહિનામાં કોઈ ઉપાડની કોઈ છૂટ નથી. જો આ સ્કીમમાં છ મહિના પછી અને એક વર્ષ પહેલા એટલે કે પાકતી મુદત પહેલા રકમનો ઉપાડ કરવામાં આવે છે તો વ્યાજનો દર સમાન રહે છે.
પાકતી મુદત બાદ વ્યાજ (Interest post maturity)
જો આ સ્કીમમાં મેચ્યુરિટી પછી પણ રકમ રાખી મૂકવામાં આવે તો તેના પર કોઈ વધારાનું વ્યાજ મળતું નથી. જો પોસ્ટ ઑફિસમાં કોર બેન્કિંગ સેવા ઉપલબ્ધ હોય તો તમે જે સમયગાળો પસંદ કર્યો હોય તેટલા સમય માટે ડિપોઝિટને રિન્યૂ કરી શકો છે.
વ્યાજદર (Interest rates)
1થી ત્રણ વર્ષની વચ્ચે તમને 5.5 ટકા વ્યાજ મળશે. પાંચ વર્ષ માટે ડિપોઝિટ કરવા પર 6.7 ટકા વ્યાજ મળશે. જો આ જ વ્યાજદર સાથે ડિપોઝિટ કરવામાં આવે તો તમારું રોકાણ 10.75 વર્ષમાં ડબલ થઈ જશે.
આ સ્કીમમાં વ્યાજ તેમજ મુદલ સાથેની રકમની ચૂકવણી રોકડ અથવા ચેકમાં કરવામાં આવે છે. અહીં એક શરત એવી પણ છે કે જો ચૂકવણી 20 હજાર કે તેનાથી વધારે હોય તો તે ફરજિયાત ચેક મારફતે જ કરવામાં આવે છે.
ટેક્સ લાભ (Tax benefits)
આ સ્કીમમાં પાંચ વર્ષ માટે ડિપોઝિટ કરવા પર જ કર કપાતનો લાભ મળે છે. પાંચ વર્ષ માટે કરવામાં આવેલી ડિપોઝિટ આવકવેરા ધારાની કલમ 80C હેઠળ બાદ મળે છે. 80Cની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે.
એકાઉન્ટ કોણ ખોલાવી શકે? (Eligibility criteria)
- ભારત દેશનો કોઈ પણ નાગરિક ખાતું ખોલાવી શકે છે.
- વધુમાં વધુ ત્રણ વ્યક્તિ સાથે સંયુક્ત ખાતું પણ ખોલાવી શકાય છે.
- 10 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો બાળક ખાતું ખોલવી શકે છે, અને વ્યવહાર પણ કરી શકે છે.
- 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે તેમના વાલી કે પિતા ખાતું ખોલાવી શકે છે.
- NRIને પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવાની મંજૂરી નથી.