Home /News /business /સાયરસ મિસ્ત્રી અકસ્માતઃ 152 પાનાની ચાર્જશીટ દાખલ, બેદરકારી-ઓવરસ્પીડિંગને મુખ્ય કારણ ગણાવાયું
સાયરસ મિસ્ત્રી અકસ્માતઃ 152 પાનાની ચાર્જશીટ દાખલ, બેદરકારી-ઓવરસ્પીડિંગને મુખ્ય કારણ ગણાવાયું
સાયરસ મિસ્ત્રી અકસ્માતમાં અનેક મોટા ખુલાસા
સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુના કેસમાં પોલીસે 152 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં બેદરકારી અને ઓવરસ્પીડિંગને અકસ્માતનું મુખ્ય કારણ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 4 સપ્ટેમ્બર 2022 ના રોજ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મિસ્ત્રીના મિત્ર જહાંગીર દિનશા પંડોલેનું પણ મોત થયું હતું.
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રની પાલઘર પોલીસે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી છે. 152 પાનાની આ ચાર્જશીટમાં પોલીસે અકસ્માત માટે બેદરકારી અને ઓવરસ્પીડને મુખ્ય મુદ્દાઓ ગણાવ્યા છે. ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કાર ચલાવનાર ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે માત્ર શોલ્ડર સીટ બેલ્ટ પહેર્યો હતો. તેણે પેલ્વિક સીટ બેલ્ટ (બેલ્ટની નીચેનો ભાગ) પહેર્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર 2022ના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. મિસ્ત્રીના મિત્ર જહાંગીર દિનશા પંડોલેનું પણ આ અકસ્માતમાં નિધન થયું હતું. જણાવી દઈએ કે, મિસ્ત્રી મર્સિડીઝ બેન્ઝ GLC 220 D 4MATIC માં મુસાફરી કરી રહ્યા હતા. મુંબઈની ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે આ કાર ચલાવી રહી હતી. તેની બાજુમાં તેનો પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા.
કારની પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશાએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો અને આ જ તેમના મૃત્યુનું કારણ માનવામાં આવે છે. જ્યારે આગળની સીટ પર બેઠેલા અનાહિતા અને ડેરિયસે સીટ બેલ્ટ પહેર્યા હતા, આથી તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ ચાર્જશીટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અનાહિતા પંડોલે પેલ્વિક સીટ બેલ્ટ પહેર્યો ન હતો. આ અકસ્માતમાં અનાહિતા અને તેનો પતિ ડેરિયસ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માત બાદ, ડૉ. અનાહિતા પંડોલેને 108 દિવસની સારવાર બાદ 23 ડિસેમ્બર 2022ના રોજ રજા આપવામાં આવી હતી. તેમને સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પાલઘર પોલીસે નવેમ્બરમાં ડૉક્ટર અનાહિતા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમની સામે IPC કલમ 304 (A), 279, 337 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો આ મામલાઓમાં દોષી સાબિત થાય તો તેને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અનાહિતા પંડોલે પર ટ્રાફિકના નિયમો તોડવાનો ઈતિહાસ છે. 2020થી અત્યાર સુધીમાં ઘણી વખત તેમની ઓવર-સ્પીડિંગ માટે ચલણ કાપવામાં આવ્યા છે. પાલઘરના પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટીલે કહ્યું હતું કે, 'ડૉ. અનાહિતા હાઇ સ્પીડમાં ડ્રાઇવિંગ કરતી વખતે ઓછામાં ઓછી સાત વખત સ્પીડ કેમેરામાં કેદ થઈ છે. તેમણે કહ્યું કે, આ ઘટનાઓ 2020થી સપ્ટેમ્બર 2022માં અકસ્માતના દિવસ સુધી બની હતી. પોલીસે કહ્યું હતું કે, તેની સામેના ઈ-ચલાનને હવે ચાર્જશીટનો ભાગ બનાવવામાં આવશે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર