ન્યૂઝ18 ગુજરાતી: પંજાબ નેશનલ બેંકમાં થયેલા કૌભાંડના આરોપી નીરવ મોદી પર વધુ એક વાર થવાની તૈયારીમાં છે. નીરવ મોદીના અલીબાગ સ્થિત બંગલાને હવે બ્લાસ્ટ કરી તોડી પડાશે. 8 માર્ચે આ ગેરકાયદે બંગલાને તોડવામાં આવશે. આ પહેલાં 6 માર્ચે કાર્યવાહી હાથ ધરવાની હતી, પરંતુ હવે તે કામ 8 માર્ચે શરૂ થશે. રાયગઢ જિલ્લાના કલેક્ટર ડૉ. વિજય સુર્યવંશીએ આ અંગે માહિતી આપી હતી. આ પહેલાં નીરવા મોદીના અલીબાગ સ્થિત બંગલાને તોડવાનું કામ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં રોકવામાં આવ્યું હતું. બંગલો તોડવામાં જેસીબી અને પોકલેન મશીન નિષ્ફળ રહ્યાં હતાં.
કિંમતી વસ્તુઓની થશે હરાજી
સૂત્રોએ જણાવ્યું હતું કે, બંગલાનું બાંધકામ બહુ મજબૂત હોવાથી જેસીબી અને પોકલેન મશીન તેને તોડી શક્યા નથી. બીજી બાજુ, બંગલો તોડવા પહોંચેલી ટીમને અહીં કિંમતી વસ્તુઓ પણ મળી હતી. આ કિંમતી વસ્તુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. હવે આ વસ્તુઓની હરાજી કરવામાં આવશે. જેમાં ઝુમ્મર અને બાથરૂમમાં લગાડેલા શાવર વગેરેનો સમાવેશ થાય છે. બંગલાને ખાલી કર્યા બાદ કન્ટ્રોલ બ્લાસ્ટથી તોડી પાડવાની તૈયારી છે. બંગલાને તોડવા માટે સ્પેશિયલ ટેક્નિકલ ટીમને પિલ્લર વચ્ચે વિસ્ફોટક લગાડવા માટે બોલાવવામાં આવી છે.
નીરવ મોદીનો અલીબાગ સ્થિત બંગલો લગભગ 20 હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. ઉલ્લેખનીય છે કે, રાયગઢ જિલ્લાના કલેક્ટર ડૉ. વિજય સુર્યવંશીએ મુંબઇથી 90 કિલોમીટર દૂર અલીબાગ બીચ પાસે કિહિમમાં સ્થિત 58 ગેરકાયદે ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આમાં નીરવ મોદીનો બંગલો પણ સામેલ હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર