ન્યૂઝ18 ગુજરાતી: પંજાબ નેશનલ બેંક સાથે 14 હજાર કરોડથી વધારેની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકારની વિનંતી બાદ લંડનની કોર્ટે નીરવ મોદીની ધરપકડનું વોરંટ કાઢ્યું હતું. ધરપકડ બાદ હવે નીરવ મોદીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કેવી રીતે સામે આવ્યું હતું કૌભાંડ?
>> પંજાબ નેશનલ બેંકે સ્ટોક એક્સચેન્જ બીએસઇને જણાવ્યું કે, તેણે 1.8 અરબ ડોલર (લગભગ 13-14 હજાર કરોડ રૂપિયા)નું શંકાસ્પદ ટ્રાન્જેક્શન પકડ્યું છે. >> આ કૌભાંડની શરૂઆત 2011માં થઇ હતી. 7 વર્ષમાં હજારો કરોડની રકમ નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ (LoUs) દ્વારા વિદેશી એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. >> બેંક અનુસાર, આવું લાગી રહ્યું છે કે આ ટ્રાન્ઝેક્શનના આધારે વિદેશમાં કેટલીક બેંકોએ તેને (કેટલાક એકાઉન્ટ હોલ્ડર્સને) નાણાં આપ્યા છે. આ એકાઉન્ટ્સ કેટલા હતા, કેટલા લોકોને લાભ થયો? તે અંગે અત્યાર સુધી ખુલાસો થયો નથી. >> આ સમગ્ર કૌભાંડને લેટર ઓફ અંડરટેકિંગ (LoUs) દ્વારા અંજામ આપવામાં આવ્યું. આ એક પ્રકારની ગેરન્ટી હોય છે. જેના આધારે બીજા બેંક એકાઉન્ટ હોલ્ડરને નાણાં અપાય છે.
આ મામલામાં શું થયું?
>> એક્સપર્ટ્સ પ્રમાણે, આ મામલામાં બેંકે એલઓયુ નથી આપ્યા પરંતુ બેંકના બે કર્મચારીઓએ ચોરીથી નકલી એલઓયુ બનાવીને આપ્યા.
>> આ કર્મચારીઓ પાસે એક સ્વિફ્ટ સિસ્ટમનું કન્ટ્રોલ હતું. જે એક આંતરાષ્ટ્રીય કોમ્યુનિકેશન સિસ્ટમ છે અને દુનિયાભરની બધી તમામ બેંકોને પરસ્પર જોડે છે.
>> આ સિસ્ટમથી જે સંદેશ જાય છે તે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોડમાં મોકલાય છે. એલઓયુ મોકલવા, ખોલવા, તેમાં ફેરફાર કરવાનું કામ આ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.
>> આના કારણે જ્યારે આ સિસ્ટમ દ્વારા સંદેશ કોઇ બેંકને મળે છે તો બેંકને જાણકારી હોય છે કે તે અધિકૃત સંદેશ છે અને સાચો સંદેશ છે. તે એની પર શંકા નથી કરતી.
પરંતુ કોઇ સિસ્ટમની જાળવણી કરનારા કોઇ વ્યક્તિ જ હોય છે. પીએનબીમાં આ કામ કરનારા બે લોકો હતા. એક ક્લર્ક જે આમાં ડેટા નાંખતો હતો અને બીજો અધિકારી જે આ માહિતીની અધિકૃત પુષ્ટિ કરતો હતો.