નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ નવા વર્ષના પહેલા દિવસે ગુજરાત સહિત 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ (Light House Project)નું ખાતમુહૂર્ત કર્યું છે. તેઓએ ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-ઈન્ડિયા (GHTC) હેઠળ રાજકોટ (ગુજરાત), અગરતલા (ત્રિપુરા), રાંચી (ઝારખંડ), લખનઉ (ઉત્તર પ્રદેશ), ઈન્દોર (મધ્ય પ્રદેશ) અને ચેન્નઈ (તમિલનાડુ)માં લાઇટ હાઉસ પ્રોજેક્ટની આધારશીલા રાખી છે. આવો જાણીએ શું છે લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને કેટલી હશે તેની કિંમત...
શું છે લાઇટ હાઉસ પ્રોજેક્ટ?
લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી યોજના છે જે હેઠળ લોકોને સ્થાનિક જળવાયુ અને ઇકોલોજીને ધ્યાને લઈ ટકાઉ આવાસ પૂરા પાડવામાં આવે છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે જે રાજ્યોને પસંદ કરવામાં આવ્યા છે તેમાં ગુજરાત ઉપરાંત ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
શું છે ખાસિયત?
આ પ્રોજેક્ટમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સસ્તા અને મજબૂત મકાન બનાવવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં ફેક્ટરીથી જ બીમ-કોલમ અને પેનલ તૈયાર કરી ઘર બનાવવાના સ્થાન પર લાવવામાં આવે છે. તેનાથી ફાયદો એ થાય છે કે નિર્માણની અવધિ અને ખર્ચ ઓછો થઈ જાય છે. તેથી પ્રોજેક્ટમાં ખર્ચ ઓછો આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ બનેલા મકાન સંપૂર્ણપણે ભૂકંપરોધી હોય છે.
કેટલા વર્ગમીટરનો હશે એરિયા?
આ પ્રોજેક્ટ હેઠળ પૂરો કાર્પેટ એરિયા 34.50 વર્ગ મીટરમાં હશે. તેમાં 14 માળની બિલ્ડિંગ બનાવવામાં આવશે. કુલ 1,040 ફ્લેટ તૈયાર થશે, દરેક ફ્લેટ 415 વર્ગ ફુટનો હશે.
આ પણ વાંચો, LPG Cylinder: નવા વર્ષના પહેલા દિવસે જ ગેસ સિલિન્ડર થયો મોંઘો, જાણો કેટલો વધ્યો ભાવ
ઘરોની કિંમત કેટલી હશે?
મળતી જાણકારી મુજબ, ઘરોની કિંમત 12.59 લાખ રૂપિયા હશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 7.83 લાખ રૂપિયા અનુદાન તરીકે આપવામાં આવશે. બાકી 4.76 લાખ રૂપિયા લાભાર્થીએ આપવાના રહેશે. ફ્લેટની ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અનુસાર થશે.
ક્યાં સુધીમાં પૂરું થશે નિર્માણ?
નવી ટેક્નોલોજીના કારણે નિર્માણ કાર્ય લગભગ એક વર્ષમાં પૂરું થઈ શકશે. પ્રી ફેબ્રિકેટેડ ચીજોના પ્રયોગથી નિર્માણ વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ હશે.
આ પણ વાંચો, Indian Railways: હવે મુસાફરી દરમિયાન કોઈ પરેશાની નહીં થાય, નવા વર્ષથી ટ્રેનમાં મળશે આ નવી સુવિધા
પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ હતી?
કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલયે વર્ષ 2017માં GHTC-ઈન્ડિયા હેઠળ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે 6 સ્થળોની પસંદગી કરી રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું હતું. મંત્રાલયે તેમાં સક્રિય રીતે ભાગ લેવા માટે તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કર્યા હતા. માપદંડો મુજબ, સૌથી વધુ માર્ક્સ મેળવનારા 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટની શરૂઆત કરવાની ઘોષણા કરવામાં આવી હતી.