નવી દિલ્હી : નોકરી છૂટી ગયા બાદ પણ ઇપીએફ એકાઉન્ટમાં વ્યાજની આવક થઇ શકે? તે પ્રશ્ન અનેક લોકોને સતાવે છે. ઘણા લોકો એમ સમજે છે કે, ૫૮ વર્ષની ઉંમર સુધી પીએફ બેલેન્સમાં કરમુક્ત વ્યાજની આવક મળી શકે, માટે તેઓ ક્યારેય ઈપીએફનું ભંડોળ ઉપાડતા કે ટ્રાન્સફર કરતા નથી.
ઘણા લોકો ૫૮ વર્ષની ઉંમર પહેલાં જ નોકરી મૂકી દે છે. ઉદ્યોગસાહસિક બની જાય છે. આવી સ્થિતિમાં ઇપીએફ એકાઉન્ટમાં પડેલા રૂપિયાનું શું થયું? તે જાણવાનું તેમને મન હોય છે. શું ઇપીએફ એકાઉન્ટમાં ટેકસ ફ્રી વ્યાજ રળી શકાય કે કેમ? તે પ્રશ્ન પણ ઉઠે છે.
ઉલ્લેખનીય છે કે, તમારા ઈપીએફ એકાઉન્ટમાં તમારી નોકરી બાદ પણ ૫૮ વર્ષની ઉમર સુધી વ્યાજ મળી શકે છે. ૫૮ વર્ષની ઉંમર કે નોકરી મૂકવા સુધી એકઠા થયેલા બેલેન્સ ઉપર ટેકસ લાગતો નથી. પરંતુ નિવૃત્તિ કે નોકરી મૂક્યા સુધીમાં પીએફમાં ભેગી થયેલી રકમના વ્યાજ પર ટેકસ લાગે છે.
ઉલ્લેખનીય છે કે, ૫૮ વર્ષની વય પહેલાં તમારી નોકરીથી રાજીનામું આપ્યું હોય અને ૩૬ મહિનામાં પૈસા ઉપાડવા માટે અરજી ના કરી હોય તો ઈપીએફ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. કર્મચારી નોકરી છોડ્યાના બે મહિના પછી ઇપીએફમાં પડેલી આખી રકમ ઉપાડી શકે છે. જો કે, તે અન્ય કોઈ જોબમાં જોડાયો હોવો જોઈએ નહીં. એકવાર તમારું EPF ખાતું નિષ્ક્રિય થઈ જાય તો વ્યાજ મળતું નથી.
*આ ચાર કિસ્સામાં ઈપીએફ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે
1. જો કોઈ કર્મચારી ૫૫ વર્ષ બાદ નોકરીમાંથી નિવૃત્ત થાય
2. જો વ્યક્તિ કાયમી ધોરણે વિદેશ ચાલ્યો જાય
3. કર્મચારીનું નિધન થઈ જાય
4. જો નોકરી છોડતી વખતે રકમ ચૂકવવાપાત્ર થઈ તે તારીખથી ૩૬ મહિનાની અંદર ખાતાના સમાધાન માટે કોઈ ક્લેમ ન મળે તો. સરળ ભાષામાં કહીએ તો જો કર્મચારી નોકરી છોડ્યા બાદ ૩૬ મહિનામાં ઇપીએફ માટે અરજી ન કરે તો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે.
આવકવેરાના નિયમ મુજબ જો સતત પાંચ વર્ષ નોકરી પહેલાં રકમ ઉપાડી લેવામાં આવે તો EPFની બેલેન્સ પર મળતું વ્યાજ કરવેરા પાત્ર છે. ઇપીએફ સબ્સ્ક્રિપ્શનના પ્રારંભિક પાંચ વર્ષમાં કર્મચારી એક કરતા વધુ સંસ્થા માટે કામ કરે, પરંતુ જૂની સંસ્થામાંથી નવી સંસ્થામાં ઈપીએફ બેલેન્સ ટ્રાન્સફર કરે તો તેને સતત પાંચ વર્ષની નોકરી માનવામાં આવશે. આ પરિસ્થિતિમાં એવું માની લેવાશે કે કર્મચારીએ કરવેરા હેતુ માટે પાંચ વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે સતત નોકરી ચાલુ રાખી છે.
આ બાબત પરથી સમજી લેવું કે, નોકરી છોડ્યાના તુરંત બાદ નવી સંસ્થા માં EPF એકાઉન્ટ ટ્રાન્સફર કરાવી લેવું જોઈએ. પરંતુ જો તમે ૫૮ વર્ષ પહેલા નિવૃત્તિ લેવાના હોવ તો નોકરી છોડ્યાના ૩૬ મહિનામાં જ પીએફ બેલેન્સ ઉપાડી લેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર