નવી દિલ્હી . કેન્દ્રીય કેબિનેટે પૂર્વનિર્ધારિત સમયમર્યાદાના 5 વર્ષ પહેલા એટલે કે 2025-26 સુધીમાં પેટ્રોલ (Petrol) માં ઇથેનોલ (ethanol) ની 20 ટકા ભેળસેળના લક્ષ્યને પૂર્ણ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. અગાઉ આ માટે 2030નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. અત્યારે પેટ્રોલમાં લગભગ 10 ટકા ઇથેનોલ મિક્સ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં જૈવ ઈંધણ (biofuel) અંગેની રાષ્ટ્રીય નીતિમાં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત ઇથેનોલનું ઉત્પાદન વધશે. આ સાથે ઉત્પાદન વધારવા માટે ઘણા વધુ પાકોના ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે 2009માં નેશનલ બાયોફ્યુઅલ પોલિસી લાગુ કરી હતી. બાદમાં, 4 જૂન, 2018 ના રોજ, આ મંત્રાલયે તેના સ્થાને બાયોફ્યુઅલ પર રાષ્ટ્રીય નીતિ-2018 ને સૂચિત કર્યું હતું. મોદી સરકારે આગામી 2 વર્ષમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેનાથી મોંઘા ક્રૂડઓઈલના આયાતના મામલામાં ઘણી હદ સુધી રાહત મળશે.
બાયોફ્યુઅલ નીતિમાં મંજૂર કરાયેલા મુખ્ય સુધારાઓમાં ખાસ કિસ્સાઓમાં બાયોફ્યુઅલની નિકાસને મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. આ સાથે જ કેબિનેટે 'મેક ઈન ઈન્ડિયા' કાર્યક્રમ હેઠળ દેશમાં બાયોફ્યુઅલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પણ મંજૂરી આપી છે. તેને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) અથવા નિકાસ કરતા એકમો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, ભારત અત્યારે તેની 85 ટકા ક્રૂડ ઓઈલ જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. આવી સ્થિતિમાં બાયોફ્યુઅલ પોલિસી ઘણી મદદગાર સાબિત થશે, જે દેશની આયાત પર નિર્ભરતા ઘટાડશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, બાયોફ્યુઅલના ઉત્પાદન માટે ઘણા વધુ ઉત્પાદનોને મંજૂરી આપવામાં આવી રહી છે, આનાથી આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળશે. આનાથી 2047 સુધીમાં ભારતને ઉર્જા મામલામાં આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવામાં મદદ મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર